ડીસામાં રાજદીપ જવેલર્સના માલિકે મહિલા ગ્રાહકને છેતરી, નકલી સોનાનાં દાગીના પધારવી દેતાં 6 વર્ષે ભાંડો ફૂટ્યો
ડીસાના લાલચાલી વિસ્તારમાં રહેતા કમળાબેન ઠક્કરે વર્ષ 2017માં તેઓના કુલ સાત તોલા સોનાના દાગીના ડીસાના ફુવારા સર્કલ પાસે આવેલા રાજદીપ જ્વેલર્સમાંથી આપી કુલ પાંચ તોલા નવા દાગીના ખરીદ્યા હતા. જેમાં તેમણે સોનાનો દોરો, ચાર સોનાની બંગડી મળી કુલ પાંચ તોલા સોનાના દાગીના લેતા જ્વેલર્સ સંચાલકે પાકું બિલ પણ આપેલું હતું. ત્યારબાદ કમળાબેનને હવે પૈસાની જરૂર પડતા તેઓ તારીખ 17 માર્ચ 2023ના રોજ તેમના પતિ સાથે રાજદીપ જ્વેલર્સમાંથી ખરીદેલા સોનાના દાગીના પરત વેચવા જતાં રાજદીપ જ્વેલર્સમાં હાજર મેનેજરે તેઓને અમો દાગીના પરત નહીં લઈએ તેમ જણાવ્યુ હતું.જેથી કમળાબેન અને તેમના પતિ લેખરાજ ચાર રસ્તા પાસે આવેલા સોના-ચાંદીની દુકાનમાં દાગીના વેચવા ગયા હતા. જેથી દુકાનદારે દાગીનાનું ટચ કઢાવ્યા બાદ ભાવની ખબર પડશે તેમ જણાવ્યા તેઓ બંને જણાએ સોનાના દાગીનાનો ટેસ્ટિંગ લેબોરેટરીમાં ટચ કઢાવતા ટેસ્ટિંગ કરનારે આ દાગીના નકલી હોવાનું જણાવી દાગીના નકલી હોવાનું બિલ પણ આપ્યું હતું.
દાગીના નકલી હોવાની જાણ થતાં જ કમળાબેન અને તેમના પતિ આ બિલ લઈને રાજદીપ જ્વેલર્સના માલિક ભરતભાઈ ચૌધરીને મળ્યા હતા, પરંતુ ભરતભાઇએ આ દાગીના તેમની દુકાનેથી ખરીદેલ નથી. તેમ કહી બંને જણાને દુકાનમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ કમળાબેન અવારનવાર રાજદીપ જ્વેલર્સમાં જઈ તેમના દાગીના વિશે વાત કરતા તેઓ કોઈ જવાબ આપતા ન હતા. આમ રાજદીપ જવેલર્સના માલિકે સોનાના દાગીનાની જગ્યાએ અલગ ધાતુ મિશ્ર કરી ખોટા દાગીના આપી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરેલ હોઇ કમળાબેને ડીસા ઉત્તર પોલીસ મથકે જ્વેલર્સ માલિક ભરત ચૌધરી સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે તપાસ હાથ ધરી છે.
Post a Comment