હ્રદયરોગ સાથે જન્મેલી બાળકીને નવજીવન આપતી આર.બી.એસ.કે. ની ટીમ

(આલેખન – પૂજા શિંગાળા – પ્રાચી કોટક, રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી)   

રાજકોટ તા. ૧૮ મે – સગર્ભાવસ્થામાં જ ગર્ભસ્થ બાળકની તપાસ કરાવી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ(આર.બી.એસ.કે.) ની ટીમના ડોકટર્સ બાળકીના સ્વસ્થ જીવન માટે નિમિત્ત બન્યા હતા. જેતપુર નિવાસી સગર્ભા જલ્પાબહેન ચૌહાણની વધુ તપાસની આર.બી.એસ.કે.ની ટીમને જરૂર જણાતા પ્રેગ્નન્સીનાં રીપોર્ટ કરાવવાનું સૂચન આરોગ્યકર્મીઓ દ્વારા કરવામાં આવ્યું  હતું. તમામ રીપોર્ટસ માટે જલ્પાબહેન માનસિક રીતે તૈયાર થયા બાદ તેમના રીપોર્ટસ કરવામાં આવ્યા હતા, જેમાં બાળકને સી.એચ.ડી.ની તકલીફ જણાઇ હતી. આ રોગ અંગે જલ્પાબેનને સંપૂર્ણ માહિતી હકારાત્મક વાતાવરણમાં  આર.બી.એસ.કે.નાં ડોકટર દ્વારા આપવામાં આવી હતી. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનાં ડોકટર દ્વારા વાલીને અને ભવિષ્યમાં તેમનું બાળક અમુક પ્રકારની સારવાર લઈ તંદુરસ્ત જીવન પસાર કરી શકશે. તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.બાળકનાં જન્મ બાદની સમસ્યાનાં ભયમાંથી બહાર કાઢી, સંતાનના જન્મ બાદની સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના પગલે જલ્પાબેને પ્રેગ્નન્સી દરમ્યાન આર.બી.એસ.કે. દ્વારા આપવામાં આવેલ તમામ સારવાર લીધી હતી. 

તા. ૨૧ જાન્યુઆરીના રોજ જલ્પાબેનને ત્યાં ત્રિશાનો જન્મ થયો. અને તપાસ દરમ્યાન જરૂર જણાતા અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે ત્રિશાને હદયરોગનાં ઓપરેશન માટેની તબીબો દ્વારા યોગ્ય દોરવણી આપવામાં આવી હતી. ઓપરેશન કર્યા બાદ હાલ ત્રિશા સ્વસ્થ બાળક તરીકેનું જીવન જીવી રહી છે. પોતાની પુત્રીને નવજીવન આપવા બદલ ત્રિશાના પરિવારે આર.બી.એસ.કે. ની કામગીરીને બિરદાવી ઋણી રહયા હતા. તેમ આર.બી.એસ.કે. નાં સભ્ય ડો. ભાવિષા રૈયાણી અને ડો. રાજેશ બુટાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજય સરકારનાં નેજા હેઠળ કાર્યરત રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા સગર્ભાઓના આરોગ્યની તપાસ તેમનાં ઘરે-ઘરે જઈને કરવામાં આવે છે, જે અન્વયે ત્રિશાનું સામાન્ય જીવન શક્ય બન્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: