આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગામય બનતો ઝરપરા ગામ

ચારણ જ્ઞાતિની બહોળી વસ્તી ધરાવતું ઝરપરા ગામ દેશ ભક્તિના રંગે રંગાયું

વીર શહીદ માણસી ગઢવીની પ્રતિમાને સૈનિકો અને ગ્રામજનો દ્વારા અપાઇ શ્રદ્ધાંજલિ

ભારત માતાની આરતી અને મશાલ રેલી દ્વારા યુવાનોએ દેશપ્રેમ દર્શાવ્યો

ઝરપરાવાસીઓ તિરંગા યાત્રાની સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં બન્યા સહભાગી

ઝરપરા, તા.17: આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના બળવત્તર બને તથા આપણા દેશ અને રાષ્ટ્રધ્વજ એવા તિરંગા પ્રત્યે ગર્વની ભાવના જાગે તે માટે ત્રિ-દિવસીય હર ઘર તિરંગા અભિયાનને ઝરપરા ગામના નાગરિકો તરફથી અભૂતપૂર્વ જનપ્રતિસાદ સાંપડયો હતો. ઝરપરાવાસીઓ તિરંગા યાત્રાની સાથે પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી આ અભિયાનમાં સહભાગી બન્યા હતા. ઝરપરાવાસીઓએ તિરંગાને પૂરા સન્માન સાથે તેમના ઘરે, વ્યવસાયના સ્થળે, ધર્મસ્થાનકો ઉપર તેમજ તેમના વાહન ઉપર તિરંગાને યોગ્ય સ્થાન આપી રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજ પ્રત્યેને તેમની ભાવનાને પ્રદર્શિત કરી હતી.

દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક સ્થળ પર તિરંગો ફરકાવવા દેશના નાગરીકોને અપીલ કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે

ત્યારે મુન્દ્રા તાલુકાના ચારણ જ્ઞાતિની બહોળી વસ્તી ધરાવતા ઝરપરા ગામે સરપંચશ્રી ખીમજીભાઈ દનીચાની આગેવાની હેઠળ ત્રિ-દિવસીય મહોત્સવ અંતર્ગત તટરક્ષક દળના કમાન્ડરશ્રી પાંડે તથા યુનિટના જવાનો દ્વારા બાઇક પર ભવ્ય તિરંગા રેલી, ઘરે ઘરે તિરંગાનું વિતરણ, સાંજે મશાલ રેલી, ગામના શહિદ માણશી ગઢવીની પ્રતિમાને જવાનો અને ગ્રામજનો દ્વારા શ્રદ્ધાંજલિ, સેનામાં કાર્યરત તથા રિટાયર ગામના જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન, ભારત માતાની આરતી, દેશ પ્રેમ અને આઝાદીને લગતા વક્તવ્ય તથા 76માં સ્વતંત્ર દિને સરકારી હાઈસ્કૂલમાં ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સમગ્ર ઉજવણીમાં જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ સાંખરા, ચારણ સમાજના તાલુકા પ્રમુખ ડોસાભાઈ બાતીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન રાણબાઈ વિશ્રામ ભરાડીયા, તાલુકા પંચાયત સભ્ય આશારીયા લાખા ગેલવા, ખેતા આશપન, આશપન કરમણ, સવા હભુ બતિયા, પાલુ ભીમશી તથા મુન્દ્રાના તાલુકા વિકાસ અધિકારી અનીલ ત્રિવેદી, તલાટી રાજલબેન રત્નું, હાઈસ્કુલના આચાર્ય મેઘરાજ ટાપરીયા, ચારણી સાહિત્યકાર આશાનંદ ગઢવી, વિદ્યાભારતી શાળાના કામઈ દીદી, રાજલબેન જસાણી, ભીમશી ગઢવી તથા બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી ભાઈઓ, બહેનો, ગામના યુવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, સેનાના જવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ સહભાગી બન્યા હતા.

સમગ્ર કાયયક્રમને સફળ બનાવા ખીમજીભાઇ દનીચા, રાજેશ દનીચા, જીવરાજ મીઢાંણી, વીરબાઈ ગઢવી, ભારત સેડા અને ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાયયક્રમનું સંચાલન પંચાયતના સદસ્ય માણશી આશપન સાંખરા દ્વારા કરવામાં આવેલ હતું.

Leave a Reply

Your email address will not be published.

error: