ઝાડેશ્વર-ભોલાવમાં વર્ષોથી ભરાતા શાકમાર્કેટમાં ટ્રાફિક-ગંદકીનો ઉપદ્રવ, પંચાયતોએ દબાણ દૂર કરવા ૨૦૦ થી વધુ લોકોને નોટિસ આપી

ભરૂચની ઝાડેશ્વર અને ભોલાવ પંચાયત દ્વારા ૨૦૦ થી વધુ શાકભાજીવાળા, ફેરિયા, પાથારણાવાળા અને દબાણકર્તાઓને નોટિસ આપી ખસી જવા ફરમાન કરાયું છે. વર્ષોથી તુલસીધામથી ઝાડેશ્વર ચોકડી સુધી ભરાતા બજાર સામે સ્થાનિક સોસાયટીના રહીશો અને વાહન ચાલકો પણ હવે વાંધો વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ શહેરના તુલસીધામથી ઝાડેશ્વર ચોકડી સુધી રસ્તાની બંને બાજુ ઉભા રહેતા શાકભાજી, ફેરિયા, લારી-ગલ્લા અને કેબિન ધારકોને લીધે ટ્રાફિક તેમજ ગંદકી અને ગટરો ચોકઅપ થઈ જવા સહિતની સમસ્યા સર્જાઈ રહી છે.

જે અંગે ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સોસાયટીઓના રહીશોએ પંચાયતની સાથે કલેક્ટર તેમજ સંકલનની બેઠકમાં પણ રજૂઆત કરી હતી. બંન્ને બાજુનો રસ્તો રોકાઈ જતો હોવાથી ટ્રાફિકને ભારે અડચણ ઉભું થઈ રહ્યું હતું. સાથે જ ગંદકી અને હરાયા પશુઓનો ત્રાસ પણ વધી ગયો હતો. આટલું ઓછું હોય તેમ કચરો રસ્તા ઉપર જ કે ગટરમાં નાખી દેતા ગટર પણ ચોકઅપ થવાની સમસ્યા સર્જાઈ હતી. આ તમામ સમસ્યાઓને ધ્યાને લઇ બંન્ને પંચાયતોએ ૨૦૦ જેટલા ફેરિયા, લારી-ગલ્લા અને કેબિન ધારકોને નોટિસ ફટકારી છે. ત્રણ દિવસમાં સ્વયંભૂ દબાણ નહિ હટાવાય તો પંચાયતો દબાણ દૂર કરવાની કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ આપી દેવાઈ છે.
તુલસીધામથી ઝાડેશ્વર સુધી માર્ગની બંન્ને બાજુ વર્ષોથી બજાર ભરાય છે. જો કે કોરોનાના બે વર્ષના સમયગાળા દરમિયાન છૂટક ધંધાદારીઓ જ્યોતિનગરથી જ પડાવ નાખી રોજગારી રળતા હતા. હવે આ લોકોના લીધે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થઈ રહ્યું છે, તો પશુઓનો ઉપદ્રવ પણ વધ્યો છે. વધુમાં ખરીદી કરવા આવતા લોકો પણ પોતાના વાહનો રસ્તા ઉપર જ પાર્ક કરી દેતા અન્ય લોકો માટે મુસીબત સર્જાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: