સુરત માં APMC ની આજે જનરલ બોર્ડ શાસકોની આપ ખુદી સામે ડિરેક્ટર્સની અગ્નિ પરીક્ષા

સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખાયકી ચારેતરફ દુર્ગંધ ફેલાવી રહી છે.ગાળાની પુનઃ ફાળવણી હોય કે કેન્ટીન અથવા પાર્કિગ સહિતના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં બારોબાર થઇ રહેલા ખેલનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. મળતિયાઓની ભાગબટાઇ તો કેટલાક ડિરેક્ટરોને ભોટ બનાવી વર્ષોથી કરાતી કાળી કમાણીને મુદ્દે સભ્યોમાં ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. એપીએમસી પ્રમુખ રમણ જાનીએ વીતેલા સાત વર્ષમાં વસાવેલી કરોડો રૂપિયાની મિલકતનો કાચો ચિઠ્ઠો જાણી ડિરેક્ટરોનાં ભાવ ઊંચા થઇ ગયા છે, તો કેટલાક ડિરેક્ટરો સમસમી ઊઠયાં છે. મોટાભાગનાં ડિરેક્ટરોને મહોરું બનાવી કરોડો રૂપિયાની ખાયકીનાં ચાલી રહેલા ગોરખધંધા વચ્ચે 7મી માર્ચને સોમવારે એપીએમસીની જનરલ બોર્ડની બેઠક મળી રહી છે. ડિરેક્ટરો વચ્ચે છવાયેલા ઘૂંઘવાટ વચ્ચે મળનારી આ બેઠકમાં કથિત ભ્રષ્ટાચારને મુદ્દે ડિરેક્ટર્સની અગ્નિ પરિક્ષા થશે. શાસકોના આતંક સામે સંચાલક મંડળના ડિરેક્ટર તડાફડી કરશે કે શાસકો સામે શરણાગતિ સ્વીકારી લેશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.એપીએમસી કેમ્પસમાં પગ મૂકતા જ પાર્કિગ હોય કે સામાન્ય પાણીની બોટલના નામે પણ ખેડૂતો, વેપારીઓ અને દલાલોથી માંડીને સામાન્ય મજૂરી કરી પેટિયું રડતા શ્રામિકો પાસેથી ખુલ્લેઆમ રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે. જેને લઇ સૌકોઇ પ્રમુખ સ્થાનથી થઇ રહેલા કથળેલા કારભારથી ત્રાહિમામ પોકારી ઊછયા છે. ડગલે ને પગલે કથિતપણે તમામના ખિસ્સા ખંખેરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ વ્યાજંકવાદીઓ સામે લગામ કસવામાં પ્રમુખ ધૃતરાષ્ટ્ર બની ચુપચાપ તમાશો જોઇ રહ્યાં છે. સહકારી ક્ષેત્રના આગેવાનો પણ એપીએમસીમાં ચાલી રહેલા ગોરખધંધા કહો કો ગેરકાયદે ઉઘરાણાં અંગેની હકીકત જાણી શરમ અનુભવી રહ્યા છે. ત્યારે એપીએમસીને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાનો સમય હવે પાકી ગયો હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. આ હકીકત વચ્ચે 7મીને સોમવારે મળનારી બેઠકમાં પ્રમુખ રમણ જાનીને અણિયારા પ્રશ્નો કરી જવાબ માંગવાનો મૂડ બનાવી ચૂક્યા છે. જેને પગલે બોર્ડની બેઠકમાં તડાફડી થવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.


સહકારી આગેવાનોમાં ચાલી રહેલી ચર્ચા જો સાચી માનવામાં આવે તો ભૂતકાળમાં પણ પ્રમુખ રમણ જાનીનો કથિત ભ્રષ્ટાચાર છાપરે ચઢયો હતો. ભીંસમાં આવે ત્યારે શાહમૃગ બની જતા પ્રમુખ લાગણીસભર વાતો કરી ડિરેક્ટરોને પોતાની તરફ ખેંચવા લાપસી પિરસતા હતા, આ તેમની મોડસ ઓપરેન્ડી હોવાનું જગજાહેર છે. ઉપસ્થિત થયેલા મુદ્દા ઉપર વાત કરવાને બદલે એપીએમસીનો ઈતિહાસ વર્ણવી ડિરેક્ટરો સમક્ષ પોતે આપેલા બલિદાનની સુફિયાણી વાતો કરવામાં આવે છે. આ પ્રકારની વાતોથી જનરલ બોર્ડમાં સમય પસાર કરી અત્યાર સુધી પોતાનું ધાર્યુ કરાવવામાં સફળ નીવડયા છે. આ પ્રકારની યુક્તિ સોમવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ફરી તેઓ અપનાવશે તે પ્રકારનું ચિત્ર રવિવારે રાતથી જ ઉપસી રહ્યું છે. એપીએમસીમાં આવેલા મંદિરની સાલગીરી નિમિત્તે રવિવારે સાંજે ડિરેક્ટરોને ભેગા કરી રમણ જાનીએ ખિચડી ખવડાવી હોવાનું જાણવા મળ્યું છે. ખિચડીના નામે ભેગા કરાયેલા ડિરેક્ટરો સોમવારની બેઠકમાં કોઇ ‘નવી ખિચડી’ નહીં પકાવે તે અંગે સૌને છૂટાછવાયા મળી પેંતરાબાજી રચવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.એપીએમસીમાં પ્રમુખને પ્રસાદ ધરાવનાર જ વેપાર કરી શકે છે. આ માટે પ્રમુખે ગોળાદીઠ પોતાના ખાસ માણસોને ગોઠવી દીધા છે. દરમિયાન રવિવારે પ્રમુખને પ્રસાદ નહીં ચઢાવનારા ગરીબોનું શાકભાજી ઇન્સ્પેક્ટરે જપ્ત કરી દીધું હતું. જોહુકમી કહો કે હિટલરશાહી પરંતુ રોજિંદા કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા આ ગરીબોનું અનાજ સિક્યુરિટી ગાર્ડ મારફતે જપ્ત કરી ઇન્સ્પેક્ટર સાહેબેપોતાનીઇન્સ્પેક્ટરગીરીનો રોફ દેખાડયો હતો. રીંગણ, ફ્લાવર, ચીભડા, કેપ્સિકમ મરચાં સહિતનું શાકભાજી જપ્ત કરી લેવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: