ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૧-૨૨ બે હાથને કામ, આત્મનિર્ભરતાને સાર્થક કરતો ગરીબ કલ્યાણ મેળો – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

છેવાડાના લોકોને મળવાપાત્ર સહાય સીધે સીધી લાભાર્થીને-જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા ગરીબ કલ્યાણ મેળા રાજય સરકારનું પ્રજા માટે આશીર્વાદરૂપ પગલું – સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા
ગરીબ કલ્યાણ મેળા થકી ગામડાંઓની તસવીર બદલાઈ છે -પૂર્વ રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર
રૂ.૩૨૪ કરોડની ૯૭ જેટલી વિવિધ સહાયો ૬૯૩૨૩ લાભાર્થીને ચુકવાશે
ભુજ, શુક્રવાર પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર અંતર્ગત આજે કચ્છ જિલ્લામાં ૧૨માં તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ટાઉનહોલ ભુજ ખાતે યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને વિવિધ ૧૬ વિભાગોની રૂ.૩૨૪ કરોડની સીધે સીધી સહાય ૬૯૬૨૩ લાભાર્થીઓને ૧૨માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળા હેઠળ ચૂકવવામાં આવી રહી છે.

અધ્યક્ષશ્રીય પ્રવચનમાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, “ આજે ૧૨મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો ભુજ ખાતે શરૂ કરી રહયા છીએ રૂ.૩૨૪ કરોડ જેવી માતબર સહાયનું વિતરણ કરાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહયું કે, અંત્યોદય સુધી પહોંચવાનો આ મેળો છે. છેવાડાના માનવીને હાથોહાથ લાભ આપવાનો સેવાયજ્ઞ છે. ૬૯ હજારથી વધુ લાભાર્થીઓને શોધી લાભ અપાવનાર કર્મયોગી કર્મચારીઓને અભિનંદન. યોજનાઓનો લાભ લાભાર્થી સુધી પહોંચી રહયો છે. અધિકારી-પદાધિકારીઓની મહેનતના પગલે ૧૬ જેટલાં વિવિધ વિભાગોની ૯૭ જેટલી યોજનાના લાભો અપાશે.

જે પૈકી શ્રમિકો, દિવ્યાંગો, મહિલા, વૃધ્ધો, બેરોજગારો જેવાં તમામ જરૂરતમંદોને સહાય આપવાનું સફળ આયોજન કરાયું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અંત્યોદયને પુરેપુરી સહાય હાથોહાથ મળે તે માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે. લાભાર્થીને પુરેપુરી ચૂકવવાની સહાયનો આ ૧૨મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો છે. લાભાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આપને મળતા લાભોને સાર્થક કરી. આપને મળેલી સહાયનો સદુપયોગ કરી અનેકગણો વિકાસ કરો. બધાને નોકરી ના મળે ત્યારે કૌશલ્યયુકત નાના ધંધા રોજગારી કરનારને સાધન સહાયથી આર્થિક ઉન્નત બનાવવા માટે મેળા યોજાય છે.

બે હાથને કામ આત્મનિર્ભરતાને યર્થાથ કરતો આ ગરીબ કલ્યાણ મેળો છે. આ સહાય મેળવ્યા બાદ આપ પગભર થશો. આત્મનિર્ભર થશો. આ સાધન સહાય સમાજમાં સન્માન આપશે. નાના છુટક ધંધા કરનાર પણ દ્ઢનિર્ધારથી મહેનત સાથે આર્થિક રીતે ઉન્નત થઇ માનભેર જીવી શકશે. આત્મનિર્ભર ગામથી સાકાર થશે આત્મનિર્ભર ભારત. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના બાદ આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, જે વંચિતોની વેદના સમજે છે. છેવાડાના લોકોને મળવાપાત્ર સહાય સીધે સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય તેવો પ્રયત્ન કરી જન ધન યોજના અમલી બનાવી છે.

વિવિધ યોજનાઓ થકી જનકલ્યાણના આ ગરીબ કલ્યાણ મેળાના સેવાયજ્ઞમાં છેવાડાના, વંચિતો ગરીબોને સીધી સહાય કરવામાં વહીવટી તંત્રના, પદાધિકારી અને અધિકારીઓ અને કર્મયોગીઓ પણ મહત્વનું યોગદાન આપી રહયા છે. કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજયમાં ચાલી રહેલાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આજે કચ્છમાં પણ યોજાયેલા આ મેળામાં વિવિધ વિભાગોનો સીધે સીધો લાભ અહીં મળી રહયો છે.

લાભાર્થીને જો સીધો લાભ મળતો હોય તો તે ગુજરાતમાં મળે છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૯માં પ્રારંભ કરેલા આ મેળાથી દોઢ કરોડ પરિવાર કોઈને કોઇ યોજનાના માધ્યમથી આર્થિક રીતે ઉન્નત બન્યા છે. આ રાજય સરકારનું આર્શીવાદરૂપ પગલું છે. ગરીબ કલ્યાણ મેળામાં નરેન્દ્રભાઇ મોદી પોતે આવતા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગામડાને સમૃધ્ધ બનાવવાના સ્વપ્નને સરકાર સાર્થક કરી રહી છે. ગરીબો, વંચિતોને સમૃધ્ધ કરવા સરકારે ગામડાઓ સુધી કલ્યાણકારી યોજનાના લાભ પહોંચાડયા છે. ગુજરાતના ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ, કલ્યાણકારી યોજનાઓથી સરકારે ગુજરાતને દેશનું મોડલ રાજય બનાવ્યું છે. આજે વિવિધ યોજનાઓ થકી રાજયનો વિકાસ ઉડીને આંખે વળગે એવો કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વડપણ હેઠળ પ્રારંભ થયેલો આ વિકાસની વણજાર છે. ગરીબો દેશના આર્થિક યોગદાનમાં સહભાગી અનુભવે તે માટે જન ધન ખાતું, રૂ.૧૨ માં જીવન કવચનો લાભ આપ્યો. રૂ.૫ લાખનું આરોગ્ય કવચ પુરું પાડયું હોય તેવી વિશ્વની નોંધનીય યોજના છે. જેનો લાભ કરોડો દેશવાસી મેળવી રહયા છે. શૌચાલય, નિર્ધુમ ચુલા, ઉજ્જવલા યોજના જેવી અનેકવિધ યોજનાઓ દેશમાં અમલી છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ માં બે વેકસીનની શોધ કરી કરોડો દેશવાસીઓને સુરક્ષિત કર્યા છે. અન્ન બ્રહમ યોજના થકી કોરોનાના સમયમાં દેશવાસીઓને ભોજન પુરું પાડયું છે. રાષ્ટ્ર વિકાસમાં નાગરિક તરીકે સહભાગી બનીએ તેવો અનુરોધ કરૂં છું. ગરીબ કલ્યાણ મેળાથી મળતા લાભોથી ઉન્નત બનીએ. મળવાપાત્ર લાભ અન્યોને પણ અપાવી રાજયને સમૃધ્ધ બનાવીએ.

પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા થકી ગામડાઓની તસવીર બદલાઇ છે શહેર જેવી સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ કરાવવાની વિકાસ યાત્રા સરકારે આરંભેલી છે. ગરીબોના કલ્યાણ માટેની યોજનાઓ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવા રાજયના તલાટીથી લઇ સચિવ સુધી સૌ તેના અમલીકરણમાં કામે લાગ્યા છે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લાના લાભાર્થીઓ લાભ મેળવી રહયા છીએ.

ગરીબ કલ્યાણ મેળા નોડલ અધિકારીશ્રી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગરીબોની સંવેદનાને વાચા આપવા સરકારે વહીવટી તંત્રના સંકલનથી સમય મર્યાદામાં લાભાર્થીને સહાય મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાનો સેવાયજ્ઞ ૨૦૦૯-૧૦ માં શરૂ કર્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ માં બારમા તબક્કામાં આજે જિલ્લામાં આપણે વહીવટી તંત્ર અને ૭૦ હજાર જેટલા લાભાર્થી રૂ.૩૨૪ કરોડના લાભોની સહાય લાભાર્થીઓને વિતરણ કરાશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અભિભાવના પૈકી વચેટિયા વિના તત્કાળ રોજી રોટી આપવાના આ પ્રયાસો છે.

આ તકે મંચસ્થ મહાનુભાવોએ પસંદ કરાયેલા ૩૦ લાભાર્થીઓને વિવિધ કીટ અને સાધન સહાયનું વિતરણ કર્યુ હતું તેમજ કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર ઉપસ્થિત સૌ મોરબી ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિ હેઠળ યોજાયેલા ગરીક કલ્યાણ મેળાના જીવંત પ્રસારણમાં જોડાયા હતા. કાર્યક્રમની આભારવિધી ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી વિવેક બારહટે કરી હતી. કાર્યક્રમનું સંચાલનશ્રી પંકજભાઇ ઝાલાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, અગ્રણીશ્રી કેશુભાઇ પટેલ, અરજણભાઇ રબારી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, ભુજ સીટી મામલતદારશ્રી સી.પી.પરમાર, ગરીબ કલ્યાણ મેળાના સર્વે લાયઝન ઓફીસર સર્વશ્રીઓ, જી.ડી.પ્રજાપતિ, કનક ડેર, આસ્થાબેન સોલંકી, ડો.બી.એન.પ્રજાપતિ, જે.એ.બારોટ, એ.પી.રોહડીયા, ભોજગોતર, મહિલા અધિકારીશ્રી અવનીબેન દવે, એ.ઈ.અસારી, ખેતીવાડી અધિકારીશ્રી મેણાંત, બાગાયત અધિકારીશ્રી પરસાણીયા, આત્માના ડો.વાઘેલા તેમજ વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયતના કર્મચારી તેમજ જિલ્લામાંથી આવેલા લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર