વિમાનમા આવીને શહેરોમાથી ATM ચોરીના ગુના આચરનાર ગેંગ ઝડપાઇ
ડીસીપી ઝોન-૪ અને ક્રાઇમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન
મેઘાણીનગરમાંથી થોડા દિવસ પહેલા બેંકના એટીએમને ગેસ કટરથી તોડીને રૂપિયા ૧૦.૭૨ લાખ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. જેનો ભેદ ઉકલેવામાં ડીસીપી ઝોન-૪ના ટીમ અને ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી સમરજોતસિંઘ અરોડા અને તેના સાગરિતને પંજાબંથી ઝડપી લેવાયા હતો. પોલીસ તેની મોડ્સ ઓપરેન્ડી જાણ ચોંકી ઉઠી હતી. કારણ કે તે મોટા શહેરોમાં વિમાનમાં આવીને એટીએમમાંથી ચોરી કરી કરતા હતા. એટલું જ નહી તે દરેક ચોરી સમયે નવુ બોગસ આધાર કાર્ડથી ટિકિટ બુક કરાવતો હતો.
સમરજોતસિંઘે બેંગાલુરુમાં સૌથી વધારે ચોરી કરી હતી. ત્યારે આ કેસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પાસે થોડા દિવસ પહેલા ઇન્ડસઇન્ડ બેંકના એટીએમને ગેસ કટરની મદદથી તોડીને તેમાંથી ૧૦.૭૨લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જે બનાવ બાદ ડીસીપી ઝોન-૪ કાનન દેસાઇની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
જેમાં સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વલન્સના આધારે પીએસઆઇ ડી ડી રહેવરની ટીમને કેટલીક મહત્વની લીડ મળી હતી અને વિગતો જાણવા મળી હતી કે આ ચોરીને અંજામ આપનાર આંતરરાજ્ય ગેંગ છે. જેના આધારે તપાસમાં વધારે વિગતો મળી હતી કે આરોપીઓ શાહીબાગ પાસેની હોટલમાં બનાવટી આધાર કાર્ડ સાથે રોકાયા હતા અને અન્યના નામે ડમી સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. સાથે સાથે એવી પણ માહિતી આવી હતી કે ચોરી કરનાર ગેંગ વિમાન માર્ગે અમદાવાદ આવ્યા હતા. જેના આધારે અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલક્તા અને બેંગાલુરુનું કનેકશન બહાર આવ્યું હતું .
ત્યાં તપાસ દરમિયાન આ ચોરીમાં સમરજોતસિંઘ અરોડા (શીખ)ની સંડોવણી ખુલી હતી. જેના આધારે પોલીસની એક ટીમે પંજાબના મુક્તસરથી સમરજોતસિંઘને ઝડપી લીધો હતો. તેમજ સાથેસાથે તેની સાથે અમદાવાદ ચોરી કરવા આવેલા અન્ય સાગરિત રવિન્દરસિંઘ ગીલને પંજાબના ફિરોજપુર પંજાબથી ઝડપી લેવાયો હતો. જો કે બાદમાં આ તપાસ ક્રાઇમબ્રાંચને સોંપવામાં આવતા ડીસીપી ઝોન-૪ અને ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ત્રણ લાખ રૂપિયા રોકડા,મોબાઇલ ફોન, બનાવટી આધાર અને પાનકાર્ડ અને સ્કુટર પણ મળી આવ્યું હતું. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે હત્યા,હત્યાની કોેશિષ અને એટીએમ ચોરીના ગુનામાં સંડોવાયેેલો હતો. ત્યારે પુછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.
સમરજોતસિંઘની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે તે મોટા શહેરોેને ટારગેટ કરતો હતો. કારણ કે ત્યાં એટીએમમાં ૧૫ લાખ જેટલી રકમ આસાનીથી મળી જતી હતી. જે માટે બનાવટી આઘાર કાર્ડ અને પાનકાર્ડ બનાવીને તેના જ આધારે વિમાનની ટિકિટ બુક કરાવતો અને તેના આધારે હોટલમાં રહેતો હતો. જો કે શહેરમાં આવતા પહેલા તે ઓએલએક્સ પરથી જે તે શહેરોમાં સેકન્ડ હેન્ડ ટુવ્હીલર તપાસતો અને આવ્યા બાદ વાહન ખરીદી કરતો હતો. જેનો ઉપયોગ તે સ્થળની રેકી કરવા માટે કરતો હતો. અને સ્થાનિક બજારમાંથી ગેસ કટર મેળવી લેતો હતો. તેણે અમદાવાદમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
Post a Comment