રાજકોટ જિલ્લા ના કોટડા સાંગાણી તાલુકા ના રામોદ ગામ ના વતની ઉપેન્દ્રભાઈ નાથાણી ને રાષ્ટ્રીય કક્ષાના ધરતી મિત્ર એવાર્ડ ૨૦૨૧ એનાયત

ગમે તેવી વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે અપાર નિષ્ઠા, ખૂબ જ જહેમત સાથે જો ધરતીપુત્રો પોતાના ફાર્મમાં પ્રાકૃતિક ખેતી અપનાવે તો કેવી સફળતા હાંસલ કરે અને રાષ્ટ્રીય કક્ષાએ તેને કેવું ગૌરવ પ્રાપ્ત થાય, તેની પ્રતીતિ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામના શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી અને તેમના પરિવારના સભ્યોએ  કરાવી છે.

વર્ષ ૨૦૦૮ થી પોતાના ૧૫ એકર ના ‘વ્રજ રાજ  ફાર્મ’ માં શ્રી રાજુભાઇ, શ્રી જયેશભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ પ્રાકૃતિક ખેતી કરીને જે સફળતાને વર્યા છે, તેના કારણે  પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત તરીકે રાષ્ટ્રીય કક્ષાએ ‘ધરતી મિત્ર એવોર્ડ ૨૦૨૧’ પ્રથમ ઇનામ વિજેતા જાહેર થઈ  રૂપિયા પાંચ લાખનો પુરસ્કાર પણ મળતા ગુજરાતના  પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રનું શ્રી ઉપેન્દ્રભાઈએ ગૌરવ વધાર્યું છે. ગત ૨૦મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના રોજ

મુંબઈ ખાતે ૨૦ મી ફેબ્રુઆરીના રોજ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ ૨૦૨૨ ના મૂળ ફંક્શનમાં’ ધરતી મિત્ર ઓર્ગેનિક ઇન્ડિયા’, નામની રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા દ્વારા  શ્રી ઉપેન્દ્રભાઈ ને પ્રાકૃતિક ખેતી કરતા ‘ધરતી મિત્ર’ તરીકે ના ફર્સ્ટ પ્રાઈઝ એવોર્ડ સાથે રૂપિયા પાંચ લાખનો પુરસ્કાર ચેક એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી લારા દત્તા કર્નલ પ્રસાદ જોશી સેનાપતિ અને અન્ય મહાનુભાવોના હસ્તે શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી ને ‘ ધરતી મિત્ર એવોર્ડ ૨૦૨૧’ નું પ્રમાણપત્ર અને રૂપિયા ૫,૦૦,૦૦૦ નો ચેક એનાયત કરી તેમનું સન્માન કરાયું હતું

શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી તેમના વ્રજરાજ ફાર્મ માં વર્ષ “૨૦૦૮થી સુભાષ પાલેકર નિર્દેશિત પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો ઉપરાંત બંસી ગીર ગાય ગૌશાળા , અમદાવાદના શ્રી ગોપાલભાઈ સુતરીયા ના પ્રાકૃતિક ખેતી ના કેટલાક સિદ્ધાંતોને અનુસરીને  પ્રાકૃતિક ખેતી કરતા આવ્યા છે. તેમાં મગફળી, કપાસ, ઘઉં, ચણા, જીરું, હળદર, મરચી, લીંબુ, જામફળ જેવી અનેક કૃષિ પેદાશો નું મબલખ ઉત્પાદન મેળવીને તેઓ અન્ય ધરતી પુત્રોને પણ પ્રેરણા આપી રહ્યા છે. 

પ્રાકૃતિક ખેતી અંતર્ગત તેઓ જીવામૃત,  અને બંસી ગીર ગાય ગૌશાળા અમદાવાદના શ્રી ગોપાલભાઈ સુતરીયા ના માર્ગદર્શન હેઠળ ગૌ કૃપા અમૃતમ નો પણ ઉપયોગ કરીને પ્રત્યેક કૃષિ પેદાશ માં મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ મબલખ ઉત્પાદન ઉપરાંત મગફળી માંથી કાચી ઘાણી ના સીંગતેલનુ મૂલ્યવર્ધન કરી તેનું વેચાણ પણ કરે છે, ઉપરાંત હળદર અને મરચી માંથી તેના મૂલ્યવર્ધન દ્વારા હળદર, મરચાંના પાવડર નું પણ ગ્રેડિંગ, પેકેજીંગ કરી તેનું બ્રાન્ડિંગ કરી આગવી વેચાણ વ્યવસ્થા તેઓ ધરાવે છે.

ઉત્તર પ્રદેશના લખનઉ અને દિલ્હી ખાતે કાર્યરત અને  પ્રાકૃતિક ખેતી કરતા અંદાજે પાંચ હજારથી પણ વધુ ખેડૂતો નો સંપર્ક ધરાવતી ઓર્ગેનિક ઇન્ડિયા સંસ્થા કે જે છેલ્લા ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહી છે, તે સંસ્થાએ શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી ને વર્ષ ૨૦૨૧ નો’ ધરતી મિત્ર એવોર્ડ’ એનાયત કરીને તેમનું સન્માન કર્યું છે . આ સંસ્થાએ વર્ષ ૨૦૧૭, ૧૮ અને ૧૯ માં પણ આ જ પ્રકારે અન્ય રાજ્યના ખેડૂતોને એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે પરંતુ ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ગુજરાતના કિસાનને આ સંસ્થા દ્વારા સૌપ્રથમવાર પુરસ્કૃત કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા ધરતીપુત્રોને એવોર્ડ વિજેતા જાહેર કરવા માટેની પ્રક્રિયા અંતર્ગત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે આઇ.સી.એ.આર. ના સભ્ય ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, અન્ય વૈજ્ઞાનિકો અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલી સંસ્થાના પ્રતિનિધિઓની જયુરી ની ટીમ બનાવાયેલી. કૃષિ નિષ્ણાતો અને કૃષિ વૈજ્ઞાનિકોની બનેલી નિષ્ણાત અને તજજ્ઞ ટીમ  દ્વારા સમગ્ર દેશમાંથી પ્રાકૃતિક ખેતી કરતા  ૧૨૫થી વધુ આવેદનની ચકાસણી કરાઈ હતી. માત્ર આવેદન પત્રોની ચકાસણી જ નહીં પરંતુ આવેદનપત્રમાં દર્શાવાયેલી વિગતો ને આ ટીમના સભ્યો દ્વારા online વિડીયો દ્વારા સંબંધિત વિગતોની ચકાસણી પણ કરવામાં આવી હતી . જેમણે આવેદનપત્ર રજુ કરેલું તેવા કિસાનોના ફાર્મન નિષ્ણાતોની ટીમ હાલની covid ની ની પરિસ્થિતિને કારણે મુલાકાત લઈ શકી નહોતી. એટલે જ ઓનલાઇન પ્રક્રિયા દ્વારા  વિડિયો ના માધ્યમથી જે તે કિસાન ના ફાર્મ ની ચકાસણી અને ખરાઈ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ  આ કિસાનોને પહેલા રાઉન્ડમાં લખનૌ ખાતે બોલાવી ને નિષ્ણાતોની આ ટીમે સંબંધિત ખેડૂતો સાથે વિગતવાર સંવાદ કર્યો હતો અને તેઓ પોતાના ફાર્મ માં કઈ રીતે પ્રાકૃતિક ખેતી કેટલા વર્ષથી કરી રહ્યા છે, તેમની જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે તેઓ શું કરી રહ્યા છે ,કઈ રીતે કેટલું ઉત્પાદન  મેળવી રહ્યા છે, સિંચાઈ ની પદ્ધતિ,  કૃષિ પેદાશની ઉત્પાદકતા ,તેની માર્કેટિંગ વ્યવસ્થા વગેરે પ્રશ્નો પૂછીને ખેડૂતો પાસેથી વિસ્તૃત માહિતી મેળવ્યા બાદ તેની ખરાઇ કરીને લખનૌ ખાતે પહેલા દસ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી.

ત્યારબાદ મુંબઈ ખાતે પહેલા પાંચ ખેડૂતોમાંથી પ્રથમ ,દ્વિતીય તથા તૃતિય વિજેતા ને જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ક્રમે ગુજરાતના ધરતીપુત્ર શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી , જ્યારે બીજા અને ત્રીજા ક્રમે તમિલનાડુ અને રાજસ્થાનના ધરતીપુત્ર ને આ ટીમ દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. શ્રી ઉપેન્દ્રભાઈ નાથાણી ( મોબાઇલ નંબર :9909282170) ને ધરતી મિત્ર એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા માં નવસારી કૃષિ યુનિવર્સિટી ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી તરીકે સેવા આપી ચૂકેલા પૂર્વ કુલપતિશ્રી શ્રી એ. આર. પાઠકનુ પણ ટેકનિકલ માર્ગદર્શન મળ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૪ વર્ષથી પોતાના ૧૫ એકરમાં પ્રાકૃતિક ખેતી કરતાં ઉપેન્દ્રભાઈ ના પ્રાકૃતિક ફાર્મ ની નવેમ્બર ૨૦૧૯ ના વર્ષમાં શ્રી મથુરભાઇ સવાણી ના સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ના સન્માન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્યશ્રી દેવવ્રતજી તથા પૂર્વ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શ્રી પરસોતમ રૂપાલા એ પણ મુલાકાત લીધી છે. તેમના ફાર્મમાં પ્રતિવર્ષ સરેરાશ ૫૦૦થી વધુ કિસાનો ઉપરાંત  કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો તથા અભ્યાસુઓ મુલાકાત લઇ પ્રાકૃતિક ખેતી ની પ્રેરણા લઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતી માં રસ ધરાવતા ખેડૂતો શ્રી ઉપેન્દ્રભાઈ નો તેમના મોબાઈલ (9909282170)દ્વારા સંપર્ક કરીને પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે. – રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન

Leave a Reply

Your email address will not be published.

error: