પાવરપટ્ટી – બન્ની પંથકમાં શિકારી પ્રવૃત્તિમાં ઉછાળો

 પાવરપટ્ટી – બન્ની પંથકમાં શિકારી પ્રવૃત્તિમાં ઉછાળો

પશ્ચિમ બન્નીના છારીઢંઢની આસપાસ મોટી સંખ્યામાં વિચરતા પ્રવાસી પક્ષીઓ અને રાજા પશુઓના થતા બેફામ શિકારને લઈ આ વિસ્તારમાં બિબ્બર અને ભગાડિયાના રણપ્રદેશમાં નીલગાયના શિકાર રોજિંદી પ્રવૃતિ બની જતા જીવદયા પ્રેમીઓના લોહી ઉકળી ઉઠ્યા છે. જીવદયા પ્રેમીઓના જણાવ્યા મુજબ બની પંથકમાં દાદાગીરી પૂર્વક શિકારી પ્રવૃતિ ચાલી રહી છે. છારીઢંઢ વનખાતા હસ્તકનું આ રક્ષિત અભ્યારણ છે. અહીં જંગલ ખાતાએ પક્ષી, પ્રકૃતિ, પર્યાવરણ પ્રેમી માટે વોચ ટાવર સહિતની સુવિધા ઉભી કરી છે પણ દરરોજ સાંજ થતા બંદુકના ધડાકા બંધ કરાવવામાં તંત્રને કોની લાજનો ધંધટો કાઢવો પડે છે. 

રવિવારે છારીઢંઢની મુલાકાત લેતા પ્રવાસી આ પ્રવૃતિ નજરે નિહાળે છે પણ વનખાતા કે પર્યાવરણ વાદીઓને કેમ આ નથી દેખાતું? પક્ષી હનનનો ખેલ તો એટલી હદે ફાલ્યો ફુલ્યો છે કે બારાતું તો શિકારની છુટ જ માની લે. અહીં દરરોજ નીલગાયને બંદુકના ભડાકે દેવામાં આવે છે તેવા ચોકાવનારા આક્ષેપો ઉઠ્યા છે. નિરોણા, પિયાવા અને શેરવાની બાજુમાં છારીઢંઢ જતા માર્ગ પર ચોક્કસ ઈસમો નિયમીત પ્રવાસીઓને લઈ આવી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાના પણ આક્ષેપો ઉઠી રહ્યા છે. 

ઉગમણી બન્નીના લખાબો, ઝુમરીમાં રોજ શિકારી પ્રવૃતિ બેકાબુ છે. અગાઉ ભૂતકાળમાં બિબ્બરના નરેન્દ્રસિંહ જાડેજા નામનો યુવક શિકારીવાળી જગ્યા દોડી ગયો હતો. જયાં બંને શિકારી નીલગાયનો માસ કાઢી રહ્યા હતા પણ શિકારીઓ આ યુવાનને દમ-દાટી દેતા યુવાન સમય સુચકતા વાપરી ત્યાંથી પાછો જતો રહ્યો હતો અને તેમને વનખાતાને જાણ કરી હતી એટલું જ નહીં શિકારીના મોટર સાઈકલનો ફોટો પાડી વનખાતાને જાણ કરી હતી, પરંતુ પાછળ તપાસ કયાં પહોંચી તે રામ જાણે. નાની બન્નીના છછલા, ભગાડિયા, મીઠડી અને રણોત્સવના બહાને અમુક રિસોર્ટ, હોટલવાળા કુંજનો શિકાર કરે છે અને કહે છે કે કુકડા કરતા કુંજ ખાવાથી કાળજા વધુ મજબુત બને છે.

પાવરપટ્ટી અને નાની બન્ની વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા ખુબ જ હતી પણ બંદુકના ભડાકાના અવાજમાં મોરના પીંછા પણ જોવા મળતા નથી. આ પંથકમાં બારાતું તત્વોના પગરણથી કુંજ સહિતના પંખીનો કત્લેઆમ થઈ રહ્યો છે ત્યારે આડેધડ અપાતા બંદુકોના લાયસન્સ બંધ થાય અથવા રદ્દ કરવામાં આવે. જંગલ ખાતું સાચા અર્થમાં રક્ષક તરીકે કાર્યરત થાય તેવી માંગ જીવદયા પ્રેમીઓ, પર્યાવરણ વાદીઓ કરી રહ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain