પૂર્વ કચ્છમાં જરૂર હશે ત્યાં પોલીસચોકી બનાવાશે

 પૂર્વ કચ્છમાં જરૂર હશે ત્યાં પોલીસચોકી બનાવાશે

ગાંધીધામ : શહેરના મધ્યમવર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં પોલીસચોકીની વર્ષો જૂની માંગ સંતોષાતાં અહીંના વેપારીઓ, લોકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ કચ્છ પોલીસવડા દ્વારા નવી પોલીસચોકીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંના ભારતનગર વિસ્તસારમાં વર્ષોથી પોલીસચોકીની માંગ કરાતી હતી અને અગાઉ બે વખત પોલીસચોકી ખૂલી પણ હતી, પરંતુ ગમે તે કારણે તે બંધ કરવાની ફરજ પડી હતી. દરમ્યાન ચેમ્બર ઓફ કોસર્મ, પોલીસ અને નગરપાલિકાએ સહકાર આપતાં ચોકીનું નિર્માણ થયું હતું. ચોકીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આજે ભારતનગર વિસ્તાર માટે સુવર્ણ દિવસ હોવાનું કહ્યું હતું. અહીંની વર્ષો જૂની માંગ પરિપૂર્ણ થઇ છે. પોલીસ હંમેશાં લોકો માટે ઉપસ્થિત છે. કોરોનાકાળમાં પણ પોલીસે પોતાના પરિવારની ચિંતા સેવ્યા વગર લોકોની સેવા કરી હતી. 

પોલીસ સાથે લોકોની પણ જવાબદારી હોવાનું તેમણે કહી સ્થાનિક વેપારીઓને અભિનંદન પાઠવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમખ તેજાભાઇ કાનગડે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં અહીંની પોલીસચોકી અંગે બેઠક યોજાઇ હતી અને આજે ઉદ્ઘાટન થાય છે તે બદલ તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ચેમ્બર હંમેશાં લોકોની સાથે હોવાનું જણાવ્યું હતું. પોલીસવડા સાગર બાગમારે અહીં પોલીસચોકી થકી લોકોને સરળતા થશે. કન્ટેનરમાં બનાવાયેલી પોલીસચોકીમાં અરજદારો માટે, સ્ટાફ માટે બેસવા સહિતની સુવિધાઓ રાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 

આ ચોકીથી પ્રેરણા લઇને પૂર્વ કચ્છમાં અન્ય જગ્યાએ પણ?જ્યાં જરૂરિયાત હશે ત્યાં આવી ચોકી ખોલવામાં આવશે. દર સોમવારે અને શુક્રવારે સવારે પોલીસ વ્યાયામ સાથે લોકોના પ્રશ્નો, સૂચનો સાંભળતી હોય છે, ત્યારે આવા કાર્યક્રમમાં ભાગ લેવા તેમણે લોકોને અપીલ કરી હતી. લોકોએ પોતાના મકાન, ફેક્ટરી, ગોદામ, ધાર્મિક સ્થાનો વગેરે જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા પણ તેમણે અપીલ કરી હતી. 

કોઇ સાથે સાયબર ક્રાઇમનો બનાવ બને તો ખૂલીને પોલીસ સમક્ષ આવવા પણ તેમણે જણાવ્યું હતું. ઉપસ્થિતો દ્વારા શરૂઆતમાં દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. આ વેળાએ સ્થાનિક વેપારીઓએ ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડનું મોમેન્ટો આપી તથા એ-ડિવિઝનના પી.આઇ. સી. ટી. દેસાઇને અશોકસ્તંભ આપી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરીએ કરી હતી. 


ચસંચાલન ભારતનગર વેપારી એસો.ના મંત્રી સુનીલ પારવાણીએ કર્યું હતું. આ વેળાએ પાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, ભારતનગર વેપારી એસો.ના પ્રમુખ કમલેશભાઇ સોની, ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણી, અન્ય હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ ધારાસભ્યએ રિબિન કાપી પોલીસચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસચોકીમાં નિયમિત સ્ટાફ હાજર રહેશે તેવી લાગણી આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી


.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain