” ડભોઇ – દર્ભાવતી નગરીમાં વિજયાદશમીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી : ભાતીગળ મેળો યોજાયો “

( ભક્તિ ભાવપૂર્વકમાતાજીનાં જવારા વળાવવાની સાથે ) ડભોઇ નગરમાં આજે વિજયાદશમી – દશેરાની ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહભેર નગરજનોએ ઉજવણી કરી હતી. નવ દિવસ સુધી નગરજનો ઉપર શેરી ગરબા મહોત્સવ છવાયેલ રહ્યો હતો. પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજીએ રાવણ ઉપર અને છત્રપતિ શિવાજીએ ઔરંગઝેબે ઉપર આજનાં એટલે કે વિજયા દશમીના દિને વિજય મેળવ્યો હતો. હિંદુ સંસ્કૃતિ શોર્ય અને વીરતાની પૂજક છે. સમાજમાં વીરતા પ્રગટે એ માટે વિજયાદશમીના તહેવારની ઉજવણી કરાતી હોવાની પણ એક માન્યતા છે.

આજરોજ ડભોઈ હીરાભાગોળના કિલ્લામાં આવેલ ગઢભવાની માતાજીના મંદિર ખાતે નગરજનો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. નગરજનો દ્રારા વહેલી સવારના પોતાના દરેક પ્રકારના વાહનોની પૂજા કરવામાં આવી હતી. આજરોજ ફૂલો તથા ફૂલનાં હારનું ભારે વેચાણ થયું હતું. નગરજનોએ પોતાનાં ઘરે વાવેલ – સ્થાપન કરેલ માતાજીનાં જવારાને હીરાભાગોળ બહાર આવેલ ગોવિંદેશ્વર તળાવ ખાતે વળાવી – પધરાવી તેનું વિસર્જન શ્રધ્ધાપૂર્વક કરવામાં આવ્યું હતું.

આજરોજ ફાફડા અને જલેબીના વેપારીઓ દ્વારા વધારાના કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. નગરનાં ગઢભવાની માતાનાં મંદિરનાં પ્રાંગણમાં દશેરાનો પરંપરાગત લોકમેળો ભરાયો હતો અને મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડયા હતા અને ફાફડા, જલેબી, ચોળાફળી વિગેરે વાનગીઓ ખરીદી તેની જયાફત ઉડાવતાં જોવા મળ્યા હતા. ઓટોમોબાઇલનાં શોરૂમ પર આજે લોકો નવા વાહનોની ડિલીવરી લેવા માટેનો ધસારો જોવા મળ્યો હતો

સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યો ભયમાં મુકાયા છે ત્યારે આવા તહેવારોની ઉજવણી જ એક આશા છે. શત્રુઓ ઉપર વિજય મેળવવા દ્રઢ નિશ્ચય કરવાનો આજનો દિવસ છે. આજનું પર્વ એટલે ભક્તિ અને પવિત્રતાનું મિલન કહેવાય છે. આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજય સમા દશેરા – વિજયાદશમી પર્વની ડભોઇમાં શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ભારે ધામધૂમથી થઈ હતી – રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: