રાજકોટ ડિવિજનના TTE ની સતર્કતા ના કારણે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરતી મહિલા ચોર ઝડપાઈ

૧.૭૫ લાખ રૂ ની કિંમતનો સામાન પેસેન્જરને પરત આપવામાં આવ્યું રાજકોટ રેલવે ડીવીઝનના ટીકીટ ચેકીંગ સ્ટાફ શ્રી નિરંજન પંડ્યાની સતર્કતા અને સૂઝબૂઝ ના લીધે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરનાર મહિલા ચોર ને RPF સ્ટાફની મદદથી પકડવા માં આવી છે.
વધુ વિગતો આપતા, રાજકોટ ડિવિજનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું હતું કે ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ રાત્રે ૦૧:૧૫ વાગ્યે, રાજકોટ ડિવિજનના ટીટીઈ શ્રી નિરંજન પંડ્યા ડ્યુટી પર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેણે જોયું કે ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ૩ પર ઉભી હતી અને એક મહિલા અચાનક દોડીને ટ્રેનના એસી કોચ B-1માં પ્રવેશી હતી. થોડા સમય પછી જ્યારે ટ્રેન દોડવા લાગી ત્યારે તેજ મહિલાએ બેગ લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી. ટીટીઈ શ્રી પંડ્યાએ વિચાર્યું કે ટ્રેન માં ચડતી વખતે મહિલા પાસે કોઈ બેગ હતી નહિઁ અને નીચે ઉતરતી વખતે તેના પાસે બેગ હતી, તેથી તેણે આ મહિલાની શંકાના આધારે રોકી હતી. ત્યારબાદ એસી કોચમાંથી બે મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે મહિલા તેની બેગ લઈને ભાગી ગઈ છે. ટીટીઈ શ્રી પંડ્યાએ તરત જ મહિલા પાસેથી બેગ લઈને તે પેસેન્જરને ચાલુ ટ્રેનમાં પાછી આપી અને પછી મહિલાને ટિકિટ બતાવવા કહ્યું. મહિલા પાસે ટિકિટ ન હતી અને તે યોગ્ય રીતે જવાબ આપી શકતી ન હતી. ત્યારબાદ TTE શ્રી પંડ્યાએ જોયું કે સ્ટેશન પર બેન્ચની પાછળ આ મહિલાએ બીજી એક બેગ પણ છુપાવી હતી. ટીટીઈએ આ ઘટના અંગે તાત્કાલિક આરપીએફ સ્ટાફ અને કંટ્રોલ ને જાણ કરી અને ફરજ પરના આરપીએફ સ્ટાફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સીતારામ મગાવા અને કોન્સ્ટેબલ હરેશ સોંડલાને મહીંલા ને સોંપી અને તેઓ ફરજ પર ગયા.
આરપીએફ દ્વારા મહિલાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેણી સંતોષકારક જવાબ આપી શકી ન હતી અને અંતે સ્વેચ્છાએ કબૂલાત કરી હતી કે તેણીએ રાત્રે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી સામાનની ચોરી કરી હતી. આ પછી સમીમબાનો સફિયોદીન દાઉદ મોમીન (ઉંમર ૩૬ વર્ષ) નામની આ મહિલા જે જલગાંવ જિલ્લામાં સ્થિત પટોલા ગામની રહેવાસી છે, તેને જીઆરપીને સોંપવામાં આવી હતી અને તેના પર આઈપીસીની કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. થોડા સમય પછી, શ્રી કિશોર ભાઈ ટંડેલે, જેઓ તેમના પરિવાર સાથે વલસાડથી પોરબંદર ટ્રેન નંબર ૧૯૦૧૫ મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એસ-૭ કોચમાં સીટ નંબર ૫૦, ૫૧, ૫૩ અને ૫૪ પર મુસાફરી કરી રહ્યા હતા, તેમણે ટીટીઈને જણાવ્યું કે તેમની પાસે જાંબલી રંગની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ છે. તે કોસંબાનો રહેવાસી છે, જે વ્યવસાયે માછીમાર છે અને તેના સંબંધીના લગ્નમાં પોરબંદર જઈ રહ્યો હતો. ટીટીઇ દ્વારા આરપીએફ કંટ્રોલ રાજકોટને જાણ કરવામાં આવી હતી જ્યાંથી જાણવા મળ્યું હતું કે રાજકોટ સ્ટેશન પર મહિલા ચોર પાસેથી મળેલી બેગ એ જ છે. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, ટ્રોલી બેગ અને તેનો તમામ સામાન, જેની કિંમત લગભગ આશરે ૧.૭૫ લાખ રૂપિયા હતી, તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. આ ટ્રૉલી બેગ માં સોનાનું એક મંગળસૂત્ર, રૂ. ૧૧૫૦૦/- રોકડા, એક લેડીઝ પર્સ, ઈમિટેશન જ્વેલરી, ઘડિયાળ અને કપડાં હતા. રાજકોટ ડિવિજન ના ડિવિજનલ રેલવે મેનેજર, શ્રી અનિલ કુમાર જૈન, સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ અને ડિવિજનલ સિક્યોરિટી કમિશનર શ્રી પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે. – અભિનવ જેફ, સિનિયર ડીસીએમ,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિજન. ૦૨૮૧૨૪૫૮૨૬૨