મુન્દ્રાના તળાવના ખાણેત્રામાં દરરોજ ૫૦થી ટ્રકો ભરીને ઉસેડાય છે માટી
સુજલામ સુફલામ અંતર્ગત થતા કામોમાં ભ્રષ્ટાચારની રાવ
મુન્દ્રા: ચોમાસાને ધ્યાને રાખીને હાલમાં વિવિધ સ્થળોએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નિયમ પ્રમાણે ખાણેત્રામાં માટી નીકળે તે ખેડૂતોને ૭/૧૨ના ઉતારા રજૂ કરવાથી મળી રહે છે, પરંતુ તેનો કોમર્શીયલ વપરાસ થઈ શકતો નથી. હાલે મુન્દ્રામાં આદર્શ ટાવરની પાછળ આવેલા નાના તળાવને ઊંડું કરવા માટે ખાણેત્રું કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ ૫૦થી ટ્રકોમાં માટી ભરીને લઈ જવામાં આવી રહી છે. આટલી માટી ખેડૂતોને તો અપાતી નથી. જેથી બારોબાર વેચાતી હોવાના આક્ષેપ થયા છે.
મુન્દ્રામાં અગાઉ સુજલામ સુફલામ અંતર્ગત માટી ખોદી નિર્જન સિમાડામાં ઠાલવી ત્યાંથી વેચસાટની પ્રવૃત્તિ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થઈ ચૂક્યો છે. સરકારના નિયમ પ્રમાણે તો ખેડૂતને પોતાના ખેતરમાં કાપ લઈ જવાની પરવાનગી છે, પરંતુ અહીં વાહનો ભરી ભરીને રેતી સગેવગે કરવામાં આવી રહી છે. મુન્દ્રામાં આવેલું આ તળાવ ચોમાસામાં ઓવરફલો થઈ જતો હોઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. જેથી હાલે તળાવને ઊંડું કરવાથી સંગ્રહક્ષમતા વધશે અને નિચાણવાળા વિસ્તારમાં લોકોને થોડીક રાહત થશે, પરંતુ સરકારી મિલકત સમાન માટી બારોબાર લઈ જવામાં આવતી હોવાની વાતે ભ્રષ્ટાચાર તરફ અંગુલી નિર્દેશ કર્યો છે.
Post a Comment