સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ અને ડીઆરઆઈએ 50 લાખ રૂપિયાનું 833 ગ્રામ સોનુ ઝડપ્યુ

 સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ અને ડીઆરઆઈએ 50 લાખ રૂપિયાનું 833 ગ્રામ સોનુ ઝડપ્યુ

સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓએ રવિવારે મોડીરાતે 50લાખ ઉપરાંતનું સોનુ ઝડપી પાડ્યું હતું. શારજાહથી આવેલી ફ્લાઈટમાં બે મુસાફરોએ સોનાની પેસ્ટ બનાવી તેની કેપ્સ્યુલ શરીરમાં સંતાડી દીધી હતી.જોકે, એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગની પારખુ નજરમાંથી છટકી શક્યા નહતા.સુરત એરપોર્ટ ઉપર શારજાહની એકમાત્ર વિદેશની ફ્લાઈટમાં સોનુ લાવવાની પેરવી કસ્ટમ વિભાગે ફરી એકવાર નિષ્ફળ બનાવી હતી. સપ્તાહમાં ત્રણ દિવસ શારજાહથી સુરત આવતી ફ્લાઈટ નંબર આઈએક્સ- 172 રવિવારે રાત્રે સુરત આવી હતી. તેમાં આવેલા બે પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. બંનેને અટકાવી તપાસ કરતાં તેમના શરીરમાં તેમણે 833.95 ગ્રામ જેટલું સોનું છૂપાવ્યું હતું. સોનાની પેસ્ટ બનાવીને તેની બે-બે કેપ્સ્યુલ બંનેએ ગળીને પોતાના શરીરમાં સંતાડી દીધી હતી. સ્કેન કરતાં બંનેના શરીરમાંથી આ રૂ.50.60 લાખ જેટલી કિંમતનું સોનું કાઢ્યું હતું.ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ બંનેના શરીરમાંથી અનુક્રમે 413.670 ગ્રામ અને 420.280 ગ્રામ સોનુ નીકળ્યું હતું. બંનેની તપાસ કરવામાં આવી રહી છે કે, તેઓ આ સોનુ કોની પાસેથી અને કોના માટે લઈને આવ્યા હતાં, અને ભૂતકાળમાં આવી દાણચોરી કયા કયા એરપોર્ટ ઉપર કરતા હતાં. સૂત્રોએ એવું પણ ઉમેર્યું હતું કે, અમે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ગત મહિને સોનાની સ્મગલિંગ કરતા બે વ્યક્તિને પકડ્યાં હતાં, તેમણે કબૂલાત કરી હતી કે, અમે સુરત એરપોર્ટ ઉપરથી પણ સમયાંતરે સોનાની દાણચોરી કરીએ છીએ. એટલે, તેમની આ કબૂલાત અને ઇનપુટ્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain