ઘુડખર વન્ય અભ્યારણ્યમાં ગેરકાયદે ખનન વિરુદ્ધની PILમાં સરકાર સોગંદનામું કરેઃ HC

 ઘુડખર વન્ય અભ્યારણ્યમાં ગેરકાયદે ખનન વિરુદ્ધની PILમાં સરકાર સોગંદનામું કરેઃ HC

કચ્છના નાના રણમાં આવેલા ઘુડખર વન્ય અભ્યારણ્યમાં ચાલતી ગેરકાયદે મીઠાની ખેતીના મામલે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મામલે તૈયાર કરવામાં આવેલા અહેવાલ સહિત સોગંદનામું કરવાનો આદેશ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી ૧૯મી જૂનના રોજ રાખવામાં આવી છે. આ રિટમાં રણ વિસ્તારમાં ઇકોસિસ્ટમની જાળવણીની માગ કરવામાં આવી છે અને સાથે સાથે પર્યાવરણના મુદ્દા પણ ઉઠાવવામાં આવ્યા છે.

હાઇકોર્ટે આ મામલે અગાઉ રાજ્યના વન વિભાગ અને રેવન્યૂ વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે કે, અભ્યારણ્ય વિસ્તારમાં ખનન કામ અને મીઠાના ઉત્પાદન માટે કેટલી લીઝ અને લાયસન્સ આપવામાં આવ્યા છે.

આ કેસની સુનાવણી દરમિયાન અગાઉ હાઇકોર્ટની ખંડપીઠે અભ્યારણ્ય વિસ્તારમાં આ પ્રકારના કેટલા ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે, તે અંગે સોગંદનામું કરવાનો આદેશ પણ કર્યો હતો. બીજી તરફ ખંડપીઠે અરજદારને મંજૂરી આપી છે કે તેઓ ૧૫ દિવસની અંદર માધ્યમોમાં જાહેરાત આપીને મીઠાના ઉત્પાદકો અને ખનન પ્રવૃત્તિ કરનારાઓને હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ આ જાહેરહિતની અરજી અંગે માહિતગાર કરાવે. હાઇકોર્ટે એવું અવલોકન પણ કર્યું હતું કે કચ્છ, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક લોકોને આ જાહેરહિતની અરજી અસરગ્રસ્ત કરી શકે છે. જોકે હજુ સુધી સોગંદાનમું રજૂ ન કરાતા સરકારને વધુ એક તક આપવામાં આવી છે.

આ સમગ્ર મામલે અરજદાર કનૈયાલાલ રાજગોર તરફથી એડવોકેટ અમિત પંચાલે જાહેરહિતની અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે, 'રાજ્ય સરકારને આદેશ કરીને કચ્છના નાના રણ વિસ્તારમાં મીઠાની ખેતીને મંજૂરી ન આપવામાં આવે, ખાસ કરીને પર્યાવરણના સંરક્ષણ માટેના વિવિધ કાયદાનો ભંગ કરીને ચાલતી આવી પ્રવૃત્તિઓને અટકાવવામાં આવે. આ પ્રવૃત્તિના લીધે અભ્યારણ્ય જેવા મહત્ત્વપૂર્ણ વિસ્તારમાં ઇકોલોજી પર અવળી અસર પડી શકે છે, તેથી આવી પ્રવૃત્તિઓના લાયસન્સ રદ કરવા જોઇએ. '

કોર્ટમાં સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એડવોકેટે સેટેલાઇટ ઇમેજીસનો ઉપયોગ કરીને સમગ્ર વિસ્તારમાં કઇ રીતે ગેરકાયદે પ્રવૃત્તિઓ બિલાડીના ટોપની જેમ ફૂલીફાલી રહી છે તે પણ દર્શાવ્યું હતું. આ જાહેરહિતની અરજી મારફતે અરજદારે અભ્યારણ્ય વિસ્તારમાં ચાલતી મીઠાના ઉત્પાદન, ખનન જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ કરી છે. કેમ કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ઘુડખર વસવાટ કરે છે અને એ અત્યંત દુર્લભ વન્ય પ્રજાતિ છે. આ પ્રજાતિને વર્ષ ૨૦૦૯માં સંરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain