( ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના મોટાભાગના પગથિયાં પાણીમાં )

” સરદાર સરોવર અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાનાં કાંઠાના ગામોને સાવચેત કરાયાં “

ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નર્મદા નદી ઉપરનાં સરદાર સરોવર ડેમમાંથી ગઈકાલથી અત્યાર સુધી તબક્કાવાર ૭.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને કારણે નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા પરિવારોને સાવચેત કરવામાં આવ્યા છે. ત્યારે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતે આવેલ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના ૧૦૮ પગથિયાં પૈકીના હવે માત્ર ૧૩ પગથિયાં બાકી રહ્યા છે. જો પાણી છોડવાનો આ પ્રવાહ ચાલું રહેશે તો આવનારા કલાકોમાં ચાંદોદ ગામમાં પાણી પ્રવેશ કરશે, જેને પગલે વહીવટી તંત્ર સજજ બન્યું છે અને કલેકટર કચેરી દ્વારા પણ ગ્રામવાસીઓ અને યાત્રાળુઓને સાવચેત કરાયાં છે. નર્મદા નદીમાં નાવડી ચલાવતા નાવિકો પણ નર્મદા નદીના પૂરના કારણે સાવચેત થઈ હોડી ચલાવી રહ્યા છે.

બીજી તરફ દેવ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકાના ૧૯ જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તમામ તલાટી કમ મંત્રીઓને પોતાની ફરજના ગામમાં જ હાજર રહેવા માટે નાયબ કલેક્ટર દ્વારા
આદેશ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાને લઈને તે વિસ્તારમાં રહેતા પરિવારોની વહારે આવીને તમામ પરિસ્થિતિનો સામનો કરવાની આગોતરી તૈયારી તંત્ર દ્રારા કરવામાં આવી છે – રિપોર્ટ – નિમેષ સોની, ડભોઈ

Leave a Reply

Your email address will not be published.

error: