એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા, તા. નખત્રાણા મધ્યે વન મહોત્સવ સપ્તાહની ઉજવણી નો આરંભ.
વન મહોત્સવ એ ભારતમાં વાર્ષિક એક સપ્તાહના વૃક્ષારોપણનો ઉત્સવ છે જે જુલાઈના પહેલા સપ્તાહમાં ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ ૧૯૫૦માં તત્કાલીન કેન્દ્રિય કૃષિ અને ખાદ્ય મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ રાજઘાટ, દિલ્હી ખાતે એક વૃક્ષ વાવીને કરી હતી. વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો છે. એ મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે આજરોજ શ્રી એસ.એસ.પી.એ. હાઈસ્કૂલ, નિરોણા મધ્યે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ખાલી પ્લાસ્ટીકની બોટલ, કુંડા, વેસ્ટ બરણીઓમાં લીમડાના છોડ રોપી શુભારંભ કર્યો હતો, જે ૭મી જુલાઇ સુધી ચાલશે. જેમા અંદાજીત ૫૦૦ જેટલા લીમડાના રોપા ઉછેરી શાળા, ધરની આસપાસ તેમજ ગામની ખુલ્લી જગ્યાઓ પર વાવવામાં આવશે, જેથી ગ્રામવાસીઓ પણ વૃક્ષ તેમજ પર્યાવરણ બાબતે જાગૃત થઈ શકે. આ અભિયાન માટે શાળાના આચાર્ય શ્રી ડૉ વિષ્ણુભાઈ ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાની તેમજ એન.એસ.એસ. ઓફીસર રમેશભાઈ ડાભીએ વિદ્યાર્થીઓને પર્યાવરણ બાબતે પ્રેરીત કરવા જહેમત ઉઠાવી હતી. સાત દિવસ ચાલનારા આ વન મહોત્સવના કાયૅક્રમમાં શાળાના સૌ શિક્ષક મિત્રો સહભાગી થઈ રહ્યા છે.
Post a Comment