સુરતનાં યંગસ્ટર્સમાં શિવરાત્રીનીઉજવણી-ઉપવાસનો ક્રેઝ વધ્યો

શ્રાવણ માસ હોય કે શિવરાત્રી જેવા મોટા તહેવારો આ દિવસોમા ઉપવાસ રાખતાં યંગસ્ટર્સનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ ઉપવાસ કરે છે પરંતુ વડીલો જેવા ઉપવાસ નહીં ચટાકેદાર ખાઈને ઉપવાસ કરે છે. જેના કારણે સુરતનાં ખાણી પીણીના બજારમાં મોટા તહેવારનાં ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓનાં રસથાળનું ચલણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં શિવરાત્રીનો તહેવાર આવતો કેટલીક ફરસાણની દુકાનોમાં તો ફરાળી થાળી પણ પીરસવામાં આવી રહી છે.

પહેલાના સમયમાં લોકો ઉપવાસ કરતાં ત્યારે નકરોડા કે એક ટાઈમ ખાઈને ઉપવાસ કરતાં અને તેમાં માત્ર પાણી જ પીતા હતા. પરંતુ હાલનાં ફાસ્ટ યુગમા આવા ઉપવાસનું પ્રમાણ ઘટ્યું છે. હજી પણ કેટલાક જુના લોકો આવાં ઉપવાસ કરે છે. જોકે, છેલ્લાં કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ધાર્મિકતાનું પ્રમાણ વધવાં સાથે તેઓ પણ શ્રાવણ માસ સાથે હિન્દુઓના મોટા તહેવારના ઉપવાસ કરી રહ્યાં છે. પરંતુ આ ઉપવાસમાં તેઓ જીભનાં ચટાકાને દુર રાખી શકતા નથી. જેના કારણે સુરતનાં ફરાળી વાનગીનું વેચાણ કરતાં વેપારીઓને તડાકો થઈ રહ્યો છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે વેપારીઓ નવી નવી ફરાળી વાનગીઓનું વેચાણ કરતાં થઈ ગયાં છે.

સુરતનાં ચૌટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતા રિધ્ધિશ ઠાકર કહે છે, પહેલાં ફરાળી વાનગી ઘણી જ ઓછી બનતી હતી પરંતુ ગ્રાહકોની ડિમાન્ડનાં કારણે હાલમાં અમે ફરાળી ઉંધીયું બનાવ્યું છે. તેની સાથે સાથે ફરાળી ચાટ ( રતાળુ, બટાકા અને સક્કરીય)ની પણ બનાવીએ છીએ.આ ઉપરાંત ફરાળી પાત્રા, રતાળુ કટલેસ, રથાળુની વેફર અને ફરાળી મુઠીયા પણ બનાવીએ છીએ. આ સાથે રૃટીન ફરાળી પેટીસ અને ચેવડો તો ખરા જ પરંતુ તેનું ચલણ ઓછું થઈ રહ્યું છે.

વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવતાં દેવાંગ પટેલ કહે છે, યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે પરંતુ તેઓ ફાસ્ટ ફુડથી ટેવાયેલા હોય આ દિવસોમાં પણ આવા ટેસ્ટની વાનગી મળે તેવું ઈચ્છે છે તેનાં કારણે અમે ફરાળી વાનગી માં અનેક નવી વેરાઈટી બનાવી છે. અમારે ત્યાં ફરાળી વાનગી માં દહીં પેટીસ, આલુ સીંગ ટીક્કી, કાજુ વડા, કાજુ કટલેસ જેવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત