એ-વનમાં કચ્છના માત્ર બે તારલા
આખા કચ્છ પ્રદેશમાંથી ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ્લ 1353માંથી માત્ર બે છાત્ર 90 ટકાથી વધુ એટલે કે, એ-વન ગ્રેડની વિરલ સિદ્ધિ મેળવી શક્યા છે. આ બન્ને છાત્રે ભુજની જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને પરીક્ષા આપી હતી. - સાતત્ય, સમજપૂર્વકનો અભ્યાસ સફળતાની ગેરંટી: સોશિયલ મીડિયાના ઉપયોગમાં સંયમ રાખો, સાતત્ય સાથે અને સમજણપૂર્વકનો અભ્યાસ કરો. વાંચવા સાથે સતત લખતા રહો, તો સફળતા સુનિશ્ચિત છે, તેવી ભલામણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ-વન ગ્રેડ મેળવનારી નિયતિ શામજીભાઈ સીજુ કરે છે.
ભુજની જૈનાચાર્ય અજરામર હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ભુજોડીની નિયતિએ સોથ વાત કરતાં ટેકનોલોજીની મદદથી સમાજને મદદ કરવાની ઉમદા ભાવના સાથે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનીયરિંગ કરવાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. સમયની પરવા કર્યા વિના સતત શીખવતા રહેલા ગુરુઓ પાર્થ ત્રિવેદી, કમલ ગોર તેમજ ગભરૂ ભમ્મરના સાતત્યપૂર્ણ માર્ગદર્શનને નિયતિએ આ સફળતાનો યશ આપ્યો હતો સાથોસાથ શાળાના શિક્ષકો, માતા સામાબેન તેમજ હાથવણાટનો કસબ ધરાવતા પિતના શામજીભાઈના પ્રેમ, પ્રેરણાને પણ તેજસ્વી છાત્રાએ યશ આપ્યો છે. જાવા-સી, પાયથન જેવી `ટકેનોક્રેટ' ભાષાઓ શીખી, સમાજને ઉપયોગી થાય તેવી એપ રચી, યુવાનોને ટેકનોલોજી સાથે જોડવાના સ્વપ્નો આંખે આંજનારી ભુજોડી ગામની નિયતિના દાદા વિશ્રામભાઈ વાલજી વણકરને 1994માં હસ્તકળા ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
સાયબર અપરાધો સામે લોકો, યુવાનોને જાગૃત કરીશ: સોશિયલ મીડિયાનો અતિરેકભર્યો ઉપયોગ વિદ્યાર્થીકાળમાં જોખમી બની શકે છે. લક્ષ્યની પ્રાપ્તિ માટે એકાગ્રતાને વિચલિત ન થવા દેવી જોઈએ તેવી સલાહ ધો. 12વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ-વન ગ્રેડ મેળવનારો માધાપરનો મોક્ષ સંજયગિરિ ગોસ્વામી આપે છે. ભુજની જૈનાચાર્ય અજરામરજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા મોક્ષે ટેકનોલોજીની મદદથી સાયબર અપરાધો સામે લોકોને જાગૃત કરવાના ઉમદા ભાવ સાથે વેબ ડેવલપમેન્ટ ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડવાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરી હતી. તાણ મુક્ત કરીને હળવાશપૂર્વક ભણાવવાની ભૂમિકા ભજવનારા શિક્ષકો પાર્થ ત્રિવેદી, કલમ ગોર તેમજ ગભરૂ ભમ્મરના પથદર્શને સફળતા અપાવી હોવાનું તેજસ્વી છાત્ર કહે છે. માતા પ્રજ્ઞાબેન તેમજ પાકશાત્રી પિતા સંજયગિરિ ગોસ્વામીના પ્રેમ, હૂંફ, શાળાના શિક્ષકોના માર્ગદર્શનને પણ મોક્ષ સફળતાનો યશ આપે છે.
Post a Comment