ઓપરેશન અમાનતઃ રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે મુસાફરોના ટ્રેનમાં ભુલાયેલા કિંમતી સામાન પરત કર્યા

રાજકોટ ડિવિઝનના સમર્પિત કર્મચારીઓ તેમના આદરણીય ગ્રાહકોને સુખદ અને સલામત મુસાફરીનો અનુભવ આપવા માટે હંમેશા તત્પર હોય છે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્યા મુજબ 09 માર્ચ, 2022ના રોજ, ડો. નીલિમા રાવ નામની મહિલા મુસાફરે આરપીએફ દ્વારકા ના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શ્રી હરેન્દ્ર કુમારને જણાવ્યું કે તે અમદાવાદથી દ્વારકા ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસમાં બી-1 તે કોચમાં સીટ નંબર 59 પર મુસાફરી કરી રહી હતી અને નીચે ઉતરતી વખતે તેની બેગ ટ્રેનમાં જ ભુલાઈ ગઈ હતી. આરપીએફ સ્ટાફે તાત્કાલિક ઓખા આઉટ પોસ્ટ પર આની જાણ કરી જ્યાં શ્રી વિજેન્દ્ર બગડિયા, હેડ કોન્સ્ટેબલ ઓખા ટ્રેનમાં ગયા અને આ બેગ મેળવી લીધી. મહિલા મુસાફરના ઓખા સ્ટેશન આવ્યા બાદ માહિતીની સંપૂર્ણ ચકાસણી કરી ને, બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 62000/- જેમાં રૂ. 7530/- રોકડ, એપલ કંપનીનો મોબાઈલ કિંમત રૂ. 50,000/-, ગોગલ્સ કિંમત રૂ. 4000/- અને અન્ય લેડીઝ સમાન હતો, તે પેસેન્જરને પરત કરવામાં આવ્યા હતા.
આવી જ બીજી એક ઘટનામાં, 6 માર્ચ, 2022ના રોજ, આકાશ તિવારી નામના મુસાફરે દ્વારકા ના આરપીએફના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર શ્રી હરેન્દ્ર કુમારને જણાવ્યું કે તે સોમનાથ થી દ્વારકા ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસના HA-1 કોચની સીટ નંબર 25 અને 27 પર મુસાફરી કરી રહ્યો હતો અને નીચે ઉતરતી વખતે તેની પત્નીની બેગ ટ્રેનમાં જ ભૂલી ગઈ હતી. ઓખા આઉટ પોસ્ટ પર આ માહિતી આપતાં જ આરપીએફના હેડ કોન્સ્ટેબલ શ્રી વિજેન્દ્ર બગડિયા ટ્રેનમાં ગયા હતા અને તેમને આ બેગ મળી હતી. મુસાફરના ઓખા સ્ટેશન પર આવ્યા બાદ, માહિતીની સંપૂર્ણ ચકાસણી કરીને બેગ અને તેનો તમામ સામાન જેની કિંમત આશરે રૂ. 39,000/- હતી જેમાં વન પ્લસ કંપનીના મોબાઈલ, ગોગલ્સ અને લેડીઝ કટલરીનો સમાવેશ થાય છે, તે પેસેન્જરને પરત કરવામાં આવ્યા હતા..
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 68 મુસાફરોની ટ્રેન અને સ્ટેશન પર ભુલાએલી આશરે રૂ. 11.31 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.