એકસાથે 11 કચ્છીની અર્થી ઊઠતાં વહી અશ્રુધારા

એકસાથે 11 કચ્છીની અર્થી ઊઠતાં વહી અશ્રુધારા

મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે મંદિરની છત તૂટી પડતાં સર્જાયેલી ગોઝારી જીવલેણ દુર્ઘટનામાં મોતના મુખમાં ધકેલાઇ ચૂકેલા મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વતની કચ્છ કડવા પાટીદાર સમાજના 11 સભ્ય સહિત મરણાંક 36 ઉપર પહોંચ્યો છે. આ ગમખ્વાર ઘટનાએ કચ્છ અને સમગ્ર કડવા પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે. હતભાગી કચ્છીઓ સહિતના મૃતકોની અંતિમવિધિ સમયે આજે ભારે કરુણ અને હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. ગઇકાલે બપોરે બનેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓનો આંકડો 36 ઉપર પહેંચ્યો છે. 

આ મૃતકોમાં મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના કડવા પાટીદાર સમાજના દશ મહિલા સહિત 11 હતભાગીનો સમાવેશ થાય છે. આ 11 કચ્છી મૃતકોમાં લક્ષ્મીબેન રતિલાલ દીવાણી (ઉ. વ. 70, ટોડિયા), દક્ષાબેન લક્ષ્મીકાંત રામાણી (ઉ. વ. 58, નખત્રાણા), કનકબેન કૌશલ લક્ષ્મીકાંત રામાણી (ઉ. વ. 32, નખત્રાણા), ગોમતીબેન ગંગદાસ પોકાર (ઉ. વ. 70, રામપર સરવા), પુષ્પાબેન દિનેશભાઇ પોકાર (ઉ. વ. 49, હરિપર), કસ્તૂરબેન મનોહરભાઇ રામાણી (ઉ. વ. 73, નખત્રાણા), ' પ્રિયંકાબેન પોકાર (હરિપર), વિનોદભાઇ ' ધનજીભાઇ નાકરાણી (ઉ. વ. 58, વિરાણી મોટી), શારદાબેન કેશવલાલ પોકાર (ઉ. વ. 55, રામપર સરવા), રતનબેન નાનજીભાઇ રામાણી (ઉ. વ. 73, નખત્રાણા) અને જાનબાઇ ગંગારામભાઇ નાથાણી (ઉ. વ. 72, નખત્રાણા)નો સમાવેશ થાય છે. 

જ્યાં ગઇકાલે રામનવમીના આ દુર્ઘટના બની તે ઇન્દોર શહેરનો નવલખા વિસ્તાર મુખ્યત્વે કચ્છી કડવા પાટીદારોની વસ્તી ધરાવતો વિસ્તાર છે. ઇન્દોરવાસીઓ આ વિસ્તારને પટેલ કોલોનીના નામે ઓળખે છે. દુર્ઘટનાના પગલે ત્યાંના કડવા પાટીદાર સમાજના આગેવાનો અને સભ્યો દોડી જઇને બચાવ-રાહત અને સારવાર સહિતના કાર્યોમાં સહયોગી બન્યા હતા. દરમ્યાન આજે શુક્રવારે ઇન્દોર ખાતે મૃતક 11 કચ્છી સભ્યોની એકસાથે અંતિમયાત્રા સંપન્ન કરાઇ હતી. 

અંતિમવિધિમાં કચ્છી કડવા પાટીદાર સમાજના તથા સ્થાનિક નવલખા વિસ્તારના સભ્યો જોડાયા હતા. સ્વજનો ગુમાવ્યાના વલોપાત સાથેના ભલભલા પણ ભાંગી પડે તેવા આક્રંદે કરુણ દૃશ્યો સર્જ્યો હતા. મૂળ નખત્રાણાના અને હાલે ઇન્દોર નવલખા વિસ્તારમાં રહેતાં લક્ષ્મીકાંતભાઇ રામાણીના પત્ની દક્ષાબેન અને પુત્રવધૂ કનકબેન કૌશલ રામાણીના આ ઘટનામાં મૃત્યુ થયાં છે. જેને લઇને રામાણી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. 

મરનાર હતભાગીઓના તથા ઘાયલોના પરિવારને સાંત્વના સધિયારો આપવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજાસિંહ ચૌહાણ હોસ્પિટલે પહેંચ્યા હતા. બચાવ ઓપરેશન કાર્યમાં પહેલા એન. ડી. આર. અને બાદમાં લશ્કરના જવાનો પણ કામે લાગ્યા હતા. આજે સાંજ સુધી મરનારનો આંકડો 36 ઉપર પહેંચ્યો છે. એકાદ-બે વ્યકિત હજુ ફસાયેલા હોવાની વિગતો પણ સપાટીએ આવી છે. 

અખિલ ભારત કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અબજીભાઇ કાનાણી, ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ હંસરાજભાઇ ધોળુ, લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામના પ્રમુખ ગંગારામભાઇ, સ્થાનિક અગ્રણીઓ હરિભાઇ બાથાણી અને ભીમજીભાઇ પટેલ, નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઇ સોમજિયાણી, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખ પટેલ વગેરેએ મૃતકો માટે શોક વ્યકત કરી તેમના પરિવાર તરફે દિલોસોજી પાઠવી હતી. 

બીજી બાજુ મધ્યપ્રદેશના હરદાથી નટવર પટેલે જણાવ્યું હતું કે નવલખા વિસ્તારમાં આ શિવાલયના આગળના ભાગે' એક કૂવો હતો. જેના ઉપર 35 વર્ષ પહેલાં છત બનાવવમાં આવી હતી. ગઇકાલે રામનવમી નિમિત્તે હવન ચાલી રહ્યો હતો અને પચ્ચાસેક ભાવિકો આ છત ઉપર બેસીને યજ્ઞમાં ભાગ લઇ રહ્યા હતા ત્યારે અચાનક છત તૂટી પડતાં આ જીવલેણ દુર્ઘટના બની હતી. મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ઇન્દોર ઉપરાંત ભોપાલ, સાગર વિદિશા, ઇટારસી, હરદા, ખંડવા, ઉજજૈન અને પીથમપુર સહિતના સ્થળેથી પાટીદારો પહોંચ્યા હતા. 

આજે બપોરે ચાર વાગ્યે મૃતકોને એકસાથે અગ્નિદાહ આપ્યો હતો. જ્યારે મૂળ મોટી વિરાણીના અને હાલે ઇન્દોર રહેતાં એમ. પી. પાટીદાર ઝોન તથા ઇન્દોર પાટીદાર સમાજ ધારરોડ પ્રમુખ હરિલાલ કરશન બાથાણી (બેરૂ)એ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે છત તૂટતા ભોગ બનનારા સેલોરવાવમાં પડયા હતા. માથેથી પડેલા કાટમાળ નીચે દબાઇને તેઓ કાદવ-કીચડમાં ફસાયા હતા. કૂવામાં પડેલા 10 જણને બચાવી લેવાયા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain