ગુજરાત પોલીસ દળમાં આ વર્ષે જ 8 હજાર કર્મચારીની ભરતી કરાશે

ગુજરાત પોલીસ દળમાં આ વર્ષે જ 8 હજાર કર્મચારીની ભરતી કરાશે

વિધાનસભામાં મંગળવારે ગૃહ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાલુ વર્ષે જ ગુજરાત પોલીસ દળમાં અંદાજે 8 હજાર કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી હતી. હર્ષ સંઘવીએ કહ્યું કે, ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. સંઘવીએ કરેલી જાહેરાત મુજબ 7384 જગ્યા પર ભરતી પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે, જેમાં બિનહથિયારી પીએસઆઈની 325 જગ્યા, હથિયારી અને બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની સૌથી વધુ 6324 જગ્યાની ભરતી કરવામાં આવશે.

આ સાથે જેલ સિપાહી (પુરુષ)ની 678 જગ્યા અને જેલ સિપાહી (મહિલા) માટેની 57 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ વર્ષમાં જ પોલીસ દળમાં ભરતીની તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. પોલીસ પોપ્યુલેશન રેશિયો મુજબ પોલીસ કર્મચારીઓની ભરતી માટે સતત પ્રક્રિયા ચાલતી રહે છે. છેલ્લાં 10 વર્ષમાં એક લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.

ગૃહ વિભાગના બજેટની ચર્ચાના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હિંસાત્મક ગુનાઓના ક્રાઇમ રેટમાં ગુજરાત 32મા સ્થાને છે. વ્યાજખોરીના દૂષણને દૂર કરવા માટે પોલીસે ઉપાડેલી ઝુંબેશમાં 3500 લોકદરબાર યોજીને 1200 ગુનેગારોને પકડવામાં આવ્યા છે. સંઘવીએ જણાવ્યું કે, છેલ્લાં બે વર્ષમાં માત્ર 100 દિવસમાં ચુકાદો લાવી 6 ગુનેગારને ફાંસી અને 10 ગુનેગારને આજીવન કેદની સજા આપી ગુજરાત રાજ્ય દેશભરમાં મોખરે બન્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain