આકાશી વીજળીએ યુવાનનો ભોગ લીધો

 આકાશી વીજળીએ યુવાનનો ભોગ લીધો

છેલ્લા થોડા દિવસોથી કચ્છમાં પશ્ચિમી વિક્ષોભની અસરથી વૈશાખમાં આષાઢી માહોલ સર્જાયો છે અને માવઠાંના પગલે ઊભા પાકને તો નુકશાન થઇ જ રહ્યું છે સાથો-સાથ આકાશી વીજળી પડવાથી ગઇકાલે રતનાલની વાડી પાસેના માઇન્સમાં કામ કરતા યુવાન પર વીજળી પડતા મોતના અહેવાલની હજુ શાહી પણ ભુંસાઇ નથી ત્યાં આજે ફરી ભુજ તાલુકાના લાખોંદમાં ચાલુ વરસાદના પગલે જાંબુને બચાવવા જતા ભુજના 30 વર્ષીય યુવાન દિનેશ વેલા દાતણિયા જાંબુના ઝાડ ઉપર ચડયો હતો ત્યારે આકાશી વીજળી પડતા તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું, જ્યારે ઝાડની બાજુમાં ઊભેલી તેની પત્ની ગીતાબેન પણ આ વીજળીના લીધે ઘાયલ થયા હતા. ભરઉનાળામાં પડી રહેલા માવઠાં થકી ઊભા પાક અને ફળોને હાનિ પહોંચી રહી છે. ભુજના ભીડનાકા બહાર રહેતા 30 વર્ષીય શ્રમજીવી એવા દિનેશ દાતણિયાએ લાખોંદની વાડીમાં જાંબુના ઝાડ ભાડે લીધા હતા. આજે બપોરે 12-30 વાગ્યાના અરસામાં ઓચિંતા આવી ચડેલા વરસાદ થકી જાંબુને હાનિ ન પહોંચે અને પોતાની નુકસાનીથી બચવા તે વરસાદથી જાંબુને બચાવવા ઝાડ ઉપર ચડયો હતો. ત્યારે આકાશી વીજળી તેના પર કહેર બનીને ખાબકી હતી. વીજળી પડતા તે ઝાડ પરથી નીચે પટકાયો હતો. દિનેશને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઝાડની પાસે જમીન પર ઊભેલી દિનેશની પત્ની ગીતાના બે પગ પણ વીજળીના લીધે બળ્યા હોવાથી તેને સારવાર તળે ખસેડાયા છે. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain