પ્રેમમાં અંધ બનેલા ડોક્ટરે યુવતી પાસે અશ્લીલ માંગ કરી

 પ્રેમમાં અંધ બનેલા ડોક્ટરે યુવતી પાસે અશ્લીલ માંગ કરી

ગાંધીનગરનાં ઝુંડાલ ખાતે 30 વર્ષીય યુવતીને ફેમિલી ડોક્ટર સાથે કૂણું વલણ રાખવું મોંઘુ પડી ગયું છે. પ્રેમમાં અંધ બનેલા ફેમિલી ડોક્ટરે અશ્લીલ માંગણીઓ કરી લગ્ન કરવાની જીદ પકડી ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. તેમજ અવારનવાર શારીરિક સંબંધો બાંધવાની માંગણી કરવામાં આવતાં સમગ્ર મામલો અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરની યુવતીને ફેમિલી ડોક્ટર સાથે સુંવાળા સંબંધો રાખવા ભારે પડી ગયા છે. પ્રેમિકાએ તરછોડી દેતાં ગમમાં ડૂબેલા ડોકટર સાથે યુવતીએ મિત્રતા કેળવી હતી. જો કે યુવતીને અન્ય એક યુવક સાથે પ્રેમ થઈ જતાં ડોકટર નાસીપાસ થઇ ગયો હતો. જેનાં પગલે ડોક્ટરે લગ્ન કરવાની જીદ પકડીને યુવતીને શારિરીક સંબંધો બાંધવાની અવારનવાર માંગણીઓ કરી ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરાઈ છે.

ગાંધીનગરમાં રહેતી 30 વર્ષીય યુવતી તેના પિતા સાથે મેડિકલની દુકાન ચલાવે છે. જ્યારે તેના ભાઈ ભાભી અન્ય જગ્યાએ રહે છે. યુવતીને અમદાવાદમાં દવાખાનું ચલાવતાં ફેમિલી ડોક્ટર રાજ સોની સાથે વર્ષ - 2016 માં પરિચય થયો હતો. ફેમિલી ડોક્ટર હોવાના નાતે તે પરિવારના માણસો સાથે મિત્રતા જેવો વ્યવહાર કરતો હતો. ચારેક વર્ષ અગાઉ ડોક્ટરે યુવતીને વાત કરેલી કે, એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, પણ તેણે મારી સાથે બ્રેકઅપ કરેલ છે. એટલે મારુ માનસિક સંતુલન બરાબર નથી. જેથી તું મને સપોર્ટ કર. આથી યુવતીએ ડોકટર સાથે મિત્રતા કેળવી હતી અને બંને જણાં ઘણીવાર સાથે ફરવા પણ જતાં હતાં. જો કે, યુવતીને ડોકટર સાથે કોઈ પ્રેમ સંબંધ હતો નહીં એવો દાવો ફરિયાદમાં કરાયો છે.

ત્યારે છેલ્લા અઢી વર્ષથી યુવતી કે પરિવારના સભ્યો સાથે ડોક્ટર સાથે કોઈ સંબંધો રહ્યા નથી. આ દરમિયાન યુવતીને અન્ય એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને બંને લગ્ન પણ કરવાનાં હતાં. જેની જાણ ડોકટરને થઈ જતાં તેને યુવતીના પ્રેમી સાથે માથાકૂટ કરીને બંનેના સંબંધો તોડાવી નાખ્યાં હતાં. બાદમાં ગત તા. 25 મી માર્ચના રોજ ડોકટર મેડિકલ સ્ટોર પર પહોંચી ગયો હતો. એ વખતે દુકાને આવેલા પરિચિત બિલ્ડરને ઈન્જેક્શન આપી રહી હતી. આ જોઈને ડોકટર ભડકયો હતો અને બંનેને જેમતેમ બોલવા લાગ્યો હતો. જેનાં કારણે બિલ્ડર ત્યાંથી જતો રહ્યો હતો.

બાદમાં એકલતાનો લાભ લઈ ડોક્ટરે યુવતીને પકડી લઈ 'તું મારી સાથે સંબંધ રાખ' કહીને અશ્લીલ માંગણી કરવા લાગ્યો હતો. જેથી યુવતીએ ઘસીને પ્રસ્તાવ ઠુકરાવી દેતા ડોકટર ગીન્નાયો હતો અને તારા ફોટા મારી પાસે છે. જે ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ત્યાંથી જતો રહ્યો હતો. આમ છેલ્લા ઘણા સમયથી અવારનવાર અલગ-અલગ મોબાઈલ નંબરથી ફોન અને મેસેજ કરી યુવતીને લગ્ન કરવા તેમજ શરીર સંબંધ બાંધવાના આશયથી ડોકટર હેરાન કરતો હતો. આમ ફેમિલી ડોક્ટરની કરતૂતથી કંટાળીને યુવતીએ સમગ્ર વાત તેના પિતાને જણાવી આખરે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain