નેશનલ બ્લાઇન્ડ ફૂટબોલ ટૂર્ના. માં માધાપર નવચેતન અંધજન મંડળની ટીમ વિજેતા
તાજેતરમાં જયશ્રી પેરીવાલ સ્કૂલ જયપુર (રાજસ્થાન)? ખાતે દૃષ્ટિક્ષતિ ખેલાડીઓ માટેની નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી નવચેતન અંધજન મંડળ માધાપરની કુમાર ટીમ વિજેતા અને કન્યાની ટીમ ઉપવિજેતા બની હતી. ફાઇનલ મેચમાં શાનદાર દેખાવ સાથે નેશનલ ચેમ્પિયન ઝારખંડની ટીમને હરાવી નવચેતનની કુમાર ટીમે બાઝી મારી હતી, જ્યારે કન્યાઓની ટીમ દિલ્હી સામે ફાઈનલ હારી ઉપવિજેતા બની હતી. તમામ ખેલાડીઓએ ઉમદા દેખાવ કર્યો હતો. નીરવ ડાકેએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કર્યા હતા, જ્યારે કન્યાઓમાં નયનાએ સુંદર ડિફેન્સ કરી અનેક ગોલ બચાવ્યા હતા. સમગ્ર ટીમ તથા સહકાયક શિક્ષકો-કોચ તથા મેનેજરને સંસ્થાના પ્રમુખ વિનોદ ગડા, ઉપપ્રમુખ હિરાલાલ આર. ચાવલા, જનરલ સેક્રેટરી લાલજી પ્રજાપતિ, મંત્રી હિમાંશુ સોમપુરા, ખજાનચી ઝીણાભાઇ ડબાસિયા, ટ્રસ્ટીઓ, ચીફ કોર્ડિનેટર દીપકપ્રસાદ, કોર્ડિનેટરો તથા આચાર્યોએ બિરદાવ્યા હતા. સમગ્ર ટીમને કોર્ડિનેટર રીમાબેન ભાટિયા, શિક્ષિકા, રસીલાબેન હીરાણી, શિક્ષક કલ્પેશ પટેલ તથા ખેલાડી અને સ્પોર્ટસ ટ્રેનર નીરવ ડાકે તથા કિશોર મહેશ્વરીએ માર્ગદર્શન પૂરું પાડયું હતું.
Post a Comment