મુન્દ્રાની બી.એડ. કોલેજમાં પર્યાવરણ પરિવર્તન અંતર્ગત જૂથ ચર્ચા યોજવામાં આવી

મુન્દ્રા, તા.૨૮: રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા તા. ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં પર્યાવરણ પરિવર્તન અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઊજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પખવાડિયા દરમિયાન કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું હોય છે જે અંતર્ગત મુન્દ્રાની આર.ડી. ટ્રસ્ટ સંચાલિત એસ.ડી. શેઠીયા બી.એડ. કોલેજમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણ માટે કોલેજના વિદ્યાર્થીઓ અને ભાવિ શિક્ષકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે અને તેમના દ્વારા સમાજ અને શાળાઓના બાળકો સુધી નવીન વિચારોનું આદાન પ્રદાન થાય તે હેતુથી જૂથ ચર્ચા યોજવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સિપાલ ડો. લાલજીભાઈ વી. ફફલના માર્ગદર્શન હેઠળ ઉર્જા સંગ્રહ, બેટરી સંચાલિત વાહનો, જળ વ્યવસ્થાપન, પાણીનું પુનઃ વપરાશ, ઘન કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો જેવા વિષયોને આવરી લઈને યોજાયેલ જૂથ ચર્ચામાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તિતિક્ષા ઠક્કર, ઝોહરા અવાડિયા અને ચેતન મહેશ્વરીની ટીમ વિજેતા થઈ હતી. યુવા જાગૃતિ પખવાડિયાની ઉજવણી કોલેજના પ્રોફેસર ડો. હિતેષ કગથરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.

જેમાં આજની જૂથ ચર્ચાનું સંચાલન શિફાબેન સુમરા અને ધ્રુવ ધોળકિયા દ્વારા કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કલાયમેટ ચેન્જની દિશામાં ગુજરાતમાં સપ્ટેમ્બર ૨૦૦૯માં અલાયદા કલાઈમેન્ટ ચેન્જ વિભાગની સ્થાપના કરી હતી. જે સમગ્ર એશિયામાં પ્રથમ અને વિશ્વમાં રાજ્ય સરકારનો ચોથો અલાયદો વિભાગ બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: