આદિપુરના શખ્સ રાજકોટમાં મોકલેલી ૨૩ લાખની કફ સીરપની બોટલો ઝડપાઈ

 આદિપુરના શખ્સ રાજકોટમાં મોકલેલી ૨૩ લાખની કફ સીરપની બોટલો ઝડપાઈ

રાજકોટ શહેરના રૈયા રોડ પર આલાપ ગ્રીન સીટી પાછળ અમૃતપાર્ક-૭માં આવેલા એક ઘરમાં પ્રતિબંધીત નશાકારક સિરપનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડીને રૂપિયા ૨૩, ૦૭, ૯૦૦ની કિંમતની ૧૩૩૩૮ બોટલ કબ્જે કરવામાં આવી હતી. જે જથ્થો આદિપુરથી મોકલાયો હોવાનું સામે આવ્યું છે. આ સિરપમાં નશાકારક કોડેઇન ફોસ્ફેટની હાજરી હોઇ વધુ પડતું સેવન કરવાથી નશો થાય છે અને સ્વાસ્થ્ય માટે તે હાનીકારક ગણાય છે.

 રાજકોટ એસઓજીના એએસઆઇ ડી. બી. ખેરને બાતમી મળી હતી કે આલાપ ગ્રીન સીટી પાછળ અમૃત પાર્ક-૭માં આવેલા કૃષ્ણમ મકાનની બાજુના ઘરમાં પ્રતિબંધીત નશાકારક કફ સિરપનો જથ્થો ઉતર્યો છે. આ માહિતીને આધારે પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમે દરોડો પાડતાં ઘરમાંથી રૂા. ૨૩, ૧૨, ૯૦૦ની કિંમતના ૧૩૩૩૮ નંગ કફ સિરપની બોટલો મળી આવી હતી. એફએસએલ અધિકારી વાય. એચ. દવે અને ડ્રગ એન્ડ ફૂડ વિભાગનાઅધિકારીને જાણ કરવામાં આવતાં તેમની પ્રાથમિક ચકાસણીમાં આ કફ સિરપમાં કોડેઇન ફોસ્ફેટની હાજરી જણાઇ આવી હતી.

 તેમના કહેવા મુજબ આનું વધુ પડતું સેવન કરવાથી નશો થાય છે અને સ્વાસ્થ્ય માટે તે હાનીકારક છે. તેમજ પરમીટ વગર આ જથ્થો રાખી કે વેંચી શકાતો નથી. પોલીસે જ્યાં દરોડો પાડયો તે સ્થળે મિતેશપુરી રાજેશપુરી ગુંસાઈ (ઉ. વ. ૨૯) (રહે. શિતલ પાર્ક હિમતનગર-૫, દર્શન, રાજકોટ) હાજર હોઇ તેની પુછતાછ કરવામાં આવતાં તેણે કબુલ્યુ હતું કે આ મકાન આદિપુર ખાતે રહેતાં તેના કુટુંબી બનેવી સમીર ગોસ્વામીએ બે મહિના પહેલા ભાડેથી રાખ્યું છે. તેમજ આ કફ સિરપનો જથ્થો પણ તેણે જ આદિપુરથી ટ્રાન્સપોર્ટ મારફત મોકલ્યો છે. 

જેથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મિતેશપુરી અને સમીર ગોસ્વામી વિરૂધ્ધ એનડીપીએસ એક્ટની કલમ ૮ (સી), ૨૧ (સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાયો હતો. પોલીસે જે સિરપની બોટલો કબ્જે કરી છે તેમાં એક બોટલની કિંમત રૂા. ૧૭૫ ગણવામાં આવી છે. આવા સિરપનો મોટા ભાગે નશાખોરો સોડામાં ભેળવીને નશા તરીકે ઉપયોગ કરતાં હોય છે. પોણા બસ્સોમાં કે એનાથી ઓછી કિંમતે સમીર ગોસ્વામી આ સિરપ મેળવી બજારમાં મોટી કિંમતે વેંચીને તગડો નફો મેળવતો હોવાની શક્યતા નકારી શકાતી નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ સમીર ગોસ્વામીએ પોતાની પત્નીના નામે અગાઉ અપેક્ષા મેટ્રીક્સ નામે પેઢી ઉભી કરી હતી. જો કે તેનું લાયસન્સ બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું. 

લાયસન્સ વગર આ કફ સિરપ કોઇ રાખી શકતું નથી કે વેંચી શકતું નથી. ત્યારે સમીર ગોસ્વામીએ આ જથ્થો કઇ રીતે કોની પાસેથી મંગાવ્યો અને રાજકોટમાં તેમજ આસપાસમાં કોને કોને કેટલા સમયથી સપ્લાય કરતો હતો? તે સહિતની તપાસ કરવામાં આવશે. મિતેશપુરીએ એવું રટણ કર્યુ હતું કે હું જીએસટી, આઇટી રિટર્ન ફાઇલ કરી આપવા સહિતનું કામ કરુ છું. મને આ કામ માટે કુટુંબી બનેવી સમીર ગોસ્વામી મોટા ગ્રાહકો શોધી આપે છે. આથી હું તેના ચીંધ્યા મુજબ કફ સિરપનો જથ્થો રાજકોટમાં સપ્લાય કરી આવતો હતો. આ કામ માટે પોતે કોઇ કિમત વસુલતો નહોતો. જો કે મિતેશપુરીની આ વાતમાં કેટલુ તથ્ય છે તે તેનો કુટુંબી બનેવી સમીર પ્રકાશગીરી ગોસ્વામી પકડાયા બાદ બહાર આવશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain