ઇફ્કો સામે ગાયને બચાવવા જતા 2 કાર ટકરાઇ

 ઇફ્કો સામે ગાયને બચાવવા જતા 2 કાર ટકરાઇ

ગાંધીધામ-આદિપુરને જોડતા તથા 24 કલાક ધમધમતા ટાગોર રોડ પર પંચમુખી હનુમાન મંદિર સામે ગઇકાલે આખલો ટકરાતાં બુલટેટ ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટનાના બીજા જ દિવસે ઇફ્કો સામે અચાનક બે ગાયો દોડતી વચ્ચે આવી જતાં એક કાર ચાલકે ગાયોને બચાવવા જતાં આગળ જઇ રહેલી બીજી કારમાં ટક્કર મારી હતી અને ફરી આ રખડતા ઢોરોને કારણે એક વધુ અકસ્માત સર્જાયો હતો, જો કે, સદ્દભાગ્યે આ અકસ્માતમાં દુર્ઘટના ટળી હતી પરંતુ સવાલ એ છે કે હવે તંત્ર રાહ કોની જોઇ રહ્યું છે?

આ ઘટનાની નજરે જોનારે આપેલી વિગતો મુજબ, અંજાર રહેતા દિપભાઇ જોલાપરા પોતાની કાર લઇ ગાંધીધામથી અંજાર જઇ રહ્યા હતા. તેઓ ટાગોર રોડ પર ઇફ્કો કોલોની સામે પહોંચ્યા ત્યારે આ રોડ પર ઉભતા ફ્રૂટ અને શાકભાજીના ધંધાર્થીઓએ ફેંકી દીધેલા શાકભાજી ખાવા માટે બે ગાયો અચાનક દોડતી દોડતી વચ્ચે આવી જતાં આ ગાયોને બચાવવા માટે કરીને દિપભાઇએ કારને સાઇડમાં લઇ કંટ્રોલ કરવાની કોશિષ કરી હતી પરંતુ તેમની કાર આગળ જઇ રહેલી બીજી કારમાં ધડાકાભેર અથડાઇ હતી.

સદ્દભાગ્યે આ અકસ્માતમાં દૂર્ઘટના ટળી હતી પણ આગળ જતી કારમાં નુકશાન પહોંચ્યું હતું. એક દિવસ આખલાને કારણે એક પરિવારે યુવાન સભ્ય ગુમાવ્યો, બીજા દિવસે વચ્ચે આવી ગયેલી ગાયોને બચાવવા બે કાર ટકરાઇ ગઇ ત્યારે તંત્ર હજી આ રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા કોની રાહ જોઇ રહી છે?

ટાગોર રોડ પર દબાણ હટાવ પછી ફરી જૈસે થે, ઘાસચારાનું પણ થતું વેંચાણ ટાગોર રોડ પર થોડા સમય પહેલાજ દબાણ હટાવ કાર્યવાહી એસડીએમ, પાલિકા, પોલીસ અને આરએન્ડબીના સંયુક્ત આયોજનથી કરાઈ હતી. ત્યારે પણ તે ચર્ચા હતી કે ખરેખર કેટલો સમય આનું પાલન કરાશે, અને ખરેખર તેજ સત્ય પડતું હોય તેમ ફરી દબાણો ખડકાઈ ગયા છે, તેમજ ઘાસચારાનું વેંચાણ પણ થતા રખડતા ઢોર અને વાહનો વચ્ચે અકસ્માત થવાની સંભાવનાઓ વધી જવા પામે છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain