કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ કુનરિયા અને થોરીયારીના પ્રતિનિધિની શુભેચ્છા મુલાકાત લીધી

બાલિકા પંચાયત અને પુનઃ કિશોરી અભ્યાસ અન્વયે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા અને કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. સાથે ચર્ચા કરવામાં આવી

ભુજ, મંગળવારઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૨૦૨૨ નિમિત્તે કચ્છ ધોરડો ખાતે યોજાયેલા મહિલા સંત સંમેલનમાં પધારેલા કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ બાલિકા પંચાયતની પહેલ કરનાર કચ્છના કુનરિયા ગામની બાલિકા પંચાયતની સરપંચશ્રી ભારતીબેન ગરવા અને સભ્ય આનંદીબેન છાંગા સાથે શુભેચ્છા મુલાકાત લઇ આ વાત સૌ સમક્ષ મુકવા જણાવ્યું હતું

રાપર તાલુકાના થોરીયારી ગામના આંગણવાડી કાર્યકર મિનાક્ષીબેન વાઘેલા સાથે કિશોરીજુથ કામગીરી અન્વયે ધોરણ ૮ બાદ પુનઃઅભ્યાસ કરવા ઈચ્છતી દિકરીઓની વાહન વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી. આ તકે કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની સાથે કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજયમંત્રીશ્રી ડો.ભારતી પ્રવિણ પવાર પણ જોડાયા હતા. તેમણે પણ આનંદી છાંગા અને મિનાક્ષીબેન વાઘેલા સાથે વાતચીત કરી હતી.

કેન્દ્રિય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીએ સાંસદશ્રી અને કલેકટરશ્રીને રાપર તાલુકામાં અભ્યાસ અર્થે વાહન વ્યવહાર બાબતે ચર્ચા કરી હતી. સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સાંસદ ગ્રાંન્ટ તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.એ DMF ની ગ્રાન્ટમાંથી શાળા વાહન વ્યવસ્થા બાબતે અમલીકરણ બાબતે જણાવ્યું હતું. સ્કુલ ટ્રાન્સપોર્ટેશનના પગલે પુનઃ અભ્યાસ માટે યુનિસેફને ડેમો રજુઆતની પણ ચર્ચા કરાઇ હતી.

આ તકે બંને મંત્રીશ્રીઓએ કુનરિયા ગામે ૭૦ હજાર વૃક્ષો ઉછેરવાનો અને બાલિકા પંચાયતના વિચારનો ભાગ બનનાર કુનરિયાના પૂર્વ સરપંચશ્રી સુરેશભાઇ છાંગાને પણ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા તેમજ વાગડ વિસ્તારમાં મહિલા અને બાળકોના વિકાસ માટે કામ કરતી “ઈશાર” સંસ્થાના સેજલબેન જોશીને મળ્યા હતા અને તેમને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાતમાં અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ અને શ્રી મહેન્દ્ર પટેલ, મહિલા અગ્રણીઓ, જિલ્લા વહીવટી તંત્રના સર્વશ્રી ભુજ પ્રાંતશ્રી અતિરાગ ચપલોત ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – મહેશ રાજગોર