ભરૂચના ત્રણ અલગ-અલગ સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થો સાથે મહિલા સહિત ત્રણ બૂટલેગરોને ઝડપ્યા

ભરૂચ જિલ્લાના ત્રણ અલગ-અલગ સ્થળોએથી પોલીસે વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ મહિલા સહિત ત્રણ બૂટલેગરોને ઝડપ્યા હતા. જ્યારે એક ફરાર થઈ ગયો હતો. દહેજના સુવા ગામના નવા ફળિયામાં રહેતો બુટલેગર દિગ્વિજય રમણભાઈ ગોહિલ સરસ્વતી ટાઉનશીપ પહેલા અદામા જવાના રોડ ઉપર કેબિનમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે દહેજ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 263 નંગ બોટલ મળી કુલ 37 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને નટવર માનસંગ પઢિયારને ઝડપી પાડ્યો હતો. જ્યારે બૂટલેગર દિગ્વિજય ગોહિલ ફરાર થઈ ગયો હતો.
આ ઉપરાંત ભરુચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમા હતો. તે દરમિયાન બાતમીના આધારે તાડ ફળિયામાં રહેતી મહિલા બુટલેગર તારા બાબુભાઈ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 36 નંગ બોટલ મળી કુલ 3 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને મહિલા બૂટલેગરને ઝડપી પાડી હતી. જ્યારે શહેર પોલીસે આંબાવાડી વિસ્તારમાં રહેતા બુટલેગર શશિકાંત સુરેશ વાઘના ઘરે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો – રવિના એમ. ખંભાતા