હડપ્પીય ઇતિહાસને ઉજાગર કરવા ખીરસરામાં પુન: સંશોધન જરૂરી
નખત્રાણા: તાલુકાના ખીરસરા (નેત્રા)માં હડપ્પીય સંસ્કૃતિ માટે સંશોધન કાર્ય આરંભાયું હતું, તે પુન: હાથ ધરાય તો ઇતિહાસ ઉજાગર થાય. જૂના ખીરસરા ગામમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ધરાવતી ગઢવાળી, દેવીત્ય સેલોર ઉપરાંત બે કિ. મી. દૂર હથેડિયા ડુંગરમાં ચારેક હજાર વર્ષ જૂની મનાતી ખાપરા કોડિયા ગુફા આવેલી છે. ખાપરા કોડિયાની ગુફામાં વર્ષો પહેલાં અમદાવાદની હાઇટેક સાધનો સાથે આવેલી ટીમ તેમાં દોઢ કિલોમીટર અંદર પહોંચી હતી, પણ અંદર ગૂંગળામણ અનુભવાતાં પાછી ફરી હતી. સ્થાનિકો દ્વારા પ્રયાસ કરાતાં 20થી 30 ફૂટ અંદર ગયા બાદ ગૂંગળામણ થતાં પાછા ફરવું પડયું હતું. આમ તેના છેડા સુધી કોઇ પહોંચી નથી શક્યા તેવું સ્થાનિકના કેશવજીભાઇ રાજગોરે જણાવ્યું હતું. પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'એ કહ્યું કે, ખીરસરા સાઇટના સંશોધનની કામગીરી વખતે પ્રસિદ્ધ સાહિત્યકાર કે. કા. શાત્રીએ ગુફાની મુલાકાત લીધી હતી. તેમણે આ ગુફાનો અગાઉ ચોર-લૂટેરા રહેણાક તરીકે ઉપયોગ કરતા હોવાનું અનુમાન લગાવ્યું હતું. ઇતિહાસકારોએ ખાપરો-કોડિયો જૂનાગઢના હોવાનું નોંધ્યું છે. આ ગુફા અંગે સંશોધન થાય તો તથ્યો બહાર આવે તેમ ફરી હડપ્પીય સાઇટ ખોલાય તો હડપ્પા સંસ્કૃતિ ઉજાગર થઇ શકે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
Post a Comment