નવસારી એલસીબી પોલીસે મહુવા પોલીસની મદદથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વેલણપુર ગામની સીમમાં નહેરના પુલ નજીકથી મહુવા પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. નવસારી એલસીબી પોલીસે જોગવાડ ગામની સીમમાં કાર ચાલકને અટકાવવાની કોશિશ કરતાં તે ભાગી છૂટ્યો હતો. જેથી એલસીબી પોલીસે કારચાલકનો પીછો કરી મહુવા પોલીસને જાણ કરી હતી.પરંતુ કાર ચાલકે વેલણપુર નજીક સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રેલિંગ સાથે ભટકાઈ હતી. મહુવા પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૪.૩૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ મહુવા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન નવસારી એલસીબી પોલીસની ટીમે જાણ કરી હતી કે જોગવાડ ગામ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર જીજે- ૦૫ – જે ઇ – ૨૨૦૮ આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ કારનો ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. અને આ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોય અને તે આ વિદેશી દારૂનો જથ્થો રાનકુવાથી કાંકરીયા પુલ થઈ વવેલણપુર થઈ સુરત તરફ જનાર છે. અને નવસારી એલસીબી પોલીસની ટીમે તેનો પીછો કરતાં કાર ચાલક મહુવાના વેલણપુર તરફ આવી રહયો છે. જે હકીકતના આધારે મહુવા પોલીસ સ્ટાફના માણસોએ વેલણપુર ગામની સીમમાં નહેર ફળિયામાં કાકરાપાર ડાબા કાંઠા નહેરના પુલ પર નાકાબાંધી ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા ચાલકે નાકાબંધી જોઈ કાર પુલની રેલિંગ સાથે અથડાવી દીધી હતી. અને ચાલક કારમાંથી ઉતરી ભાગવા લાગ્યો હતો. પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો અને કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બીયરના ટીન નંગ ૬૦૫ કિંમત રૂ. ૧.૨૬ લાખનો જથ્થો મળી આવ્યો હતો. અને ચાલકની પૂછતાછ દરમ્યાન પોતાનું નામ ઉમેશભાઈ વિમલભાઈ મિશ્રા (રહે, સારવણી ગામતળ ફળિયું, તા-ચીખલી)નો હોવાનું જણાવ્યુ હતું. અને આ વિદેશી દારૂનો જથ્થો કૃણાલ વિનોદ પટેલ (રહે, કોચરવા, તા-વાપી) એ ભરાવ્યો હતો અને સંજય ઉર્ફે પિન્ટુ રામકૃપાલ પટેલ (રહે, ઇન્દ્રનગર અલથાણ, સુરત શહેર) નાએ મંગાવ્યો હતો. મહુવા પોલીસે આ બંને વ્યક્તિને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીપોટર – સુનિલ – ગાંજાવાલા ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: