બનાસકાંઠાના કાંકરેજ નજીક થરા હાઈવે પર બાઇક અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો,બાઈક પર સવાર એક જ પરિવારના ત્રણના કમકમાટીભર્યું મોત,
ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વાહનની વધતી સંખ્યાને લીધે ગંભીર અકસ્માતો પણ વધી રહ્યાં છે. બેફામ પણે વાહન ચલાવતાં ડ્રાઈવરોની બેદરકારીને કારણે અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના થરામાં રોંગ સાઈડે આવતાં કાર ચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો છે. સ્વીફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને ફંગોળી દેતાં રૂંવાટા ખડા કરી નાંખનારો ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
![]() |
ડીસાના માણેકપુરાના વતની વેરસીજી ઠાકોર કાંકરેજના રૂની ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરે છે. તેઓ પોતાના ગામમાં પરિવાર સાથે મકાનના કામે આવ્યા હતાં. તેઓ કામ પતાવીને કામના સ્થળે બાઈક લઈને પત્ની અને પુત્રી સાથે રવાના થયા હતાં. આ દરમિયાન વડા ગામ નજીક થરા તરફથી રોંગ સાઈડમાં પૂર ઝડપે આવતી સ્વીફ્ટ કારના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર વેરસીજીનો પરિવાર ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારની ટક્કરથી બાઈક પર રહેલા ત્રણેય જણા 200 મીટર જેટલા દૂર ઢસડાયા હતાં. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. ત્યાર બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Post a Comment