રૂરલ મીડિયા વર્કશોપ-વાર્તાલાપ પત્રકારો સાથેના સીધા સંપર્ક અને સંવાદથી અપર મહાનિર્દેશકશ્રી ડો.ધીરજ કાકડીયાએ કર્યુ માહિતીનું આદાનપ્રદાન 

ગુજરાતી પત્રકારત્વમાં કચ્છી પત્રકારત્વની આગવી છાપ વરિષ્ઠ પત્રકારશ્રી કિર્તીભાઇ ખત્રી પત્રકારોના રક્ષણ અને હિત બાબતે જનજાગૃતિ આવે- તંત્રીશ્રી દિપક માંકડ ગ્રામીણસ્તરે પણ ડિઝીટલ યુગમાં બધુ હાથવગું- તંત્રીશ્રી વિપુલ વૈધ કચ્છ જિલ્લાના પત્રકારો માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો

ભુજ, શનિવારઃ સંદેશા વ્યવહારના ટાંચા સાધનો વચ્ચે એંશીના દાયકામાં કચ્છ જિલ્લા સરહદી ગ્રામીણ પત્રકારત્વ માટે ટેલિગ્રામ ઓપરેટરથી લઇ ઉઘાડપગા પત્રકાર અને પ્રાથમિક શિક્ષકોની મદદથી લઇ ખબરપત્રીઓ દ્વારા આગવી કેડીથી કંડારાયેલ ગ્રામીણ પત્રકારત્વની રોચક અને સંવેદનશીલ સફરની વાત વરિષ્ઠ પત્રકારશ્રી કીર્તીભાઇ ખત્રીએ આજે રૂરલ મીડિયા વર્કશોપ-વાર્તાલાપના એક દિવસીય વર્કશોપમાં જિલ્લા મીડિયાકર્મીઓને  કરી હતી.

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પી.આઇ.બી.) અમદાવાદ દ્વારા ભુજ ખાતે મીડિયાકર્મીઓ સાથે સીધો સંવાદ અને સંપર્ક સાધવાના હેતુરૂપ યોજાયેલા રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપમાં શ્રી કિર્તીભાઇ ખત્રીએ આજના ડિઝીટલયુગમાં ગ્રામીણ પત્રકારત્વનું મહત્વ સમજાવતાં જિલ્લાના સરહદના છેવાડાના સમાચારો, રસપ્રદ પ્રસંગોનો ઉલ્લેખ કરતાં સંશોધનાત્મક, દેશદાઝ, ચોરી, સામાજિક પ્રસંગો વગેરે પાસા ગ્રામિણમાંથી ઉભરી હાલે પોતાનું આગવું મહત્વ રાખી શકે છે તે જિલ્લાની ઘટનાઓ સાથે રજુ કરેલ.

વર્ષ ૧૯૮૫ થી ૮૮ સુધીના દારૂણ દુષ્કાળમાં ગ્રામિણ પત્રકારત્વની સંવેદનામાં તેમજ આ તકે જિલ્લાના પત્રકારો સર્વશ્રી અતુલભાઇ, ફકીરભાઇ મામદ ચાકી, નિમિષ વોરા, ડી.વી.મહેશ્વરી, મહીમ પાંધી, જેવા પત્રકારોના પ્રદાનને વર્ણવતા પ્રાદેશિક સમાચાર પત્રોની ગ્રામિણ પરંપરાને અનુસરવા તેમજ પ્રાદેશિક સમાચાર પત્રોમાંથી સ્થાનિક મીડિયાએ અપનાવેલ પત્રકારત્વનો ઉલ્લેખ કરતાં શ્રી ખત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતી પત્રકારત્વમાં કચ્છી પત્રકારત્વની આગવી છાપ છે.

સોશિયલ મીડીયાના લાભ અને ગેરલાભ અંગે રજુઆત કરતાં કચ્છમિત્રના તંત્રીશ્રી દિપકભાઇ માંકડે કાંતિ ભટૃના લેખનો આધાર આપતા જણાવ્યું હતું. સોશિયલ મીડીયા પાળેલા પાલતું પ્રાણી જેવું છે જેના ઉઝરડાં પણ સહન કરવા પડે છે. મોબાઇલ ક્રાંતિના પગલે આવેલ નોંધનીય જીવન પરિવર્તનમાં ડીઝીટલ માધ્યમ સોશિયલ મીડીયામાં પડકારો છે તો કોરોના જેવી મહામારીમાં લોકોને સંપર્કથી જીવંત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માધ્યમ પણ છે. સોશિયલ મીડીયાની સત્યતા, સાતત્ય અને વિશ્વસનીયતાના પ્રશ્નો સાથે ટેકનીકલ ક્રાંતિથી ઝડપી અને ત્વરીત સમાચાર પ્રચાર પ્રસાર માધ્યમ તરીકે તે નોંધનીય છે તેમ પણ શ્રી માંકડે ઉદાહરણ સહિત રજુ કર્યુ હતું. આ તકે તેમણે પત્રકારોના રક્ષણ અને હિત બાબતે જનજાગૃતિ આવે તે બાબતે પ્રચાર-પ્રસાર અંગે પણ રજુઆત કરી હતી.

પત્રકારત્વના નવા આયામો, વિષય પર બોલતાં કચ્છ દિવ્યભાસ્કરના તંત્રી અગ્રણીશ્રી વિપુલભાઇ વૈધે જણાવ્યું હતું કે, ડીઝીટલયુગમાં સંયમી, તટસ્થ, વિશ્વનીય જર્નાલીઝમનું મહત્વ વધી જાય છે. તટસ્થતા, બોલ્ડનેસ, ૩૬૦ ડિગ્રી સમાચાર પણ હવે નવાં પાસા છે. સોશિયલ મીડીયાના વિવિધ ટુલ્સ, સીટીઝન જર્નાલિઝમ અને હવે ગ્રામીણ સ્તરે પણ ડિઝીટલયુગમાં બધુ હાથવગું બન્યું છે. કચ્છના વિશાળ વિસ્તારમાં ભૂતકાળમાં પત્રકારત્વ પડકાર સામે આજનું ડિઝીટલ માધ્યમ પણ નવી ટેકનિકો, વિગેરે સાથે ટુ ધી પોઈન્ટ પર વધુ પસંદ કરાઇ રહયું છે.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના અપર મહાનિદેશકશ્રી ડો.ધીરજભાઇ કાકડીયાએ મીડીયા લો અને પી.આઇ.બી.ની ભૂમિકા અંગે જણાવતાં સરકારી માહિતી મેળવવામાં તેમજ મીડીયાને પડતી તકલીફો બાબતે પ્રશ્નોતરીમાં વિગતે માહિતી પુરી પાડી હતી.

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોની ભૂમિકા સહિત માહિતી અને પ્રસારણ મંત્રાલયની કામગીરી તેમજ મીડીયાને ઉપયોગી એકટ અને સેકશનની વિગતે માહિતી પુરી પાડતાં જિલ્લા મીડીયા કર્મીઓને મુઝવંતા ટેકનીકલ, કાયદાકીય, સરકારી નિયમો, યુટયુબ, OTT પ્લેટફોર્મ, કેબલ નેટવર્ક, વેબમીડીયા તેમજ મીડીયા ઉપયોગી ડીઝીટલ પ્લેટફોર્મના કાયદા અંગે પણ શ્રી કાકડીયાએ સૌને માર્ગદર્શન પુરું પાડયું હતું. પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાની પત્રકારોની રક્ષણ અને હિત માટેની કામગીરી તેમજ પી.સી.આઈ. એકટ-૧૯૭૮ ની તેમજ પત્રકારોના પ્રતિબંધો અને છૂટછાટ અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા.

આભારવિધિ માહિતી કચેરી ભુજના નાયબ માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયાએ કરી હતી. કાર્યક્રમનું સંચાલનશ્રી સુનિલભાઇ માંકડે કર્યુ હતું. આ વાર્તાલાપમાં જિલ્લાના અગ્રણી, પીઢ અને યુવા મીડીયા કર્મીઓ સાથે પી.આઇ.બી.ના સર્વશ્રી વિનોદ ગાલા, ગિરીશ પંચાલ, દિનેશ કલાલ, મુનીશ શર્મા, કમલેશભાઇ મહેશ્વરી, ભરતભાઈ ભટૃ ગની કુંભાર વિનોદ સાધુ જયમલસિહ જાડેજા પૃથ્વીરાજ સિહ જાડેજા અલીમામદ ચાકી ભરતસિંહ ચૌહાણ વગેરે ઉત્સાહભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: