પૂર્વ કચ્છમાં કોરોનાના બે કેસ દેખાતા આરોગ્ય તંત્ર એલર્ટ

 પૂર્વ કચ્છમાં કોરોનાના બે કેસ દેખાતા આરોગ્ય તંત્ર એલર્ટ 

ભુજ: રાજ્યના મહાનગરમાં ઈન્ફલુએન્ઝા વાયરસના વધતા કેસો વચ્ચે લાંબા સમય બાદ કચ્છમાં કોરોનાના બે કેસ દેખાતા જિલ્લાનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. રાજ્યમાં એચ૩ એનર વાયરસનો કોઈ શંકાસ્પદ કેસ કચ્છ જિલ્લામાં નોંધાયો નથી, પરંતુ પૂર્વ કચ્છમાં કોરોનાના બે કેસ દેખાતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે, થાઈલેન્ડથી આવેલા રાપરના ૩૭ વર્ષિય યુવાન અને મેઘપર બોરીચીના ૮૦ વર્ષિય વૃધ્ધની તપાસમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. રાપરના યુવાનને આઈસોલેટ કરાયો છે જયારે ગાંધીધામ તાલુકાના મેઘપર બોરીચીના વૃધ્ધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડો. ફુલમાલીએ જણાવ્યું હતું કે, રાજ્યના મહાનગરોમાં દેખાયેલા ઈન્ફલુએન્ઝા વાયરસનો કોઈ શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી તેમ છતાં ઝડપથી ફેલાતા વાયરસથી બચવા તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને વાયરલ ઈન્ફેકશન હોય ત્યારે દર્દીએ તપાસ કરાવી લેવા ઉપરાંત મહત્તમ આરામ કરવો અને વધુ પડતા પ્રવાહીની સેવન કરવું 

જોઈએ. સામાન્ય રીતે વાયરલ બીમારીમાં પાંચ દિવસમાં એન્ટી બોડી બની જતી હોય છે. ઉધરસ અને ગળામાં તકલીફ વખતે ગરમ પાણીના કોગળા કરવા, તૈલી પદાર્થોનું સેવન બંધ કરવું જોઈએ. આ ઉપરાંત ભીડવાળા સ્થળો પર જવાનું ટાળવું, વારંવાર હાથ ધોવા, મોઢાને બિનજરૂરી સ્પર્શ ન કરવો, માસ્ક પહેરવું, છીંક કે ઉધરસ ખાતી વખતે મોઢા આડે રૂમાલ રાખવો જોઈએ. ઈન્ફલુએન્ઝાના નવા વાયરસના લક્ષણોમાં દર્દીને ઠંડી લાગવી, કફ આવવો, તાવ આવવા જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. કેટલાક કિસ્સામાં ઉબકા આવવા, નાકમાંથી પાણી વહેવું, છીંકો આવવી, ઝાડા થવા જેવા લક્ષણો જોવા મળે છે. જો ખોરાક ઉતારવામાં તકલીફ થતી હોય તો નજીકના ડોકટરનો સંપર્ક કરવો. ચેપગ્રસ્ત વ્યકિતની નજીક જનારને ચેપ લાગવાનો ખતરો રહે છે. આ વાયરસથી બચવા માસ્ક પહેરવું, સાબુથી હાથ ધોવા, જાહેર સ્થળો પર થુંકવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ડોકટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા ન લેવી જોઈએ.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain