જૂનાગઢ રસ્તાના કામોની સમીક્ષા કરતા માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી

પદાધિકારીઓ – અધિકારીઓ સાથે બેઠક યોજી, યુદ્ધના ધોરણે કામગીરી કરવા આપ્યા આદેશ

મંગલપુર-ટીકરને જોડતા માર્ગની ગુણવત્તાની રજૂઆત બાબતે મંત્રીશ્રીએ મટીરીયલના સેમ્પલ લેવા માટે સૂચના આપી

જૂનાગઢ રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી, શહેર જિલ્લાના મંજૂર થયેલા રસ્તાઓના કામની પ્રગતિ અને નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળના માર્ગો સંબંધી પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીના ચાલી રહેલા માર્ગોના કામ અને હયાત રસ્તાઓના મરામત કાર્ય સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને કડક આદેશ આપ્યા હતા તેમણે સૌરાષ્ટ્ર ઝોનના જૂનાગઢ અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓના માર્ગ-મકાન અને પંચાયતના અધિકારીઓ સાથે આ સંદર્ભે પણ બેઠક યોજી હતી
આ બેઠકમાં મંત્રીએ પદાધિકારીઓના પ્રજાલક્ષી-પ્રશ્નો -રજૂઆતો સાંભળ્યા હતા. જમીન સંપાદન, રસ્તાઓના દબાણ, મુખ્ય માર્ગોની બાજુમાં પાણીનો નિકાલ સહિતના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સંબંધીત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
આ ઉપરાંત જાહેર મિલકતો- સરકારી કચેરીઓના યોગ્ય જાળવણી માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉપરાંત મંગલપુર- ટીકરને જોડતા માર્ગની ગુણવત્તા બાબતે રજૂઆત મળતા મંત્રીએ ત્વરિત આ રસ્તાના મટીરીયલના સેમ્પલ લેવા માટે સૂચના આપી હતી.

તેમણે જૂનાગઢ જિલ્લાના રસ્તાઓના પ્રશ્નોની ઊંડાણપૂર્વક જાણકારી મેળવી યોગ્ય સંકલન કરીને રોડના મરામત અને નવા માર્ગોના નિર્માણને આગળ વધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે અધિકારીઓને પણ સૂચના આપી હતી.

નેશનલ હાઇવે ઓથોરિટી ની સમીક્ષા બેઠકમાં નેશનલ હાઈવેના ચીફ એન્જિનિયર એસ.સી મોદી, વર્તુળ -૨ના અધિક્ષક ઇજનેર, પંચાયત સર્કલ-૨ના સુપ્રીટેન્ડેન્ટ ઇજનેર ત્રિવેદી,પાવાગઢી, નેશનલ હાઈવે ઓથોરિટીના માથુર સહિતના ઇજનેર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓના માર્ગ અને મકાન તથા પંચાયત વિભાગના ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સ્થાનિક અને જિલ્લા કક્ષાના રોડ રસ્તા ના પ્રશ્નો માટેની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા,નગરસેવકો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – શૈલેષ પટેલ જૂનાગઢ

Leave a Reply

Your email address will not be published.

error: