રિચાર્જ કરો ને વીજળી વાપરો, કચ્છમાં ચાલતી તૈયારીઓ

 રિચાર્જ કરો ને વીજળી વાપરો, કચ્છમાં ચાલતી તૈયારીઓ 

હવે તો નાણાંની લેવડ-દેવડથી માંડી તમામ સુખ-સુવિધાઓ ડિજિટલ બનતી જતી હોવાથી અંધારાં ઉલેચીને પ્રકાશ પાથરતી આ વીજસેવાને ડિજિટલાઇઝેશન થવાને હવે બસ થોડો સમય આડો છે. ગ્રાહકો જેમ પોતાના મોબાઇલ કે ટેલિવિઝન દર મહિને રિચાર્જ કરીને ઉપયોગ કરે છે એ જ વ્યવસ્થા ટૂંક સમયમાં શરૂ થનારી હોવાથી દેશના છેવાડાના કચ્છ જેવા વિસ્તારમાં સીમકાર્ડ આધારિત વીજળી વાપરવાની તૈયારીઓ અંદરખાને ચાલી રહી છે. જેટ ગતિએ ડિજિટલ યુગ આગળ વધે છે ત્યારે આમેય સરકારી સેવાઓ પણ મોટાભાગે ઓનલાઇન થઇ ગઇ છે. ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું હોય કે પોતાની મિલકતના આધારો વગેરે એક મોબાઇલમાં આંગળીના ટેરવે ઘેરબેઠા ચકાસી શકાય છે. એટલું જ નહીં કામ પણ થઇ શકે છે. 

આમેય અત્યારે વીજળીનું બિલ આપણા ઘરે કે કચેરીમાં આવે છે તે બિલની રકમ ભરવા મોબાઇલમાંથી ઓનલાઇન પેમેન્ટ ભરીને પહોંચ મેળવી શકાય છે એ સેવા તો શરૂ થઇ ગઇ છે પરંતુ જે વીજળી ઘર કે ઓફિસમાં આવે છે એ હવે કેટલી ચાલશે અને રિચાર્જ કેવી રીતે થઇ શકે છે એ પ્રકારની વ્યવસ્થા પી. જી. વી. સી. એલ. દ્વારા શરૂ? થઇ રહી છે. મૂળ કચ્છના અને પી. જી. વી. સી. એલ. ના અધીક્ષક ઇજનેર અમૃત ગરવાને પૂછ્યું કે સ્માર્ટ મીટર પદ્ધતિ ક્યારે આવે છે? તો તેમણે જવાબ આપ્યો કે બસ મિટિંગની રાહ જોઇએ છીએ. બેઠક મળે તેમાં નિર્ણય લેવાય તેને આડે માત્ર દિવસો જ બાકી છે. 

ભારત સરકારની નવી ઊર્જા નીતિ અંતર્ગત ગ્રાહકોને આધુનિક પદ્ધતિએ વીજળી આપવાની સાથે સેવાઓનો લાભ પણ ડિજિટલ રૂપે આપવામાં આવશે. કચ્છમાં જુદા જુદા પ્રકારના ૬.૫૦ લાખ વીજજોડાણ આવેલા છે. આ તમામ જોડાણમાં સ્માર્ટ મીટર લાગી જવાના છે. કેન્દ્ર સરકારે કચ્છના સાંસદના અધ્યક્ષસ્થાને કલેકટર,? ધારાસભ્યોની એક કમિટી બનાવી છે. આ કમિટીની મિટિંગ એપ્રિલમાં મળે તેવી શક્યતા છે, જેમાં યોજનાની સમજ આપી કામના ટેન્ડર આપવામા આવશે. અંદાજિત રૂા. 520 કરોડની યોજના કચ્છમાં અમલ થવા જશે. આ યોજનામાં પ્રિ-પેઇડ અને પોસ્ટ પેઇડ સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. સૌથી પહેલાં કચ્છના શહેરોમાં બાદમાં નાના મથકો અને અંતે ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારના ડિજિટલ વીજમીટર લગાડવામાં આવનાર છે. કચ્છ એક દરિયાઇ વિસ્તારને જોડતો વિસ્તાર હોવાથી દરિયાઇ પટ્ટીને અડીને આવેલી વીજલાઇનના વાયરો ક્ષારના કારણે જંગ ખાઇ ગયા છે. 

આ તમામ વાયરોને બદલવામાં આવશે. અંદાજિત ૩૬૦૦ કિ. મી. ના વીજવાયર કોટિંગ કરેલા, તો ક્યાંક ચોટલા કેબલ પાથરવામાં આવશે. હયાત તમામ વીજ માળખાને અપગ્રેડ કરી આધુનિક કરવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં ગ્રાહકોને ફોલ્ટરહિત સળંગ વીજળી મળે તેવું આયોજન કરવામાં અવાશે. સ્માર્ટ મીટર લાગ્યા પછી તેની રિચાર્જિંગની વ્યવસ્થા શું હશે એ સવાલ સામે તેમણે જણાવ્યું હતું કે, જેમ અત્યારે મોબાઇલ રિચાર્જિંગ થઇ જાય છે એવી જ રીતે સામાન્ય પાનના ગલ્લાવાળા પાસેથી પણ રિચાર્જિંગ થઇ શકે તેવું માળખું વિસ્તારવામાં આવશે. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી ધારાસભ્યો રોકાયેલા છે. એપ્રિલમાં સંભવત: મિટિંગ બોલાવીએ તેવું કલેક્ટર સાથે પરામર્શ કર્યા બાદ નક્કી થયું છે એમ શ્રી ગરવાએ જણાવ્યું હતું. રૂફટોફ સોલારના જોડાણો વધતા જાય છે અને એક વખત સૂર્યઊર્જા હેઠળ ઘરોમાં છતની ઉપર પેનલ લગાવ્યા પછી પણ વીજળી ઉત્પન્ન કરવાને સફળતા મળી છે. સાથે ગ્રાહકોને એક વખતના ખર્ચ બાદ લાંબાગાળે મોટી બચત થઇ હોવાના કિસ્સા સામે આવ્યા છે. 

આ નવી ઊર્જાનીતિમાં કચ્છના ૯૦ હજાર ટ્રાન્સફોર્મરની ક્ષમતા પણ ડબલ જેવી કરી દેવામાં આવશે જેથી લો-વોલ્ટેજ કે ભારણ વધી જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે એમ તેમણે જણાવ્યું હતું.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain