તક્ષશિલા સંકુલ દ્વારા કલામ રથ ના નામે હરતી ફરતી પ્રયોગશાળા ગામડે ગામડે વિજ્ઞાન ગણિતના પ્રયોગો બતાવશે

મોરેશિયસ દેશથી પધારેલ આંતરરાષ્ટ્રીય ગણિતશાસ્ત્રી દ્વારા કલામ રથને લીલી ઝંડી અપાઈ પ્રથમ દિવસે ડી વી પરખાણી શાળા, મયુરનગર શાળા અને વેગડવાવ શાળાના ૧૦૨૩ વિદ્યાર્થીઓએ કલામ રથના સાધનોથી જાતે પ્રયોગો કર્યા રાજસ્થાનથી આવેલા ગેપાલા સર, રામાનુજન મેથ્સ ક્લબના ચંદ્રમૌલિ જોષી સરનુ ઘોડા પર બેસાડી ડીજેની ધૂનમાં સ્વાગત કરાયું. કાર્યક્રમને અંતે મોરેશિયસ અને ભારત બન્ને દેશના રાષ્ટ્રગીત વગાડી શૈક્ષણિક આપલે કરવાના કોલ અપાયા. 

તક્ષશિલા સંકુલના ૪૬ વિદ્યાર્થીઓએ ગાણિતિક કોયડાઓ, મોડેલ, ચાર્ટ, વૈજ્ઞાનિકોના ફોટાઓ બતાવી બાળ કલામ બનવા તરફ ગતિ કરી. ૧૦૩ જેટલા ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોના ફોટાઓ અને ૧૩૩૩ જેટલા ચાર્ટ હર ઘર કલામ યોજનાના ભાગરુપે તક્ષશિલા સંકુલમાં ચાલતા કલામ સાયન્સ સેન્ટરને ચંદ્રમૌલિ જોષી દ્વારા ભેટ સ્વરૂપે અપાયા. હવે પછી તક્ષશિલા સ્કુલ દ્વારા અનુક્રમે હળવદ તાલુકા, મોરબી જિલ્લાના અન્ય તાલુકાઓમા અને પછી સમગ્ર ગુજરાતમાં આ કલામ રથ ( હરતી ફરતી પ્રયોગશાળા ) ફેરવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવામાં આવશે. 

તક્ષશિલા સ્કુલના આ કન્સેપ્ટમાથી પ્રેરણા લઈ સૌપ્રથમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ અને પછી ભારતના તમામ રાજ્યોમાં આવી હરતી ફરતી પ્રયોગશાળા ઉભી થાય તે માટેના પ્રયાસો કરાશે હળવદની ડી વી પરખાણી શાળાના શિક્ષક અશોકભાઈ લખતરિયાએ સૌ મહેમાનોને લાકડા, વાયર, ખીલીઓ, પ્લાસ્ટિક વગેરેમાથી જાતે બનાવેલ પઝલની કિટ આપી અનોખી રીતે સ્વાગત કર્યું હતું. વેગડવાવ અને મયુરનગર ગામની શાળામાં ગુજરાતી પરંપરા મુજબ સામૈયા કરી ઢોલ વગાડી વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞોને આવકાર આપ્યો હતો.

અગાઉ આઝાદીના અમૃતમહોત્સવ પ્રસંગે રમન સાયન્સ ફાઉન્ડેશન  દ્વારા ભારતના પચ્ચીસ રાજ્યોમાં તેર હજાર ત્રણસો અઠાણુ જેટલા વિદ્યાર્થીઓને બતાવવામાં આવેલ રામાનુજન્ ગણિત યાત્રા દ્વારા ઓલ ઈન્ડિયા રેકોર્ડ સ્થાપિત થતા સંચાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ ડાયાભાઈ ગરધરિયા, ટ્રસ્ટી રમેશભાઈ કૈલા, રોહિતભાઈ સિણોજીયા હાજર રહ્યા હતા. જ્યારે વિપુલ રાઠોડ, સંદિપ કૈલા, કૃણાલ પટેલ વગેરેએ સમગ્ર કાર્યક્રમનો રોડમેપ તૈયાર કર્યો હતો – રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: