શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી પર્વ પ્રસંગે મુન્દ્રાની બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સેમિનાર યોજાયો

 શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી પર્વ પ્રસંગે મુન્દ્રાની બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો શૈક્ષણિક સેમિનાર યોજાયો

15 દિવસમાં એક વખત ઉપવાસ કરવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ દૂર રહી શકાય છે : સ્વામી દેવચરણદાસજી

જ્ઞાન પર કોઈ પ્રકારનો ટેક્ષ લાગતો નથી : અનિરુદ્ધભાઈ દવે

કૌશલ્ય આધારિત કોર્સ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરાશે : ડો. ઘનશ્યામભાઈ બુટાણી

ગુરુ સાથે ગુગલનો હાથ પકડીને આગળ વધતા વિદ્યાર્થીઓને પ્રાચીન શિક્ષણનીતિનો ખ્યાલ આધુનિક શૈલીથી સમજાવતા દીલીપજી બેતકેકર

શિક્ષાપત્રીનું દરરોજ નિયમિત વાંચન કરીને ભગવાનના વચનોને જીવનમાં ઉતારવાની શીખ આપતા સ્વામી અક્ષરપ્રિયદાસજી

રતાડીયા(ગણેશવાલા), તા.9: આજથી 200 વર્ષ પહેલા કચ્છ પ્રદેશની સુખાકારી માટે સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે ભુજ મધ્યે શ્રી નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બંધાવેલ જેની આગામી 18 થી 26 એપ્રિલ દરમિયાન નવ દિવસીય દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે તેના ઉપલક્ષમાં એક સમયે કચ્છના કાશીનું બિરુદ મેળવનાર મુન્દ્રા ખાતે 115 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને બાલમંદિરથી બી.એડ. સુધીની સેવા પુરી પાડનાર શેઠ આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત 5000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને શ્રેષ્ઠ શિક્ષકો આપનાર મુન્દ્રાની એસ.ડી. શેઠિયા બી.એડ. કોલેજ ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાનું શૈક્ષણિક સેમિનાર યોજાઈ ગયો.

ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન હેઠળ તૈયાર થયેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અન્વયે 'ભારતીય જ્ઞાનસંપત્તિની યુગાનુકૂલ પ્રસ્તુતિ' વિષય આધારિત અને વિદ્યાભારતી વિદ્ધત પરિષદ (ગુજરાત પ્રદેશ) અને કાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી (ભુજ) આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ પરિસંવાદને પૂજ્ય સંતો - મહંતો અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રારંભમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ.વી. ફફલે કર્યું હતું તથા કાર્યક્રમના મુખ્ય સંયોજક ડો. કેશુભાઈ મોરસાણિયાએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.

સેમિનારમાં શ્રીહરિ તપોવન ગુરુકુળ (રામપર - વેકરા)ના સંચાલક પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ બાળકના ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા શિક્ષકોને આર્શીવચન આપતા જણાવ્યું હતું કે બાળકને એવું જ્ઞાન પીરસો જે એને જીવનમાં વ્યવહારિક રીતે કામ આવે અને વૈદિક કાળથી આપણા ઋષિમુનિઓ ગુરુકુળમાં જ રહીને વિદ્યા અને કળાના સંગમ દ્વારા વિદ્યાર્થીને આત્મનિર્ભર થવાનું શિક્ષણ આપવાની સાથે ઘર આંગણાની ઔષધીય વનસ્પતિ દ્વારા તંદુરસ્તીનું શિક્ષણ આપતા. પ્રાચીન સંસ્કૃતિમાં ઋષિમુનિઓ સ્વાસ્થ્ય માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા એનું ઉદાહરણ આપતા સ્વામીજીએ જણાવ્યું હતું કે જો 15 દિવસમાં એક વખત ઉપવાસ કરવામાં આવે તો કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ દૂર રહી શકાય છે જેને આપણા ઋષિમુનિઓએ અગિયારસના વ્રત સાથે વણી લીધુ છે.

પરીસંવાદની પ્રસ્તાવના રજૂ કરતા વિદ્યાભારતીના ઉપાધ્યક્ષ ડો. મેહુલભાઈ શાહએ વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન હાલના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા સેમિનારના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પ્રાચીન સમયમાં ભારતમાં 100થી વધુ શાસ્ત્રોનો અભ્યાસ કરાવવામાં આવતો જેનો લાભ લેવા વિશ્વભરમાંથી લોકો ભારત આવતા એ દિવસોને પુનઃસ્થાપિત કરવા શૈક્ષણિકક્ષેત્રે આવા નેશનલ સેમિનારો યોજવામાં આવી રહ્યાની માહિતી આપી હતી.

માંડવી - મુન્દ્રા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને કાર્યક્રમના ઉદ્દઘાટા અનિરુદ્ધભાઈ દવેએ જ્ઞાનોત્સવમાં સંસ્કૃતના શ્લોકોને વક્તવ્યમાં વણી લઈને ભણાવવામાં પણ સંસ્કૃત ભાષાનો વિશેષ ઉપયોગ થાય એવી હિમાયત કરતા જણાવ્યું હતું કે જ્ઞાન પર કોઈ પ્રકારનો ટેક્ષ લાગતો નથી ત્યારે ભારતની શિક્ષણ પ્રણાલીને વૈશ્વિક નકશા પર લાવવાનું સ્વપ્ન સેવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આધુનિક અને ભવિષ્યલક્ષી નવી શિક્ષણનીતિને સફળ બનાવવા સૌને સહભાગી થવાની ભલામણ કરી હતી.

કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડો. ઘનશ્યામભાઈ બુટાણીએ નવા સત્રથી નવી શિક્ષણનીતિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ્ઞાન અને આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર જૈન સંપ્રદાયના યોગદાન અંગે સંશોધન કેન્દ્ર શરૂ થશે એવી વાત કરતા પત્રકારત્વના કોર્સ માટે અમૂલ્ય દાન આપનાર કચ્છમિત્ર પરિવારનો આભાર વ્યક્ત કરતા કૌશલ્ય આધારિત કોર્સ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવાની વાત કરી હતી.

શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી લક્ષ્મીચંદભાઈ કુંવરજી કેનિયા તથા ભરતભાઇ કેનિયા અને મેનેજિંગ કમિટીના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર તથા માનદમંત્રી વિશ્રામભાઈ ગઢવીએ જ્ઞાનયજ્ઞનું યજમાન પદ આપવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરતા સમારોહને યશસ્વી બનાવનાર સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાભારતીના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મુખ્ય વક્તા દિલીપજી બેતકેકરે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને અપડેટ અને અપગ્રેડ રહેવાની સલાહ આપતા આધુનિક યુગમાં ગુરુ સાથે ગુગલનો હાથ પકડીને આગળ વધતા વિદ્યાર્થીઓને પ્રાચીન શિક્ષણનીતિનો ખ્યાલ આધુનિક શૈલીથી સમજાવ્યો હતો.

મુખ્ય ઉદબોધક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના મહેશભાઈ ઓઝાએ વિવિધ ઉદાહરણો દ્વારા સાહજિક અને સરળતાથી જ્ઞાનને વ્યવહારમાં કેવી રીતે લેવું તેની સમજ આપતા ક્ષમતા મુજબ બાળકને આગળ વધારવાની ભલામણ કરી હતી. સમાપન સમારોહમાં આર્શીવચન આપતા સ્વામિનારાયણ મંદિર ભુજના પૂજ્ય સ્વામી અક્ષરપ્રિયદાસજીએ શિક્ષાપત્રીનું દરરોજ નિયમિત વાંચન કરીને ભગવાનના વચનોને જીવનમાં ઉતારવાની શીખ આપતા દ્વિશતાબ્દી મહોત્સવમાં સૌને સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.

મુન્દ્રાના આંગણે નેશનલ સેમિનારનું આયોજન કરવા બદલ પૂર્વશિક્ષક અને નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારએ આયોજકોને અભિનંદન પાઠવતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી એમની સાથે કારોબારી ચેરમેન ડાયાલાલભાઈ આહીર, પ્રકાશભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય શિક્ષણ સેમીનારમાં વિવિધ યુનિવર્સિટીની કોલેજના પ્રોફેસર, તાલીમાર્થીઓ, પી.એચ.ડી. સ્કોલર, શિક્ષણવિદો સહિત બહોળી સંખ્યામાં પ્રતિસ્પર્ધીઓએ ચર્ચાગોષ્ઠીમાં ભાગ લઈને રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. સહભાગી થનાર તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્ર સાથે અદાણી ફાઉન્ડેશન તરફથી શૈક્ષણિક કીટ અને યસ વોટર એન્ટરપ્રાઇઝ તરફથી પાણીની બોટલ અને મોબાઇલ સ્ટેન્ડ ભેટ આપવામાં આવ્યા હતા.

ઉદ્દઘાટન સમારંભનું સંચાલન રાજીવભાઈ ત્રિવેદી જ્યારે આભારવિધિ કોલેજના પ્રોફેસર ડો. દીપકભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. વ્યાખ્યાન સત્રનું સંચાલન ચંદ્રમોલી આશદે અને આભારવિધિ કોલેજના પ્રોફેસર ડો. હિતેશભાઈ કગથરા દ્વારા કરવામાં આવી હતી. સમાપન સમારંભનું સંચાલન કોલેજના પ્રોફેસર ડો. દીપકભાઈ પંડ્યા અને આભારવિધિ કોલેજના જનરલ સેક્રેટરી હિરેન ગઢવી દ્વારા કરવામાં આવી હતી. 

કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના પ્રોફેસર ડો. કૈલાશભાઈ નાંઢા, ડો. દિનેશભાઈ પટેલ, કમળાબેન કામોલ સહિત તમામ તાલીમાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain