માંગરોળ AIMIM પાર્ટી દ્વારા શેરિયાજ-બારા વિસ્તારમાં જેટી બનાવવા તેમજ જંગલી પ્રાણીઓ દ્વારા થતાં નુકસાનના નિરાકરણ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું

માંગરોળ AIMIM પાર્ટી દ્વારા જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ-બારા વિસ્તારમાં જેટી બનાવવા તેમજ વાડી વિસ્તારમાં જંગલી પ્રાણીઓથી થતાં નુકશાનનું નિરાકરણ લાવવા બાબત તથા ભોગ બનનાર ખેડૂતો અને શહેરીજનો ને વળતર ચૂકવવા બાબતે માંગરોળ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ ગામના “બારા” તરીકે ઓળખાતા વિસ્તારમાં આશરે પાંચ હજારથી વધુ નાના માછીમારો વર્ષોથી વસવાટ કરતા હોય, જ્યાં નાના પીલાણા, હોડીઓ તથા બોટોની આશરે ૭૦૦ થી ૮૦૦ જેટલી સંખ્યા ધરાવે છે.જેનાથી માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. લાંબા સમયથી આ પરિવારો માછીમારી નો વ્યવસાય કરે છે. પરંતુ પોતાની બોટો, પીલાણા અને હોડીઓ વગેરેને લાગરવા તથા પાર્કિંગ કરવા અને માલના પરિવહનની વ્યવસ્થા માટે જેટીની સુવિધા નથી. અનેકવાર સરકારશ્રી માં આ બાબતે રજૂઆતો પણ થઈ હતી. આજથી આઠ વર્ષ પહેલાં જેટી મંજૂર થયેલ હોય, જેમાં ચાર કરોડ પાંસઠ લાખ રૂપિયા નું ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ હતું.તેમજ કોન્ટ્રાકટર ને કામ પણ સોંપાઈ ગયેલું હતું. પરંતુ યેન-કેન પ્રકારે આ કામ શરૂ કરવા પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યું અને આ જેટી માટે મંજૂર થયેલ રકમ ચાર કરોડ પાંસઠ લાખ રૂપિયા અન્ય જગ્યાએ ફેરવી શેરિયાજ-બારાના માછીમારોને જેટીની સુવિધા થી વંચિત રાખી અન્યાય કરવામાં આવેલ આ અન્યાય ના ભાગીદાર મીમ પાર્ટીના જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલે કોંગ્રેસ-ભાજપ બન્નેને જવાબદાર ગણાવ્યા હતા.

ઉપરાંત છેલ્લા ઘણા સમયથી માંગરોળમાં શહેર અને વાડી વિસ્તારમાં તથા દરિયાપટ્ટી પર જંગલી પ્રાણીઓ જેમકે સિંહ, દીપડાનો આતંક વધતો જાય છે. ઘણા ખેડૂતોના ઢોરઢાંખર નું મારણ કરવામાં આવેલ હોય,તેમજ માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂત ઉપર પણ સિંહ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂત સદનસીબે મોતના મુખમાંથી પાછા ફર્યા હતા.આ બાબતે પણ લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી હોવા છતાં કોઈ ચોક્કસ પરિણામ આવ્યું ન હોય. જેથી માંગરોળ શહેર અને તાલુકાના રહેવાસીઓ અને ખેડૂતો વતી પોતાના પાલતું પ્રાણીઓ ના મારણનો સર્વે અને માનવજાતિ પર થયેલા જીવલેણ હુમલાનો સર્વે કરી સરકારશ્રી ના ધારાધોરણ મુજબ વળતર ચૂકવવા ની માંગણી ની રજૂઆત કરવામાં આવી હતી. તેમજ રાત્રિના સમયે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી જંગલી પ્રાણીઓ હોવા બાબતે ખેડૂતો ને સજાગ કરવા અને રખડતા ઢોરોના આતંક થી પોતાના ખેતરમાં ઉભેલા પાકની માવજત માટે ખેડૂતોને ખેતરોની ચોફેર ફેન્સિગ બાંધવા માટે ૬૦ ટકા સબસિડી ની યોજના ઘટાડવાની રજૂઆતો કરવામાં આવી હતી.
આ બાબતે મામલતદાર શ્રી એ આ સમસ્યાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય રીતે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આવેદનપત્ર આપવામાં જુનાગઢ જિલ્લાના AIMIM પ્રમુખ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી સુલેમાન એમ. પટેલ, યુસુફ ચાંદ, મજલીસે ખાદિમ ઈરફાન ગુજરાતી, સરફરાઝ પઠાણ, આબેદિન જેઠવા તેમજ AIMIM પાર્ટીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.