કમોસમી વરસાદના કારણે ભુજની APMC માં એરંડા, ગુવાર, ઈસબગુલનો પાક પલળ્યો
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સના કારણે વરસાદનું વાતાવરણ છે. ત્યારે ખાસ તો એપીએમસીમાં પડેલા ખુલ્લા પાકને નુકસાનની સ્થિતિ સર્જાઇ છે. ભુજના એપીએમસી માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદથી ખુલ્લામાં પડેલો એરંડા, ગુવાર અને ઈસબગુલનો પાક પલળ્યો હોવાનું જાણવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ કચ્છના ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, અબડાસા તાલુકામાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરઉનાળે વરસી રહેલા મેઘરાજાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકની નુકસાનીને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કમોસમી વરસાદના કારણે પાક પલળી જતા નુકસાની: ભુજની પીએમસી માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ ઉનાળાના હિસાબે ખુલ્લામાં રાખેલો માલ કમોસમી વરસાદના કારણે પલળી ગયો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે એરંડા, ગુવાર અને ઈસબગુલનો પાક છે તે ખેડૂતો અને વેપારીઓએ શેડમાં ન મૂકતા ખુલ્લામાં મુકેલો હોવાથી આજે સવારે વરસેલા કમોસમી વરસાદના કારણે પાક પલળી ગયો હતો અને ખેડૂતોએ તેમજ વેપારીઓએ નુકસાનીની વાત કરી હતી.
ખેડૂતોએ પાક ખુલ્લામાં મૂકતા પાક પલળી ગયો: ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં કોઈ પણ પાકને નુકસાની ના થાય તે માટે જુદા જુદા મોટા શેડની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ઉનાળાના હિસાબે અને ખેડૂતોએ પોતાના જોખમે પોતાનો માલ ખુલ્લામાં મુકેલો હતો. પરંતુ આજે કમોસમી વરસાદના કારણે આ પાક ભીનો થયો હતો તેવું એપીએમસી માર્કેટ યાર્ડના સેક્રેટરી શંભુભાઈ બરાડીયાએ જણાવ્યું હતું. ખાસ કરીને ગુવારનો પાક પલળી ગયા બાદ ઉપયોગમાં લઈ શકાતું ન હોવાનું વેપારીએ જણાવ્યું હતું.
કેરીના પાકમાં નુકસાની: અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ ખેડૂતોના ઘઉં, એરંડા તેમજ કેસર કેરીના પાકમાં નુકસાની થઈ હતી. જેનો સર્વે કચ્છના બાગાયતી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની થઈ હોવાનું બાગાયત અધિકારીએ જણાવ્યું હતું. તો આજે પડેલા કમોસમી વરસાદના લીધે પણ પાકમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
Post a Comment