મનફરા નો ભાગેડુ બુટલેગર ને પકડવા જતા પોલીસ પર હુમલો પોલીસ કર્મચારી ઘવાયા

કડોલમાં પોલીસ ઉપરના હુમલા પ્રકરણે ૨૪ આરોપી સામે નોંધાઇ ફરિયાદ

ભચાઉ તાલુકાના કડોલ ગામમાં ક્રિકેટની રકમ દરમ્યાન ભચાઉ પી.આઇ. અને પોલીસ કર્મીઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં ગત મોડી રાત્રે ફરિયાદ નોંધાઇ હતી. ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રહેતા હિતેષ કરશન કોળી વિરુદ્ધ દારૂ સંબંધી ચારેક ગુન્હા નોંધાયેલા છે. કડોલ ગામમાં ચાલી રહેલી હિન્દુ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એક ટીમ વતી આ શખ્સ ક્રિકેટ રમી રહ્યો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસ કડોલ ગામે પાબુદાદાના મંદિરની બાજુમાં ક્રિકેટ મેદાન ઉપર પહોંચી ગઇ હતી. આ આરોપી એક ટીમ વતી મેદાનમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસે તેને કોર્ડન કરતાં આ શખ્સ મેદાનમાંથી બહાર નાસી ગયો હતો. પોલીસે દોડીને તેને પકડી પાડયો હતો. 

તેને પોલીસ લઇ જઇ રહી હતી ત્યારે મનસુખ ગોકળ ચાવડા (કોળી), વિશાલ ગોકળ ચાવડા (કોળી), જયેશ બિજલ કોળી, જિજ્ઞેશ કલુડાડા કાપડી, દિલીપ મણિલાલ કોળી, અરવિંદ કોળી, ઘનશ્યામ રાણા કોળી, ગોકળ દેસર કોળી, મંગરાજ મલુ ડુંગરિયા તથા અન્ય ૧૫ અજાણ્યા શખ્સો ત્યાં દોડી આવ્યા હતા અને બનાવના ફરિયાદ અશોક પ્રહલાદજી ઠાકોર, અરવિંદસિંહ જાડેજાને નીચે પાડી દઇ તેમનું ગળું દબાવી ચાર-પાંચ શખ્સો ઉપર ચડી બેઠા હતા તેમજ ભચાઉના પી.આઇ. આર. આર. વસાવાને નીચે પાડી દઇ તેમના પગ ઉપર બેટ વડે હુમલો કરાયો હતો. પોલીસની કાયદેસરની ફરજ દરમ્યાન ઇરાદાપૂર્વક હુમલો કરી તેમને મારી નાખવા ગળું દબાવી તેમજ આરોપીને છોડાવીને આ શખ્સો નાસી ગયા હતા. પોલીસ ઉપર હુમલાના આ બનાવથી ભારે ચકચાર ફેલાઇ હતી. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: