ઝેરી સાપે ડંખ દેતાં બે સગી બહેનોના મોત

 ઝેરી સાપે ડંખ દેતાં બે સગી બહેનોના મોત

ભુજ: ન જાણ્યું જાનકી નાથે સવારે કાલ કેવું થાશે તેવી ઘટના અબડાસા તાલુકાના લાખણિયા ગામે સામે આવી છે. શ્રમજીવી પરિવાર રાત્રે સુતો હતો અને બે સગી બહેનો પણ ઘોર નિંદ્રામા હતી. એ દરમિયાન કયાંકથી સાપ આવ્યો અને આ બંને બહેનોને ડંખ દેતાં બંને દર્દથી કણસવા લાગી, ભયભીત બનેલો પરિવાર ચિંતામાં ગરકાવ થયો, બંને દિકરીને સારવાર માટે તાબડતોબ જે વાહન મળ્યું તેમાં લઈ ગયા, પણ સરહદી વિસ્તારમાં આરોગ્ય સેવાની અધુરાશે એક શ્રમજીવી પરિવારની બે માસૂમ બાળાઓનો જીવ લઈ લીધો છે. જાણવા મળતી માહિતી પ્રમાણે લાખણિયા જતવાંઢમાં રહેતી જત પરિવારની ૧૫ અને ૧૨ વર્ષની દિકરી રાત્રે સુતી હતી. ત્યારે કાળોત્રાએ ડંખ દેતા બંને બહેનોએ પીડાથી બૂમાબૂમ કરી હતી. જેને લઈને સફાળા જાગેલા જબ્બારભાઈએ આવીને સાપને દૂર ફગાવી બંનેને નલિયા સીએચસીમાં લઈ ગયા હતા. પરંતુ એકનું ત્યાં મોત થયું બીજી પુત્રીને પ્રાથમિક સારવાર આપી ૧૦૮ મારફતે જી. કે. માં લઈ આવતા હતા. ત્યાં મોથાળા પાસે મોત થયું હતું. સાપ કરડવાની ઘટનાએ બે વ્હાલસોઈ દિકરીના જીવ લઈ લેતાં પરિવારની સાથે નાનકડા એવા આ ગામમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain