ભુજના સ્ટેશન રોડ પર ભુવામાં એસ. ટી. બસ ખાબકી
ભુજ: શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા સ્ટેશન રોડ પર ભુવો પડતા એસ. ટી. ની બસ ખાબકી હતી. સવારે ટ્રાફિકના સમયે જ માર્ગ પર ખાડામાં એસ. ટી. ની બસ ખાબકી પડતા અફરાતફરી મચી હતી. તાજેતરમાં જ બનેલા સીસીરોડ પર મોટો ખાડો પડી જતા હાજીપીર-ભુજ રૂટની એસટી બસ ફસાઈ ગઈ હતી. બસનું એક ટાયર ખાડામાં ફસાઈ જતા બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી. ઘટનાની જાણ થતા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના જવાબદારો દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ હાનિ થઈ ન હતી. તાજેતરમાં જ માતબર ખર્ચે તૈયાર થયેલા માર્ગ પર મહાકાય ખાડો પડી જતા કામની ગુણવતા પર સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા.
ગટર લાઈનનું કામ પૂર્ણ થયા બાદ માટીથી ખાડાને દાટી દઈ તેના પર સીસીરોડ બનાવી દેવાયો હતો. માર્ગ બન્યાના થોડા સમયમાં જ મોટો ખાડો પડી જતા લોકોએ કામની ગુણવતા પર સવાલો ઉઠાવી માર્ગના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના અને કામગીરીમાં લીપાપોતી કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા. આ તકે શહેરના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરની લાઈનોમાં ચોકઅપ સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે. સુધરાઈ દ્વારા ખોદકામ કરી ગટરનું કામ પૂર્ણ કર્યા બાદ ગુણવતાને ધ્યાને રાખ્યા વગર જ રસ્તાનું પેચવર્ક કરી દેવાય છે.
સુધરાઈના વિવિધ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાનું પ્રમાણ સ્ટેશન રોડ પર પડેલ ખાડો પુરૂ પાડી રહ્યો હોવાનું ભુજવાસીઓએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ભુજમાં નલ સે જણ યોજનાના ૩૯. ૪૯ કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું હતું. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નબળું કામ કરશો તો બ્લેકલીસ્ટ કરી દેવાની ચિમકી કોન્ટ્રાકટરને આપી હતી. ત્યારે તાજેતરમાં જ બનેલ ભુજના સ્ટેશન રોડ પર ભુવો પડી જતા નગરપાલિકા તંત્ર જવાબદારો સામે કેવી કાર્યવાહી કરશે તેવો સવાલ ભુજવાસીઓએ ઉઠાવ્યો હતો.
Post a Comment