સરકારની તમામ યોજનાઓનો ઉત્તમ લાભ લેતું ઉદાહરણરૂપ ગામ એટલે રતનપર

ભચાઉ તાલુકાના  છેવાડાના ગામે કરી બતાવ્યું ૧૦૦% ઘર-ઘર નળ જોડાણ વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજના સાફ્લ્ય ગાથા : કચ્છ જીલ્લો, તાલુકો ભચાઉ, રતનપર ગામ ૨૦૩ જેટલા ઘર અને આશરે ૯૮૯ જેટલી વસ્તી (૨૦૧૧ સેન્સસ પ્રમાણે) ધરાવતું કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાનું છેવાડાનું એવું રતનપર ગામ તાલુકા મથકથી ૧૩૫ કિ.મી. અંતરે આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે આહીર, રબારી લોકોની વસ્તી છે. ગામ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જીલ્લાના ઉત્તર પૂર્વના દુર્ગમ એવા ખડીર વિસ્તારમાં વિશ્વ ધરોહર એવા ધોળાવીરાની નજીક વસેલા આ ગામનો પાણી બાબતે ભૂતકાળ નબળો રહ્યો છે. ગામમાં પાણીની સુવિધાના અભાવને કારણે બહેનો ગામના છેવાડે આવેલ કૂવામાં પાણી ભરવા જતી હતી. લાંબુ અંતર કાપી બેડાં ઉપાડી પાણી લાવવું એ ખૂબ જ કપરું કામ હતું. સમય જતાં પાણીની વિકટ પરિસ્થિતિ ઊભી થતાં ગામ લોકો એકત્રિત થયા અને પાણી બાબતે નક્કર પગલાં લેવાનું નકકી કર્યું. ગામમાં પાણી સમિતિની રચના કરી અને વાસ્મો પુરસ્કૃત ગ્રામ્ય આંતરિક પાણી વિતરણ યોજનામાં જોડાવા પાણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું. લોકો સાથે મળી ૧૦% લોકફાળો એકત્રિત કરવા સહમત થયા. 

સંતોષ સાથે સરપંચ શ્રીમતી વેજીબેન દશરથભાઈ આહિર કહે છે કે “લોકભાગીદારીથી અમે વર્ષ ૨૦૧૭માં ગામમાં વાસ્મો સાથે જોડાઈને અંદાજે રૂ. ૨૪,૮૧,૨૦૦/-ની કિંમતની આંતરિક પાણી યોજના અમલી કરી. જેમાં મુખ્યત્વે પાઈપલાઈન, જમીન તળના ટાંકા – ૩ નંગ, પશુઓ માટે અવાડા – ૩ નંગ વગેરે જેવા ઘટકોનો સમાવેશ થયેલ છે. વધુમાં, વર્ષ ૨૦૧૯માં આ યોજના સાકાર કરી કાર્યાન્વિત કરવામાં આવી અને ત્રણ દાયકા પછી દલિતવાસ, રબારીવાસના વિસ્તારના ઘરોમાં પાઈપલાઈન મારફતે પાણી મળતું થયું.” 

વધુમાં  સરપંચ શ્રીમતી વેજીબેન દશરથભાઈ આહિર કહે છે કે “હાલ ગામની પાણી યોજના સુચારુ રીતે કાર્યરત છે તથા ગામની કુલ ૭ શેરીઓમાં તમામ ઘરોમાં દૈનિક બે-બે કલાક પાણી અપાય છે. એટલું જ નહીં તમામ વિસ્તારોને આવરી લેવા માટે વાલ્વ સિસ્ટમ બેસાડવામાં આવેલ છે. પાણી વિતરણ કરવાના એક કલાક પહેલાં ગામમાં અલગ અલગ જગ્યાએ લગાડવામાં આવેલ સાઉન્ડ સિસ્ટમ દ્વારા પાણી વિતરણની જાહેરાત કરવામાં આવે છે. આવી વિતરણ વ્યવસ્થાના કારણે ગામમાં જરૂરિયાત પૂરતું પાણી દૈનિક મળી રહે છે અને કોઈ પણ પ્રકારનો પાણીનો બગાડ થતો નથી. હાલ, ગામમાં ઘર દીઠ ૨૦/- રૂ. પ્રતિ માસ પાણી વેરો ઉઘરાવવામાં આવે છે.” 

આમ, રતનપર ગામ દુર્ગમ વિસ્તારમાં વસેલું હોવા છતાં પણ ખૂબ જ સુંદર રીતે પાણી વ્યવસ્થા ચલાવે છે. પાણી વિતરણની વ્યવસ્થા માટે એક વાલ્વ મેન રાખવામાં આવેલ છે જેને માસિક રૂ. ૧૦,૦૦૦/- જેટલી માતબર રકમ પગાર પેટે ચૂકવવામાં આવે છે. દર મહિને ગામના તમામ ટંકાઓ તથા અવાડાઓની નિયમિત સફાઈ પણ કરાવવામાં આવે છે. પાણી બાબતે પહેલેથી જ આ ગામમાં સંપ જોવા મળ્યો છે. 

ગામમાં ઘર-ઘર શૌચાલય, પ્રાથમિક શાળા, પંચાયત કચેરી, વીજળી, ગટર વ્યવસ્થા, પેવર બ્લોક વગેરે સુવિધાઓ છે તથા એસ. ટી. બસની સેવા સમગ્ર વર્ષ ઉપલબ્ધ રહે છે. ગામના મહિલા સરપંચ તેમના ઉમદા કાર્યોને કારણે બીજી વખત ચૂંટાઈ આવેલ છે. તેમણે તમામ શેરીઓમાં તથા ગામના પાદરે શહેરોમાં હોય તેવી સી.સી. ટી.વી. કેમેરાની સિસ્ટમ બેસાડેલ છે, જેના દ્વારા ગામમાં રક્ષણાત્મક અંકુશ લાવી શકાયેલ છે તથા કોઈ અનિચ્છનીય, ગુનાહિત બાબત બનતી અટકાવી શકાયેલ છે. એટલું જ નહીં, કોઈ ઘરમાંથી પાણી શેરીમાં નીકળતું હોય તો સી.સી. ટી.વી. કેમેરા મારફતે સાઉન્ડ સિસ્ટમમાં જાહેરાત કરવામાં આવે છે અને તાત્કાલિક પાણીનો નિકાલ અટકાવવામાં આવે છે.આમ, પાણીની તકલીફ વેઠનાર આ ગામ ખરેખર પાણી અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ખરા માપદંડોથી કામગીરી કરી રહ્યું છે.

ગામની આ બાબતો નોંધપાત્ર અને સૌએ અનુસરવા જેવી છે જેમકે  ગામના જાગૃત અને સક્રિય મહિલા સરપંચ ,દરેક ઘરમાં ગટર કનેક્શન અને શૌચાલય છે ,વ્યક્તિગત પાણી યોજના સૂચારુ રીતે ચાલે છે ,સ્વચ્છતા બાબતે શિસ્તબધ્ધ આ ગામમાં કોઈ પણ પ્રકારનો કચરો જોવા મળતો નથી ,શહેરો જેવી અદ્યતન સી.સી. ટી.વી. સુરક્ષા વ્યવસ્થા , મોટે ભાગે સરકારની તમામ યોજનાઓનો મહત્તમ લાભ લઈ સુંદર સંચાલન. સૌજ્ન્ય : વાસ્મોપાણી પુરવઠા રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: