આત્મા, મહાત્મા, પરમાત્મા - નિલેશ ધોળકીયા
કર્મોમાં હરપળે ભરપૂર અખૂટ શ્રદ્ધા, હૈયામાં હામ, જુસ્સામાં જોમ, સંકટમાં સસ્નેહ સ્મિત આપીને જ ધરપત, યકીન અને પ્રેમના પગથીયા ચઢાય છે. અંતરના કમાડ ત્યારે જ ખુલે જ્યારે આંખોમાં સજળ લાગણી ઉભરાય છે. જીવનને "ડીલ" Deal નહીં, પણ ફીલ Feel કરીને જીવીએ. ગમતા સંબંધો, સપનાઓ કે કવચિત્ અનુભવાતા યાદગાર સંસ્મરણો સાચવી રાખજો. જો એ ખોવાશે તો ગૂગલના પપ્પા કે દદ્દદુ પણ નહીં શોધી શકે !
સર્જનહારે દરેક "જીવ"માં "શીવ"ની રોપણી કરી જ હોય છે અને ભરોસાના ખાતરથી આપણે સત્કર્મ દ્વારા સંસ્કારી ફુલવાડીનું આંગણુ મ્હેંકતુ રાખવાનું છે. મારા શુભચિંતક તેમજ PR જનસંપર્કમાં એક્કા એવા, અમદાવાદી શ્રી દિગંતભાઈ સોમપુરાએ મને પ્રેરણાબીજ રૂપી જે વિડીયો મોકલેલો તેની ફળશ્રુતિ સ્વરુપે આજનો લેખ છે.
દેશની સરહદે બર્ફ઼િલા અને મગજને સુન્ન કરી દે તેવી હાડ થીજાવી દેતી ઠંડીમાં "માં ભોમ"ની રક્ષા કાજે મેજર સહિતની ૧૫ સૈનીકોની ટુકડી તેમના નિયત સ્થળે પહોંચવા કપડા, શુઝ ઓક્સિજન, શસ્ત્ર-સરંજામ સાથેનું બે મણનું વજન ઉંચકી દુર્ગમ રસ્તે આગળ વધી રહ્યા હતા. થાકને કારણે તેઓ ગરમાવો લાવવા "ચા"ની ચાહનામાં કાતિલ હિમાચ્છાદિત વેરાન જગ્યાએ કોઈક "આશરા"ની આશમાં ઠૂંઠવાઈ રહેલા ત્યારે અચાનક જ "ચા"ની છાપરી જેવું વર્તાય છે. પણ આ શું !? ખખડધજ લાગતી હાટડીએ તો તાળુ ઝૂલતુ'તું. માંડ થોડું સુકુન જેવું લાગ્યુ તો તે ય બંધ ! સૈનિકોને "ચા"ની તાલાવેલી અસહ્ય હતી પરંતુ દેશના રક્ષકથી એમ થોડું જ કંઈ તાળુ તોડી નંખાય ? મેજરે ના-છુટકે, પોરો ખાવા તથા આગળની કઠિન યાત્રા ચાલુ રહી શકે તે શુભ હેતુસર પડુપડુ થતા જર્જરીત "ચા"ના ગલ્લાનું તાળુ તોડી ગળું હુંફાળુ કરવા સંમતિ આપી.
અંદર પડેલી સામગ્રી અને બિસ્કિટથી સૌ સૈનિકોએ ચા માણી અને જરા-તરા તાજગી મેળવી. સોલ્જર્સ દ્વારા અનૈતિક ઢબે ખોલાયેલી દુકાને નૈતિક જવાનો અને મેજરે "ચા"ના બદલામાં થોડા હજાર રૂપિયા ચા+ખાંડના ડબ્બા નીચે મૂકીને ચાલતી પકડી. ન કરવાનું કર્યાનો એ પંદરેય લોકોને ભારે રંજ તો હતો જ. પોતાની ફરજપરના પોઇન્ટ પર કોઈ જાનહાનિ ન થઈ તેનો આખી ટીમને સંતોષ હતો. ત્રણ માસ બાદ બીજી ટીમ આવી જતા મેજરની ૧૫ જણાંની આ ટીમ પાછી ફરે છે ને રસ્તામાં પુન: તે "ચા"ની તુટેલી ફૂટેલી દુકાને પહોંચતા, એ કિટલી પર કાળની થાપટ ખાધેલા આધેડને જુએ છે. આ વખતે તેની દુકાને ચા તેમજ ખાવાની બીજી વસ્તુઓ પણ દેખાઈ. ફરી વખત ૧૫ જવાનો ત્યાં ચા નાસ્તો કરી ફ્રેશ થાય છે ને વાતવાતમાં એ દુકાનદાર પાસેથી અલકમલકની વાતો, પ્રભુની અસીમ કૃપા, જેવી બાબતે ચર્ચા થાય છે. એક સુરક્ષાકર્મી પૂછે છે કે, જો ખરેખર ઉપરવાળા હોય તો તે તમને ગરીબાઈમાં કેમ રાખે છે !? આવી નિર્જન જગાએ કેમ ટી સ્ટૉલ બનાવ્યો !? કોઈ પ્ર વાસી કે વટેમાર્ગુ અહીં આવે છે ખરા !? તમારો જીવન નિર્વાહ કેમ ચાલે છે !? ઉત્તરમાં એના મોંઢે, પરમ શક્તિએ તેમની જિંદગીમાં ચમત્કાર સર્જ્યો તેવી વાત સાંભળે છે.
ઈશ્વરના અસ્તિત્વ અંગે દુકાનદાર આગળ કહે છે કે : આશરે ૩ માસ અગાઉ થોડા આતંકવાદીઓએ હલ્લો કરી મારા દીકરાને બંધક બનાવ્યો, માહિતી ઓકાવવા તેને ખૂબ માર્યો અને પછી મરવાના વાંકે જીવતા મારા સંતાનને લોહી લુહાણ હાલતમાં ફેંકી દીધો. હું પુત્રનો જીવ બાચાવવા તેને ખભે નાંખી માઈલો દૂર દવાખાને લઈ ગયેલો. મારી પાસે માત્ર વીસ રૂપિયા હતા ને દવા સારવાર માટે હજાર રૂપિયા જોઈતા હતા. હું ભાંગી પડ્યો, અંતિમવાદીઓના ખોફ઼ને કારણે લાચાર બાપને, મને, ગામના કોઈ મદદ કરી શકે તેમ ન્હોતા. ખુદાને કોસતો કોસતો હું મજબૂર થઈ નિરાશ વદને "ચા"ની તપરી બાજુ ચાલ્યો. દુકાને તૂટેલું તાળુ જોઈ પેટમાં ફ઼ાળ પડી. બધું જ લૂંટાઈ ગયુ છે એવું લાગ્યુ. અંદરથી બધી આઈટેમ ચોરી થઈ ગઈ હશે તેમ માની ભંગાર ઝૂંપડીની અંદર ગયો તો હું અવાચક થયો. અંદર ૩૦૦૦ રૂપિયાની નોટ હતી. જી, ભગવાન નામની અગમ્ નિગમની અલૌકીક આત્માએ મારી પર રહેમ વરસાવી. નાણાં લઈ મેં દોટ મૂકી. મારા દિકરાની દવા, સારવાર થતાં રાહતનો શ્વાસ લીધો. સાહેબો, એ જ પરવરદિગારે મને, મારા કુટુંબને ઉગાર્યુ. હા, સર્વશક્તિમાન છે જ જેની દયાને કારણે મારી આ હાટડીમાં ચા સાથે બીજી વસ્તુઓ પણ વેચાણ માટે લાવી શક્યો. આસ્થા એ તો ઉર્જાનો બેનમૂન સ્ત્રોત છે !
સૌ સૈનિકોએ તેમના મેજરની ભીની આંખોના ખૂણે ચુપકીદી સેવવાની સૂચના જોઈ. એ "ચા"વાળા શ્રદ્ધાળુ જીવડાના આત્મદીપને મનોમન વંદન કરી પુરી કુમકે ત્યાંથી રજા લીધી. અંતરાત્માની સકારાત્મક સંભાવનાઓનો પ્રબળ ઉત્સાહ જ્યારે ઝગારા મારે ત્યારે મહાત્મારૂપી પરમાત્માની ઝાંખી થાય જ.
મળી ગયા શબ્દો પણ આકાર આપવાનું રહી ગયું - બીજાને કહેતો રહ્યો ને ખુદને જગાડવાનું રહી ગયું રચ્યોપચ્યો રહ્યો માયા, મમતા ને લોભમાં બધાંની ઓળખાણો કાઢી - આત્માને ઓળખવાનું રહી ગયું દોડતો રહ્યો છું રાત દિ' સદા સ્વાર્થ માટે - પરમાર્થ જ પાર પાડશે એ વાત જાણવાનું રહી ગયું !
બધાં સંબંધ છે જન્મથી મૃત્યુ સુધીના, ખબર હોવાં છતાં - મનને સમજાવવાનું રહી ગયું ! અંધ બની ભાગતો રહ્યો દોલત પાછળ સદા, માયા માટી છે ખબર હતી - છતાં ચેતવાનું રહી ગયું ! પૂજ્યા ઘણાં મેં દેવ પથ્થર તણાં, ચારેકોર - ઘરમાં બેઠેલાં ભગવાનને યાદ કરવાનું રહી ગયું ! અંતે એક વાતનો અફસોસ રહી ગયો, જીવનમાં આવ્યા હતાં માનવ દેહમાં - ને માણસ બનવાનું રહી ગયું - અજ્ઞાત
ઘણીવાર અણગમતો અનુભવ પણ જીવનને મનગમતો અને મજબૂત વળાંક આપી દે છે ! વિખરાઈ જવાના બહાના તો ઘણા મળશે. આવો, આપણે જોડાય જવાની તકો શોધીએ ! જીવનને એવુ બનાવીએ કે જ્યાં હોઈએ ત્યાં બધા આપણને પ્રેમ કરે. જ્યાંથી આપણે ચાલ્યા જઈએ ત્યાં બધા યાદ કરે. જ્યાં પહોંચવાના હોઈએ ત્યાં ય બધા આપણી પ્રતિક્ષા કરે !
આપણા જીવનમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનું આપણા તરફનું ઋણાનુબંધ પૂરું થાય એટલે તે વ્યક્તિને એક યા બીજી રીતે ભગવાન આપણાંથી દૂર કરે છે. આપણી સાથે કોઈપણ રીતે જોડાયેલા વ્યક્તિને આપણાંથી કોઈ દુઃખ ન લાગે તેવી કાળજી લઈએ. ખબર નથી કે તે ક્યારે આપણાથી અલગ થઈ જશે. કોઈપણ કાર્ય કરવા કે કોઈની સાથે વાત કરવા આવતીકાલની રાહ ન જોવી. કાલ કદાચ ક્યારેય નહીં આવે એવું મારુ માનવું છે.
"આજે હવે જીવને શીવ થવું છે !"
ફાટી ગયેલા દૂધને ખીર થવું છે.
કાદવના પાણીને નીર થવું છે.
મળે જો નસીબદારનો હાથ તો,
ભૂંસાયેલી રેખાને લકીર થવું છે.
વંટોળિયાની જેમ ફરી રહ્યું છે મન,
બેસીને શીંગડા પર સ્થિર થવું છે.
ખુદની ગતિ ને નિશાન ભૂલી ગયું,
એવા તણખલાંને ય તીર થવું છે.
ધર્મસ્થાને પૂજાયો એ કાળનો પાણો,
એ જોઈ ધૂળના ઢેફાને પીર થવું છે.
ભલે તમે જગમાં જોયું સઘળું,
ધ્વનિ તરસ્યા કાનને બધીર થવું છે.
આ નડે, તે નડે, નવી પનોતી નડે છે,
જોનાર જ્યોતિષને તકદીર થવું છે !
ગમે તેવુ દુઃખ પડે ત્યારે અંદરથી તૂટી જશો તો ચાલશે, પણ બહારથી તો ટકોરાબંધ વ્યક્તિત્વ જ રાખજો, તૂટેલી ભગવાનની મૂર્તિ પણ લોકો ઘરમાં નથી રાખતા તો આપણી શું હેસિયત છે !! હસી શકો તો જિંદગીમાં સદાયે ખડખડાટ હસી લેજો. (કોઈની સામે નહીં પણ એકાંતમાં, ખુલ્લેથી રડી લેજો). સ્વીકારી જીવનને - ઈશ્વર તણી અમૂલ્ય ભેટ માનીને, જીવાય એટલું જીવન, બસ મોજથી જીવી લેજો !
મહામારીના ખપ્પરમાં ફસાયેલા અસરગ્રસ્તો અને તેમના સ્વજનોએ ક્યારેય વિચાર્યુ છે ખરું કે : સ્ટ્રેચરમાં સુવડાવીને લઇ જનાર રામ હતો કે રહીમ ? ઈન્જેકશન આપનાર નર્સ મીના હતી કે મુમતાઝ ? જમવાનું આપનાર વોર્ડબોય પાર્થ હતો કે પરવેઝ ? ટ્રીટમેન્ટ આપનાર ડોકટર સોહમ હતો કે સોહિલ ? પ્લાઝમા/બ્લડ આપનાર સુનિલ હતો કે મોનીલ ? જો હોસ્પિટલાઈઝડ સમયે આ સવાલ મનમાં ઉદ્દભવતો ન્હોતો તો હવે શાંતિ ડહોળાવનાર પ્યાદાઓની શતરંજ ચાલમાં ન ફસાતા. કહેનારે તો ત્યાં સુધી વેધક રીતે આગળ કહ્યું છે કે, મહોલ્લામાં મોહન રાશનની કીટ વહેંચી રહયો છે ને સ્મશાનમાં ઈમરાન આખરી સલામ આપી રહ્યો છે. કોઈપણ જ્ઞાતિ હોઈ કે ધર્મ, ઉપજાવેલા બધા ભેદભાવ ભૂલીને વિશ્વની એકતા તૂટે તેવા અપકાર્યમાં સહકાર ન આપીને જગતને એક તાંતણે બાંધી રાખવામાં મહત્તમ સહયોગ આપીએ તેવી આજીજી પૂર્વકની નમ્ર વિનંતી છે.
માણસની માણસાઈ, ખમીરની ખુદ્દારી, દિલની દ્રઢતા, સરળ સાહજિક્તા, સ્નેહનો સમંદર, પ્રેમની પરોણાગત જેવા અાંતરીક સદ્દગુણોથી સજ્જતા કેળવીશુ તો આપણો જ અાત્મા મહાત્મા બની પરમાત્માની પ્રાપ્તિ જરુર કરાવશે. સર્વમંગલ તેમજ સંસારના સુસ્વાસ્થ્યની આરાધના, સાધના. નિલેશ ધોળકીયા
Post a Comment