યુનિફોર્મ''ની કારકિર્દી માટે અથાગ મહેનત-જુસ્સો જરૂરી

 'યુનિફોર્મ''ની કારકિર્દી માટે અથાગ મહેનત-જુસ્સો જરૂરી

13થી 15 વર્ષની તરુણવયનો તબક્કો અતિ મહત્ત્વનો હોય છે. કાચી માટી જે રીતે ઢાળવામાં આવે તે રીતે તૈયાર થાય. આમ કાચી વયના તરુણો આપણા દેશની ગરિમા અને આધ્યાત્મિક ઉપરાંત દેશદાઝથી માંડી ઇમાનદારી જેવા સંસ્કાર કેળવી સાચી દિશામાં તેઓની કારકિર્દી તરફ આગળ વધે અને `પોલીસ પ્રજાનો મિત્ર' કેવી રીતે છે તેની જાણકારી મેળવે તેવા ઉદ્દેશ્યથી પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટનો સમરકેમ્પનો પ્રારંભ થઇ ચૂક્યાનું આજે ડીવાયએસપી એ. આર. ઝનકાન્તે જણાવ્યું હતું. 

શિક્ષણ અને કાયદો-વ્યવસ્થાના સાયુજ્ય સાથેની થીમ ઉપર આજે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસપીસી)ના રુદ્રાણી પાસે બોર્ડર વિંગમાં ચાલી રહેલા આ સમરકેમ્પના વક્તવ્યમાં શ્રી ઝનકાન્તે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સેવા-રક્ષા માટે યુનિફોર્મવાળી કારકિર્દી માટે અથાગ મહેનત અને ભરપુર જુસ્સાની ખાસ જરૂર હોય છે અને અહીં મને અનેકમાં આવો જુસ્સો દેખાઇ રહ્યો છે, 

ત્યારે આ સમરકેમ્પમાં આવી કારકિર્દી માટેના ગુરુમંત્રો અપાશે. આ ઉપરાંત મોજ-મસ્તી તો ખરી જ. જેમાં રમત-ગમત, સાઇડ સીન, પ્રવાસ ઉપરાંત કારકિર્દી માટે મૂંઝવતા પ્રશ્નોનો નિરાકરણ મળશે. આ ઉંમરમાં ઘર મૂકીને એકલા બહાર નીકળવા માટે જાત-જાતના ભય લાગે. વાલીઓને પણ ચિંતા થાય., પરંતુ જ્યારે ખબર પડે કે મારો દીકરો-દીકરી યુનિફોર્મ પહેરી અન્યની રક્ષા માટે ડગ માંડવા જઇ રહ્યા છે, ત્યારે વાલીઓ ચિંતામુક્ત થાય છે. 

આ કેમ્પ છોકરાઓની સમાંતર જ છોકરીઓની સંખ્યા જોઇને પણ હર્ષ-ગૌરવ થતું હોવાનું શ્રી ઝનકાન્તે જણાવી છાત્રો અને વાલીઓને આ કેમ્પ માટે તૈયાર કરવા બદલ શિક્ષકોનોય આભાર માની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા તાલીમી ડીવાયએસપી પાર્થ ચોવટિયાએ પોલીસની ભૂમિકા સમજાવી દરેક પરિસ્થિતિનો સામનો કરી સમર્પિત ભાવથી કામ કરવાની શીખ આપી હતી. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી નીલેશ ગોરે કેમ્પના છાત્રોને આ તક બદલ અભિનંદન આપ્યા હતા અને અહીંથી મળેલો અમૂલ્ય ભાથો અને મોજ-મસ્તી યાદગાર બની રહેશે. 

જ્યારે જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરીના નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઝાલાએ જણાવ્યું હતું કે, સમાજમાં અસામાજિક દૂષણો વધી રહ્યા છે, ત્યારે આ માટે આસપાસનો વાતાવરણ જવાબદાર છે, ત્યારે આવા કેમ્પ થકી તરુણોમાં ભાતૃભાવ અને દેશદાઝ આવતાં પરિસ્થિતિમાં સુધાર આવશે અને પોતે યુનિફોર્મ જોબથી નાનપણથી જ પ્રભાવિત હોવાનું જણાવ્યું હતું. આ પૂર્વે પી. આઇ. અને એસ. પી. સી. ના અધિકારી અંકુર પટેલે મહેમાનોને આવકારી કેમ્પની ગતિવિધિ વર્ણવી હતી. દરમ્યાન ખાવડા જેવા અંતરિયાળ વિસ્તારના કન્યા શાળાના શિક્ષિકાએ કન્યાઓને આ કેમ્પ માટે વાલીઓની પરવાનગી માટે કરવી પડતી મુશ્કેલી વર્ણવી હતી. 

જ્યારે શિક્ષિકા અને કવિયિત્રી એવા શબનમ ખોજાએ પ્રસંગ અનુરૂપ કાવ્ય `છોડીને ઝાડવા ઊડી રહ્યું છે પંખી, આકાશ આંબા ઊડી રહ્યું છે પંખી. ના પાંખની કદર છે, ના જાતમાં ક્ષમતા, મહેણું એ ભાંગવાને ઊડી રહ્યું છે પંખી. ' રજૂ કરી હતી. જ્યારે આ કેમ્પના છાત્રો એવા ધ્યાન ટાંક, ખુશી માલી, મૈત્રી બુદ્ધભટ્ટી અને ધ્રુવે કેમ્પમાં ગતિવિધિઓ વર્ણવી મોજ થતી હોવાનું જણાવ્યું હતું. આ કેમ્પથી વંચિત રહી ગયેલા બાળકો હજુ પણ કેમ્પમાં જોડાઇ શકે છે તેવું શ્રી ઝનકાન્તે જણાવી શિક્ષકોને બાળકો-વાલીઓને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું - રીપોર્ટ બાય - ભુમી પંડ્યા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain