ભરૂચના ઝાડેશ્વરના વિદ્યાર્થીઓને અનિયમિત એસ.ટી. બસના કારણે પડી રહી છે હાલાકી, ભોલાવ ડેપો પર ઉગ્ર રજૂઆત કરાઈ

તવરા, નવા તવરા, કડોદ, શુકલતીર્થ, નિકોરા સહિતના વિદ્યાર્થીઓ ભરૂચ ખાતે અભ્યાસ કરવા આવે છે
રવિના એમ. ખંભાતા દ્ધારા – રાજ્યના બજેટ સત્રમાં વિદ્યાર્થીઓને મફત મુસાફરીનો લાભ આપવાની સરકારે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ભરૂચમાં વિદ્યાર્થીઓ અનિયમિત બસોના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ઝાડેશ્વર પૂર્વપટ્ટીના ગામડાઓના વિદ્યાર્થીઓને અનિયમિત એસ.ટી. બસને કારણે પડતી હાલાકી મુદ્દે ગુરૂવારે વિદ્યાર્થીઓએ ભોલાવ ડેપો પર ઉગ્ર રજૂઆતો કરી હતી.

ઝાડેશ્વર ચોકડીથી લઈ ઝનોર સુધીની પૂર્વપટ્ટીના ગામડાઓમાં તવરા, નવા તવરા, કડોદ, શુકલતીર્થ, નિકોરા સહિતના વિદ્યાર્થીઓ ભરૂચ ખાતે અભ્યાસ કરવા આવતા હોય છે. તેઓને અનિયમિત બસના કારણે વારંવાર તકલીફો પડી રહી છે. અગાઉ પણ વિદ્યાર્થીઓએ ભોલાવ ડેપો મેનેજરને લેખીતમાં રજૂઆત કરી હતી. જોકે, તંત્ર દ્વારા કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યાં ન હતા. ત્યારે આજરોજ ફરી વિદ્યાર્થીઓએ ભોલાવ ડેપો પાસે ભેગા થઈ બસ સેવા યોગ્ય રીતે શરુ કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.