લક્ષદ્વીપના પક્ષીઓ માંડવી કાંઠે આવ્યા - પણ મૃત

 લક્ષદ્વીપના પક્ષીઓ માંડવી કાંઠે આવ્યા - પણ મૃત

બિપરજોય વાવાઝોડાના અરબી સમુદ્રના ઉદગમસ્થાન નજીક જોવા મળતા રૂપકડા પક્ષીઓના મૃતદેહ કચ્છમાં માંડવી દરિયાકાંઠે નોંધાયા છે, તો દુર્ગમ ખડીર વિસ્તારમાં કચ્છ વિસ્તારમાં જોવા ન મળતું પક્ષી જીવિત પહોંચી આવતા સુરક્ષિત સ્થળે ખસેડાયું હતું.

તાજેતરમાં વનવિભાગ અને દરિયાઈ જીવવિજ્ઞાનીઓ તેમજ પ્રકૃતિવિદની ટીમ દ્વારા ચક્રવાતને લઈને કરાયેલા સર્વેક્ષણમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનનાર વાવાઝોડાના કારણે દરીયાઇ જીવો પર તેમજ પક્ષીઓને કેટલું નુકસાન થયું તે જાણવા કચ્છના માંડવી આસપાસના દરિયાકાંઠાનું વૈજ્ઞાનિક ઢબે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણમાં મિલન મહેતા, નીકી શાહ અને યશેષ શાહની ટીમ દ્વારા નોંધ કરાઈ હતી.

જે અનુસાર કચ્છ અને ગુજરાતમાં જોવા ન મળતા પક્ષીઓ અને માછલીઓ દરિયાકાંઠે મૃત મળી આવ્યા હતા. જેમાં ઇન્ડિયન ઓશન રેડ બિલ્ડ ટ્રોપિક બર્ડ એટલે કે લાલ ચાંચ ઉષ્ણકટિબંધીય પક્ષી અને તેની સહપ્રજાતિ રેડ ટેલ્ડ કે વ્હાઇટ ટેલ્ડ ટ્રોપિક બર્ડ હોય તેવી પુષ્ટિ દરિયાઈશાસ્ત્રના જાણકાર યશેશ શાહ દ્વારા કરવામાં આવી હતી.

નોંધનીય બાબત છે કે, આ પ્રજાતિ મુખ્યત્વે લક્ષદ્વીપ ટાપુના અમુક ભાગ, ઓમાન અને પર્શિયાના અખાતમાં વસવાટ કરે છે, સાથે જ પ્રજાતિ કચ્છ જિલ્લામાં પહેલા ક્યારેય જોવા ન મળી હોવાની તેમને નોંધ કરી હતી. આ પક્ષીઓના મૃતદેહ માંડવી નજીક દરિયાકાંઠે પહોંચ્યા હતા, બીજીતરફ વિવિધ પ્રજાતિની માછલીઓ પણ દરિયાકાંઠે મૃત જોવા મળી. જેમાં અરબી સમુદ્રમાં વસ્તી ટ્રિગરફિશ નામક પ્રજાતિની માછલીઓ જોવા મળી હતી.

ક્લાઈમેટ ચેન્જ થકી સુપર સાયક્લોનની સંખ્યા વધશે: તજજ્ઞ માંડવી અને દરિયાકાંઠે સંશોધનકર્તા યશેશ શાહએ ભાસ્કરને જણાવ્યું કે, આગામી સમયમાં આ પ્રકારના સુપર સાયકલોન દરવર્ષે જોવા મળશે. કારણ કે, દરિયામાં ચક્રવાતની પ્રક્રિયા સમુદ્રના પાણીનું તાપમાન ૬૦ મીટરની ઊંડાઈ સુધી ૨૭ ડિગ્રીથી ઉપર જાય ત્યારે શરૂ થાય છે. હાલનાં સમય માં ક્લાઇમેટ ચેન્જ થકી તાપમાન દર વર્ષે વધી રહ્યું છે, ત્યારે આવા વધુને વધુ શક્તિશાળી ચક્રવાતો દર વર્ષે જોવા મળે તે સ્વાભાવિક છે

બિપરજોય વાવાઝોડાના કારણે સ્કૂટી ટર્ન પક્ષી કચ્છમાં પહેલીવાર નોંધાયું ખડીર વિસ્તારમાં વાવાઝોડા પહેલા સ્કૂટી ટર્ન નામનું પક્ષી જોવા મળ્યું હતું. જેની જાણ થતા જ વનવિભાગે તેને બચાવી લીધું હોવાનું જિલ્લા મુખ્ય વનસંરક્ષક વી. જે રાણાએ જણાવ્યું હતું. વરિષ્ઠ પક્ષીવિદ શાંતિલાલભાઈ વરુએ જણાવ્યું કે, વાવાઝોડાના કારણે મધદરિયા અને લક્ષદ્વીપ સહિત ટાપુમાં જોવા મળતું સ્કૂટી ટર્ન પક્ષી કચ્છમાં પહેલી વાર નોંધાયું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain